Gujarati News

Gujarati News

News of Sunday, 19th April 2020

સમાજસેવાનો બીજો પર્યાય એટલે જયોતિ સીએનસી પ્રથમ સ્વદેશી વેન્ટીલેટર 'ધમણ-૧' કલેકટરને સુપ્રત કર્યું

પરાક્રમસિંહ જાડેજાના વડપણ હેઠળ ''ટીમ જયોતિ સીએનસી''ની અનન્ય સિદ્ધિઃ ૩ જ દિ'માં રોજના ૧૦૦ વેન્ટીલેટર સરકારને આપશેઃ રાજકોટમાં ધમધોકાર વેન્ટીલેટરો બનવા શરૃઃ અત્યારે રોજના ૫૦ અને ૩ દિવસમાં જ રોજના ૧૦૦ વેન્ટીલેટર જયોતિ સીએનસી દ્વારા બનાવવામાં આવશે

રાજકોટ સિવિલ હોસ્પિટલ માટે વેન્ટીલેટર ''ધમન'' કલેકટરને સુપ્રત : જયોતિ સી.એન. સી. દ્વારા બનાવાયેલ વેન્ટીલેટર ''ધમન'' ને કંપનીનાં માલીક પરાક્રમસિંહ જાડેજા તથા તેમની ટીમે કલેકટર રેમ્યા મોહન તથા ખાસ ફરજ પર મુકાયેલા રાજકોટના પૂર્વ કલેકટર રાહુલ ગુપ્તાને અર્પણ કર્યુ હતું. તે વખતની તસ્વીર. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૮ : દેશભરમાં માનવંતુ સ્થાન ધરાવતા રાજકોટના મે. જયોતિ સીએનસીની એન્જીનિયર ટીમ અભૂતપૂર્વ કૌશલ દાખવી વિક્રમસર્જક સમયમાં 'ધમણ-૧' વેન્ટીલેટરનું ઉત્પાદન પૂરજોશમાં શરૂ કરી દીધુ છે અને આજે જયોતિ સીએનસીના શ્રી પરાક્રમસિંહ જાડેજા રાજકોટના કલેકટર શ્રી રેમ્યા મોહનને પ્રતિકરૂપે પ્રથમ વેન્ટીલેટર સુપ્રત કરેલ.

શ્રી પરાક્રમભાઈએ 'અકિલા'ને જણાવેલ કે ૩ દિવસ સુધી રોજના અમે ૫૦-૫૦ વેન્ટીલેટર સરકારને સુપ્રત કરીશુ અને ત્યારબાદ રોજના ૧૦૦-૧૦૦ વેન્ટીલેટરનો જથ્થો ગાંધીનગર - અમદાવાદ મોલકતા રહીશુ.

આ પ્રથમ વેન્ટીલેટર રાજકોટ સિવિલ હોસ્પિટલની સ્પેશ્યલ કોવિડ-૧૯ હોસ્પિટલ માટે આપવામાં આવ્યુ છે.

દેશભરમાં કોરોના હાહાકાર સર્જી રહ્યો છે અને સુરત, અમદાવાદ, વડોદરામાં સ્થિતિ બેકાબુ બનતી જાય છે ત્યારે દર્દીઓને બચાવવા વેન્ટીલેટરની તાતી જરૂરીયાત રહેવાની છે.

દેશના પ્રથમ હરોળના ઉદ્યોગપતિ અને ડીફેન્સ ક્ષેત્રે જબરી કામગીરી બજાવી રહેલા શ્રી પરાક્રમસિંહ જાડેજાના વડપણ હેઠળ ગણતરીના દિવસોમાં રાજકોટ ખાતે જયોતિ સી.એન.સી.ની અતિ આધુનિક ફેકટરીમાં 'વેન્ટીલેટર'નું ઉત્પાદન શરૂ થઈ ગયુ છે.

ખુદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રી પરાક્રમસિંહ જાડેજા સાથે આ બાબતે ટેલીફોનિક વાતચીત કરી અભિનંદન આપ્યા હતા.

રાજકોટ કલેકટર શ્રી રેમ્યા મોહને પણ પરાક્રમભાઈ અને સાથે એન્જીનિયર મિત્રોની દેશ માટેની આ અમૂલ્ય સેવાને બિરદાવી હતી. આ મશીન એક લાખ રૂ. આસપાસમાં થાય છે. જયારે આ જ મશીન વિદેશથી ૫-૬ લાખમાં આયાત થતુ હોય છે.

આ અંગે કલેકટર તંત્રમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જયોતિ સી.એન. સી. દ્વારા જે વેન્ટીલેટર 'ધમન' બનાવ્યું છે. જે રૂ. ૧ લાખનાં ખર્ચે નિર્માણ થાય છે. આવા ૧૦૦ નંગ 'ધમન' તૈયાર થઇ જતા આ તમામ વેન્ટીલેટરો ગાંધીનગર રાજય સરકારનાં હેલ્થ ડિપાર્ટમેન્ટને મોકલાયા છે. હવે સરકાર દ્વારા ગુજરાતભરની સરકારી હોસ્પિટલોમાં જરૂરીયાત મુજબ ફાળવવામાં આવશે.

રાજકોટની સિવિલ હોસ્પિટલ માટે આજે સૌ પ્રથમ ૧ વેન્ટીલેટર કલકેટર શ્રી રેમ્યા મોહનને જયોતિ સી.એન.સી.નાં માલિક શ્રી પરાક્રમસિંહ જાડેજાએ અર્પણ કર્યુ હતું.

નોંધનિય છે કે વેન્ટીલેટર 'ધમન' માટે જયોતિ સી.એન.સી. દ્વારા મેડીકલ ક્ષેત્રની તમામ માન્યતાઓ અને સર્ટીફીકેટ પ્રાપ્ત કર્યા બાદ અને તેની સત્તાવાર મંજુરી બાદ આ વેન્ટીલેટરો ઉપયોગ માટે આપવામાં આવ્યા છે. અને પ્રત્યેક મશીનનું ચેકીંગ કરી તેનું પ્રમાણપત્ર મળ્યા પછી જ આ મશીનો ઉપયોગ મોકલવામાં આવી રહ્યા છે. તેમ પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

(3:10 pm IST)