Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

લોકોના પીવાના પાણીના પૈસા પણ બોર યોજનાના નામે ખવાઈ ગયા'તા, હવે ભાજપ સૌની યોજનાની વાતો કરે છે

આજીડેમમાં નર્મદાના નીર આવે ત્યારે નેતાઓ ફોટા પડાવી સસ્તી પ્રસિધ્ધી મેળવે છે, પણ લોકોની સમસ્યા હજુ યથાવતઃ ખાટરીયા- ગોહેલ- પટેલ- વોરા

રાજકોટ,તા.૧૯: રાજકોટ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી હિતેશભાઈ વોરા, કોંગ્રેસ અગ્રણી ડો.ડાયાભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહેલ અને પૂર્વ રાજકોટ જી.પં. કારોબારી ચેરમેન અર્જુનભાઈ ખાટરીયાની સંયુકત યાદીમાં જણાવાયું છે કે ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઇ મોદીએ સૌની યોજના જાહેર કરી હતી. ૨૦૧૪માં એનું ખાતમુહૂર્ત કર્યું અને ૨૦૧૭માં એવી જાહેરાત કરી કે લોકોને એનું પાણી મળતું થઇ ગયું છે. પરંતુ ભાજપની જાહેરાતમાં, સરકારી હોર્ડીંગમાં જ સમસ્યા દૂર થઇ છે. કરોડોના ખર્ચે થયેલી કહેવાય છે એ યોજના અને એના લાખોના ખર્ચે થયેલા પ્રચારનો કોઇ લાભ લોકો સુધી પહોંચ્યો નથી એવો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.

રાજકોટ શહેરમાં પીવાના પાણીની સમસ્યા યથાવત છે. છેલ્લા કેટલાંય વર્ષોથી અહીં વીસ મિનિટ પાણી મળે છે. એમાં ભાજપના શાસકો વધારો કરી શકયા નથી. સૌની યોજના દ્વારા ૧૧૫ ડેમ ભરવાની વાત હતી પરંતુ હજી ૧૫ ડેમમાં પણ પાણી પહોંચ્યુ નથી. ભાજપને ચૂટણી સમયે જ પાણી યાદ આવે છે. છેલ્લા ૧૫ વર્ષમાં એક પણ ડેમ નવો બાંધ્યો નથી. એક પણ સિંચાઇ યોજના કરી નથી. અને ફકત પ્રચાર કર્યો છે.

સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા જુની છે. ખેતી માટે પણ પાણી નથી. ડેમ ખાલી થઇ રહ્યા છે. દુષ્કાળ હવે ભૂતકાળ બનશે એવું કહેવાયું ઘણીવાર પણ થયું નથી. અરે આ એજ ભાજપના શાસકો છે જેમણે રાજકોટમાં બોર કૌભાંડ આચર્યું હતું. લોકોના પીવાના પાણીના પૈસા પણ બોર યોજનાના નામે ખવાઇ ગયા હતા. હવે એ ભાજપ સૌની યોજનાની વાત કરે છે. નર્મદા નીર રાજકોટના ડેમમાં આવે એટલી વાર ભાજપના પદાધિકારીઓ ફોટા પડાવી લે છે. માત્ર સસ્તી પ્રસિધ્ધિ માટે જ આ કામ થાય છે.લોકોની સમસ્યા યથાવત છે. હવે આવી વાતોથી લોકો પણ કંટાળી ગયા હોવાનું યાદીમાં અંતમાં જણાવાયું છે.

(4:07 pm IST)