Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

સરદારનગર વિસ્તારમાં પાણી ચોરી કરતા ૩ ઝડપાયાઃ ૬ હજારનો દંડ

રાજકોટ, તા.૧૯: શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી બંછાનિધિ પાનીના આદેશ અનુસાર ગેરકાયદેસર નળ કનેકશન અને ડાયરેકટ પમ્પીંગનાં કિસ્સાઓની તપાસ તથા પગલા ઉપરાંત પાણીનો બગાડ કરતા આસામીઓ સામે પણ પગલાં લેવામાં આવી રહયા છે. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ નં. ૦૭ની ટીમ દ્વારા શહેરમાં હાથ ધરાયેલ ચેકિંગ દરમ્યાન ડાયરેકટ પમ્પીંગ કરતા ૦૩ આસામીઓ પાસેથી બબ્બે હજાર રૂપિયા લેખે કુલ મળીને રૂ.૦૬,૦૦૦/-નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ મ્યુ.કોર્પોરેશનની વોટર શાખાની ટીમ દ્વારા વોર્ડ નં.૭ના વિવિધ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવતા ૩ મકાનધારકો ડાયરેકટ પમ્પીંગ કરતા ઝડપાયા હતા.

જે આસામીઓ સામે પગલા લેવામાં આવ્યા છે તેમાં ડાયરેકટ પમ્પિંગ કરનાર વિરેન્દ્રભાઈ નિમાવત, સરદારનગર-૨૦ હિરલબેન સાગર, સરદારનગર મેઈન રોડ, શ્રુતિબેન દેસાઈ, સરદારનગર મેઈન રોડ વિગેરેનો સમાવેશ થાય છે.

આ કામગીરી મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીના આદેશ અન્વયે વોર્ડ નં.૦૭ માં ટીમ લીડર કાશ્મીરાબેન વાઢેરના માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફિસર હેમાન્દ્રીબા ઝાલા તેમજ ડે. ઈજનેર વસાવા, એ.ટી.પી. વસાવા, કેતન ગોંડલીયા, તેમજ ઉમરાણીયા ડ્રેનેજ, રમેશભાઈ ઠાકર તેમજ ગગજીભાઈ ફીટર દ્વારા આ કામગીરી કરવામાં આવેલ હતી.

(4:06 pm IST)