Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

ગેરકાયદે ગર્ભપરિક્ષણ અને ગર્ભપાતના કેસમાં ડો. હિના પટેલની કોર્ટે જામીન અરજી ફગાવી દીધી

આરોપી ડોકટર સામે પ્રથમ દર્શનીય સમાજ વિરોધી ગંભીર ગુનો છેઃ અદાલત

રાજકોટ તા. ૧૯: કોઠારીયા રોડ ઉપર હુડકો કવાટર્સમાં ફોરમ કલીનીકમાં ગેરકાયદે ગર્ભપરિક્ષણ અને ગર્ભપાતના પ્રયાસના આરોપ સબબ પકડાયેલ અને જેલહવાલે થયેલ હોમીયોપેથીક ડોકટર હિના પરેશભાઇ પટેલે જામીન પર છુટવા કરેલ અરજીને સેસન્સ કોર્ટે નકારી કાઢી હતી.

આ અંગેની વિગત એવી છે કે, આરોપીની કલીનીકમાં ચાલતા ગેરકાયદે ગર્ભપરિક્ષણ અને ગર્ભપાત અંગે મળેલ માહિતીના આધારે ક્રાઇમ બ્રાંચ દ્વારા મહિલા કોન્સ્ટેબલને ડમી તરીકે મોકલીને દરોડો પાડવામાં આવેલ હતો. અને કલીનીકમાંથી દવાઓ, ઇન્જેકશન અને ગર્ભપાતના સાધનો મળી આવ્યા હતાં. તેણીની ધરપકડ કરવામાં આવી હતી.

આ ગુનામાં પોલીસે આરોપી હિના પટેલની રીમાન્ડ મેળવીને પુરાવા એકત્ર કર્યા બાદ જેહવાલે કરેલ. આ કલીનીકમાં બહારનાં એનેસ્થેટીટસ તથા ગાયનેક તબીબો સીજેરીયન અને પ્રસુતિ કરાવવા આવતા હોવાનું બહાર આવેલ હતું.

આ ગુનામાં જેલહવાલે થતાં ડો. હિના પટેલે જામીન પર છુટવા અરજી કરી હતી. જે અંગે બંને પક્ષોની દલીલો તેમજ સરકારી વકીલની દલીલોને ધ્યાને લઇને સેસન્સ અદાલતે જામીન અરજી રદ કરી હતી.

સરકારી વકીલે રજુઆત કરેલ કે, આરોપી હિના પટેલ સામે પ્રથમ દર્શનીય ગંભીર ગુનો છે. આવા ગંભીર ગુનામાં તેણીને જામીન પર છોડી શકાય નહિં.

આ કામમાં સરકારપક્ષે એ.પી.પી. શ્રી સંજયભાઇ વોરા રોકાયા હતાં.

(3:46 pm IST)