Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

કોંગ્રેસ પાસે દેશના વિકાસની કોઈ યોજના નથી : ભંડેરી

વોર્ડ નં.૧૧માં જાહેરસભામાં ધનસુખભાઈ અને ભાનુબેનનું ઉદ્દબોધન

રાજકોટ : ગુજરાતમાં લોકશાહીના પર્વને હવે ત્રણ દિવસની વાર છે ત્યારે ભાજપ દ્વારા વોર્ડ નં.૧૧માં મોહનભાઈ કુંડારીયાના સમર્થનમાં યોજાયેલ જાહેર સભામાં લોકસભા ચૂંટણીના ઈન્ચાર્જ ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યુ હતું કે છેલ્લા ૫ વર્ષમાં લીધેલા મહત્વના નિર્ણયોમાં જીએસટીથી એક દેશ એક ટેકસ, આયુષ્માન ભારત યોજનાથી સૌને ૫ લાખ સુધી સહાય, સ્વચ્છ ભારત યોજનાથી બધાને શૌચાલય બનાવવા સહાયથી લોકોનું જીવનમાં પરિવર્તન આવ્યુ છે અને આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિથી આજે દેશે વિશ્વમાં એક અલગ જ ઓળખ બનાવી છે તો ભારતનો આર્થિક વિકાસ તેજ ગતિથી થઈ રહ્યો છે તો આજે ગુજરાતના લોકો જયારે ભારતના બીજા રાજયોમાં જાય ત્યારે પૂછે છે કે તમે મોદીના ગુજરાતથી છો તો હવે વિશ્વના લોકો પૂછવા લાગ્યા છે કે તમે નરેન્દ્રભાઈ મોદીના ભારતથી છો એ ગુજરાત માટે ગર્વ લેવાની વાત છે.

જયારે કોંગ્રેસ અને તેના સાથીઓ માત્ર નરેન્દ્રભાઈ મોદીને હટાવવાની વાત કરી રહ્યું છે અને તેમની પાસે દેશના વિકાસ માટે કોઈ યોજના જ નથી. આ જાહેર સભાને સંબોધતા ભાનુબેન બાબરીયાએ જણાવ્યુ હતું કે છેલ્લા ૫ વર્ષમાં મહિલાઓના હિત માટે મોદી સરકારે અનેક નિર્ણયો લીધા છે. આ સભામાં સ્વાગત પ્રવચન રાજુભાઈ બોરીચાએ અને આભાર પ્રવચન પ્રવિણભાઈ પાઘડે આપેલ. આ જાહેર સભામાં સંજયભાઈ દવે, સંજયભાઈ બોરીચા, અજયભાઈ, મહેશભાઈ પીપળીયા, જીતુભાઈ ધામેલીયા, રાજુભાઈ તાળા, પ્રવિણભાઈ ઠુંમર, રસીકભાઈ મુગરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(3:39 pm IST)