Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

શહેર ભાજપના પાંચ દિગ્ગજો 'આઉટ ઓફ સીટી' !

અત્યાર સુધી સંગઠનમાં દાખવેલી 'કોઠાસુઝ'નો યોગ્ય ઉપયોગ કે સ્થાનિક લેવલે નિરવ શાંતિનો પ્રયાસ ? : ભારદ્વાજ સુરેન્દ્રનગર, રમેશ રૂપાપરા જૂનાગઢ, કશ્યપ શુકલ માણાવદર, ઉદય કાનગડ વેરાવળ તથા પ્રતાપ કોટકને કચ્છમાં જવાબદારી

રાજકોટ, તા. ૧૯ :. રાજકોટ લોકસભા બેઠક પર હાલ અત્યંત શાંતિપૂર્વક પ્રચારકાર્ય ચાલી રહ્યુ છે. કોંગ્રેસ એકદમ શાંત અને 'ગંભીર' નજરે પડી રહી છે તો ભાજપ અથાગ જહેમત ઉઠાવી રહેલા અંજલીબેન રૂપાણીના નેતૃત્વમાં મક્કમ પરંતુ સફળ પ્રચાર કરી રહ્યો છે ત્યારે ગત વિધાનસભામાં બન્ને પક્ષને દોડતા રાખનાર પરંતુ સફળ નહી થઈ શકનાર ઈન્દ્રનિલ રાજ્યગુરૂની નિષ્ક્રીયતા સમગ્ર શહેર મહેસુસ કરી રહ્યો છે ત્યારે ભાજપના કાર્યકરો તેમના પાંચ દિગ્ગજોની ગેરહાજરીની નોંધ લઈ રહેલા નજરે પડે છે.

ચૂંટણી ટાણે કોઈને કોઈ બાબતના કારણે સતત ચર્ચામાં રહેતા શહેર ભાજપના પાંચ દિગ્ગજો નિતીન ભારદ્વાજ, રમેશ રૂપાપરા, કશ્યપ શુકલ, ઉદય કાનગડ અને પ્રતાપ કોટકની ગેરહાજરીની નોંધ ભાજપ, કોંગ્રેસ તથા શહેરીજનો લઈ રહ્યા છે.

પ્રચાર આડે હવે માત્ર એકાદ બે દિવસ રહ્યા છે ત્યારે રાજકોટ લોકસભા ચૂંટણીમાં કયાંય પણ નહી દેખાયેલા કે નહી ઝળકેલા આ પાંચેય દિગ્ગજોને પ્રદેશ ભાજપ મોવડી મંડળે મહત્વની જવાબદારીઓ સોંપી છે.

હાલમાં તો એવી ચર્ચાએ જોર પકડયુ છે કે શહેરના આ પાંચેય મુખ્ય આગેવાનો સતત આઉટ ઓફ સીટી રહેતા હોય તેમને મહત્વની જવાબદારીઓ સોંપવા પાછળનું કારણ શું ?

નિતીન ભારદ્વાજ, રમેશ રૂપાપરા, ઉદય કાનગડ, કશ્યપ શુકલ તથા પ્રતાપ કોટકે તેમની અત્યાર સુધીની રાજકીય કારકિર્દીમાં સંગઠન તથા રાજકીય આંટીઘુંટી બાબતે ભારે કોઠાસુઝ દાખવી છે. શહેર ભાજપના સંગઠન અને સફળતામાં તેમનુ ઘણુ મોટુ યોગદાન રહેલુ છે ત્યારે હાઈકમાન્ડે તેમની આ અનેરી કોઠાસુઝનો યોગ્ય ઉપયોગ કરવાના ઈરાદે અન્ય જીલ્લાની લોકસભા બેઠકોમાં સુંદર કામગીરી માટે મોકલ્યા છે કે સ્થાનિક લેવલે કોઈ નિરવ શાંતિ માટેનો પ્રયાસ છે આ બાબતે ખુદ ભાજપના કાર્યકરોને પણ સંતોષકારક જવાબ નહી મળી રહ્યાનુ મનાય છે.

ભારદ્વાજ, રૂપાપરા, શુકલ, કાનગડ તથા કોટકે તેમને સોંપાયેલી જવાબદારી હાલ સુપેરે નિભાવી રહ્યા છે અને ભાજપે હાથ ધરેલા તમામ લોકસભા બેઠકો અંકે કરવાના અભિયાનમાં યોગ્ય યોગદાન આપી રહ્યાનું મનાય છે.

તો બીજી તરફ રાજકોટ શહેર ભાજપનું લોકસભા બેઠક માટેના પ્રચાર તંત્રનું કામ પણ એકદમ સરળતા અને શાંતિપૂર્વક આગળ ધપી રહ્યુ છે. અંજલીબેન રૂપાણી, ધનસુખભાઈ ભંડેરી અને નરહરિભાઈ અમીનના નેજા હેઠળ રાજકોટ લોકસભા બેઠકના પ્રચાર અને પ્રસાર માટેનું કાર્ય અત્યંત સુંદર અને સરળ રીતે આગળ ધપી રહ્યુ છે અને શહેરના પાંચેક દિગ્ગજોની ગેરહાજરીના કારણે સંગઠનમાં ઉણપો આવી  શકે તેવા પ્રશ્નનો પણ યોગ્ય ઉકેલ કાઢી લેવામાં આવ્યાનું મનાય છે.

જો કે આમ છતા એક જ શહેરના પાંચ - પાંચ દિગ્ગજો આઉટ ઓફ સીટી હોવાની વાત  હજુ પણ  ભાજપ,  કોંગ્રેસના આગેવાનો કાર્યકરો  તથા સુજ્ઞ નગરજનોના સમજમાં આવતી નથી, ખેર ધાર્યુ 'ધણી'નું થાય.

(3:35 pm IST)
  • ચૂંટણી આયોગની ફ્લાઈંગ સ્ક્વોડે હેલિપેડ પર બીએસ યરદુરપ્પાના સામાનનું કર્યું ચેકીંગ : કર્ણાટકના શિવમોગ્ગામાં હેલિપેડ પર ભાજપ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી યરદુરાપ્પા અને કે,એસ,ઈશ્વરપ્પાના સામાનનું તલાસી લેવાઈ હતી access_time 1:24 am IST

  • સંસદના બન્ને સદનમાં બહુમતી હાંસલ કર્યા બાદ ભાજપ ધારા-370 ખતમ કરશે :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે એમ પણ કહ્યું હતું કે હાલની લોકસભા ચૂંટણીનો મુખ્ય મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા છે access_time 12:54 am IST

  • હાર્દિક પર હુમલા અંગે સોશ્યલ મીડિયામાં ઉલટા-સુલટા મેસેજો ફરતા થયા : હાર્દિક પર હુમલો ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ કરાવ્યાના સોશ્યલ મીડિયામાં ફરતા થયેલા સમાચાર બાદ હુમલો હાર્દિકે ખુદ પોતાના પર કરાવ્યાના પણ અહેવાલો ફરતા થયા : પોલીસ અધિકારીઓએ પ્રાથમિક તપાસમાં હજુ આવી કોઈ બાબત સામે આવ્યાનું નકાર્યુ access_time 3:54 pm IST