Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

મોરબીમાં ૨૯ મીએ દિવ્યાંગોનો ફેશન અને ટેલેન્ટ શો

નારાયણ સેવા સંસ્થા ઉદયપુર દ્વારા આયોજન : ૮૦ થી વધુ એન્ટ્રી : કોઇ કાંખ ઘોડી સાથે તો કોઇ વ્હીલચેર સાથે પરફોર્મન્સ કરશે

રાજકોટ તા. ૧૯ : દિવ્યાંગ લોકોમાં પણ અખુટ કલા ભરી પડી હોય છે. આવી કલા પ્રદર્શીત કરવાનો તેમને મોકો મળે તેવુ એક આયોજન નારાયણ સેવા સંસ્થા ઉદયપર દ્વારા મોરબી ખાતે તા. ૨૯ મીના રવિવારે ખાસ ફેશન અને ટેલેન્ટ શો ગોઠવવામાં આવેલ છે.

આ અંગે રાજકોટમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં માહીતી આપતા સંસ્થાના આગેવાનોએ જણાવેલ કે નારાયણ સેવા સંસ્થા ઉદયપુર દ્વારા દિવ્યાંગોની ખોડ ખામી દુર કરવા નિઃશુલ્ક ઓપરેશનની સેવા વર્ષોથી ચાલી રહી છે. જેમાં દરરોજ ૫૦ થી ૬૦ ઓપરેશન વિનામુલ્યે થાય છે. ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં દરરોજ ૩ થી ૪ હજાર લોકો માટે રસોડુ ધમધમાવવામાં આવે છે. દેશભરના જુદા જુદા શહેરોમાં કેમ્પ કરી વિકલાંગ દર્દીઓના નામ નોંધી ઉદયપુરમાં તેમની સારવાર કરી સ્વરોજગારી માટેની તાલીમ અપાય છે.આ સંસ્થામાં સારવાર મેળવી ત્યાંૅ વસ્ત્ર ડીઝાઇનીંગની કે અન્ય તાલીમ મેળવનાર દિવ્યાંગોની આવી કલા વ્યકત કરવા માટે ટેલેન્ટ શો પણ ગોઠવવામાં આવે છે. તાજેતરમાં સુરત ખાતે એક ફેશન અને ટેલેન્ટ શો ગોઠવવામાં આવતા મળેલ સફળતા ધ્યાને લઇ હવે આગામી તા. ૨૯ ના રવિવારે મોરબી ખાતે આયોજન કરાયુ છે.

રવાપર રોડ,ઓમ પાર્ટી પ્લોટ ખાતે ૨૯ મીના સાંજે ૬ વાગ્યાથી શરૂ થનાર આ શો માં ૮૦ થી વધુ દિવ્યાંગો કલા પ્રદર્શીત કરશે. જેમાં કોઇ પોતેજ ડીઝાઇન કરેલા વસ્ત્રો પરીધાન કરીને પરફોર્મ કરશે તો કોઇ કાખ ઘોડી અને વ્હીલ ચેર સાથે ડાન્સની રજુઆત કરશે. વ્હિલ ચેર, બૈસાખી, કેલીપર્સ, આર્ટીફીશ્યલ લીબ એમ કુલ ચાર ભાગમાં આખો કાર્યક્રમ આયોજીત કરાયો છે.

સાથો સાથ દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થાઓનું અને સહયોગીઓનું એક સ્નેહ મિલન પણ યોજવામાં આવેલ છે.

આ પત્રકાર પરીષદ દરમિયાન રાજકોટ શાખાના અધ્યક્ષ જેન્તીભાઇ ઠુમ્મર, મોરબી શાખાના અધ્યક્ષ ઘનશ્યામસિંહ જાલા, ઉદયપુર ઓફીસના સુરેશભાઇ ગોહેલ, રાજકોટ પ્રભારી તરૂણ નાગદા, અમદાવાદ પ્રભારી કૈલાસ ચૌધરી, બરોડા પ્રભારી જીતેશ વ્યાસે માહીતી આપી હતી. સમગ્ર પત્રકાર પરિષદનું સંચાલન પરીષ જોષીએ કર્યુ હતુ. (તસ્વીર : સંદીપ બગથરીયા) ૧૬.૪)

(4:34 pm IST)