Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

લુખ્ખાઓ બેફામઃ હરિ ધવા રોડ રામ પાર્કમાં ઘરમાં ઘુસી પાનના ધંધાર્થી મનસુખભાઇ પટેલ અને પત્નિ પર હુમલો

હુમલોખોરો આવ્યા અને ભાગ્યા તે દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદઃ પુત્ર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટઃ હુમલાખોરો અને કારણ અંગે રહસ્ય

રાજકોટઃ શહેરના હરિ ધવા રોડ પર આવેલા રામ પાર્ક-૩માં રહેતાં અને કોઠારીયા રોડ પર રાજ બેંક સામે ઇગલ પાન નામે દૂકાન ચલાવતાં લેઉવા પટેલ મનસુખભાઇ નાગજીભાઇ વોરા (ઉ.૫૪) બપોરે પોતાના ધર્મપત્નિ ભાનુબેન (ઉ.૫૦) સાથે ઘરમાં હતાં ત્યારે પાંચ શખ્સોએ હથીયારો સાથે ધસી આવી મનસુખભાઇ પર હુમલો કરી લોહીલુહાણ કરી નાંખતા અને બાદમાં ભાગી જતાં દેકારો મચી ગયો હતો. પતિને બચાવવા વચ્ચે પડતાં પત્નિને પણ માર મારવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ભકિતનગરના પી.આઇ. વી. કે. ગઢવી, નિલેષભાઇ મકવાણા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે ઘટના સ્થળે સીસીટીવી કેમેરો હોઇ તેના ફૂટેજ ચેક કરતાં પાંચ શખ્સો એક કારમાંથી ઉતરી મનસુખભાઇના ઘરમાં ઘુસી જતાં અને બાદમાં વારાફરતી ભાગતા દેખાયા હતાં. આ તમામના હાથમાં ધોકા-પાઇપ-તલવારો જેવા હથીયારો હતાં. મનસુખભાઇનો પુત્ર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે તે બપોરે ઘરે નહોતો. હુમલો કોણે અને શા માટે કર્યો? તે અંગે મનસુખભાઇએ પોતે અજાણ હોવાનું કહેતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઘરમાં ઘુસેલા હુમલાખોરો અને હુમલા બાદ ભાગ્યા તે દ્રશ્યો જોઇ શકાય છે (૧૪.૧૧)

(4:13 pm IST)