Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

રાજકોટની ૧૫૦થી ૨૦૦ સસ્તા અનાજની દુકાનોમાં ચાલુ મહિનાનો પુરવઠો નથી પહોંચ્યો : પ્રચંડ રોષ

પુરવઠા નિગમના ગોડાઉનમાં મજૂરો નથી : હતા તે ભાગી ગયા : ગાંધીનગરથી અપાયેલ નવા કોન્ટ્રાકટથી બબાલઃ દુકાનદારો - કાર્ડ હોલ્ડરો વચ્ચે રોજેરોજ ઘર્ષણ : લાખો ગરીબો ઘઉં - ચોખા વિહોણા : ડીએસઓ કહે છે તપાસ કરી રહ્યા છીએ

રાજકોટ, તા. ૧૯ :  પુરવઠા નિગમના ગોડાઉનમાં મજૂરોની અછત હોવાથી આજે તા.૧૯ સુધી પણ સસ્તા અનાજની દુકાનોમાં ઘઉં - ચોખા સહિતના અનાજનો જથ્થો ન પહોંચતા ભારે દેકારો મચી ગયો છે.

આ મામલાની વિગતમાં રાજય સરકાર દ્વારા રાજય સ્તરેથી જ ૧ એપ્રિલથી નિગમના ગોડાઉનમાંથી જથ્થો લીફટ કરણ અંગે માટે નવા કોન્ટ્રાકટ આપવામાં આવ્યા છે પણ પુરવઠા નિગમના મજૂરો ભાગી ગયા હોવાથી ગોડાઉનમાં પડેલ અનાજનો જથ્થો કોન્ટ્રાકટર દ્વારા પુરવઠાની દુકાનો સુધી પહોંચી નથી શકયો. જેથી પ્રચંડ રોષ પ્રવર્તી રહ્યો છે.

શહેરની લગભગ ૧૫૦થી ૨૦૦ દુકાનો તથા જીલ્લાની ઘણી દુકાનોમાં અત્યોંદય કાર્ડ ધારકોને અનાજ ન મળતા તેઓ ખૂબ જ મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. પુરવઠાની જંકશન પોલીસ ચોકી પાછળ આવેલ ગોડાઉન - નિગમ કચેરી ખાતે વેપારીઓ દેકારો મચાવી દીધો છે. આ ઉપરાંત સસ્તા અનાજના વેપારીઓ અને કાર્ડ હોલ્ડરો વચ્ચે રોજે - રોજે ઘર્ષણ થઈ રહ્યુ છે. જેથી વેપારીઓ પણ હવે તંત્રના વાંકે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને કંઈક રસ્તો કાઢવા માટે તંત્રને વારંવાર રજૂઆત કરી રહ્યા છે.

આ દરમિયાન ''અકિલા'' દ્વારા ડીએસઓ યોગેશ જોષીનો સંપર્ક સાધતા તેમણે જણાવેલ કે તેઓ નિગમનાં અધિકારીઓ સાથે વાતચીત કરી આ સમસ્યાનું જલ્દી નિવારણ આવે તેવા પ્રયત્નો કરી રહ્યો છું.આ ઉપરાંત નિગમ કચેરી ખાતે અધિકારીઓએ જણાવેલ કે મજૂરો ભાગી ગયા હોવાથી આ સમસ્યા ઉભી થઈ છે. અમારો કોઈ વાંક નથી અને અમે બીજું શું કરી શકીએ?

મળતી માહિતી મુજબ નવા કોન્ટ્રાકટ અને પુરવઠા નિગમ આટલા દિવસથી ઠંડુ બેઠુ હોવાના કારણે ભારે બબાલ મચી ગઈ છે. ગરીબોને સમયસર અનાજનો જથ્થો ન પહોંચતા તેમના ઘરમાં ચુલો સળગી નથી શકયો. આ અંગે વારંવાર ઘર્ષણના કારણે વેપારીઓ પણ ભારે મુશ્કેલીમાં મૂકાયા છે.(૩૭.૧૧)

(3:05 pm IST)