Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

જનરલ બોર્ડમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરોના પર્સ ચેક થતા હોબાળોઃ ધરણા

કોર્પોરેશનનું જનરલ બોર્ડ લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે સંપન્નઃ કોંગી કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાએ રસ્તા અને વૃક્ષારોપણ અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં મેયર - કમિશ્નરે સ્થળ મુલાકાતની ખાત્રી આપી

કોંગ્રેસના મહિલા કોર્પોરેટરોના પર્સ ચેક કરવા બાબતે આજે કોર્પોરેશનના જનરલ બોર્ડમાં કોંગી મહિલા કોર્પોરેટરોએ ધરણા કર્યા હતા જે ઉપરની તસ્વીરમાં દર્શાય છે. આ ધરણામાં જાગૃતિબેન ડાંગર, ગાયત્રીબેન વાઘેલા, ડો. ઉર્વશી પટેલ સહિતના કોર્પોરેટરો નજરે પડે છે. બાજુની તસ્વીરમાં ભાજપની મહિલા કોર્પોરેટરો રૂપાબેન શીલુ, જયાબેન ડાંગર વગેરે આ ધરણા બાબતે વિરોધ પ્રદર્શીત કરી રહેલ દર્શાય છે. તેઓની સાથે સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલ તથા દંડક રાજુભાઈ અઘેરા દર્શાય છે. નીચેની પ્રથમ તસ્વીરમાં કોંગ્રેસના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર પર્સ ચેક કરવાના મામલે ઉગ્ર રજૂઆત કરી રહેલા દર્શાય છે. અન્ય તસ્વીરમાં મેયર ડો. જૈમન ઉપાધ્યાય પ્રત્યુત્તર આપી રહેલા નજરે પડે છે. તેઓની સાથે ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, મ્યુ. કમિશ્નર બંછાનીધિ દર્શાય છે. તેમજ વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા વિરોધ કરી રહેલા નજરે પડે છે. જ્યારે છેલ્લી તસ્વીરમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને કશ્યપભાઈ શુકલ, બાબુભાઈ આહિર, અનિલભાઈ રાઠોડ, આશિષ રાદડીયા સહિતના કોર્પોરેટરો આ બધી ધમાલ શાંત ચિત્તે જોઈ રહેલા નજરે પડે છે અને કચેરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત દેખાય છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૯ :. મ્યુ. કોર્પોરેશનનું જનરલ બોર્ડ આજે સવારે ૧૧ વાગ્યે મળ્યુ હતું. જેમાં પ્રવેશ માટે કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પર્સ (પાકિટ) ચેક કરવામાં આવતા આ મામલે જનરલ બોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ જબરો હોબાળો મચાવ્યો હતો અને કોંગ્રેસના મહિલા કોર્પોરેટરોએ ચાલુ બોર્ડે ધરણા કરતા મામલો ગરમાયો હતો અને અંદાજે અડધી કલાક સુધી જનરલ બોર્ડની કાર્યવાહી અટકી હતી.

આ અંગેની વિગતો મુજબ આજે સવારે ૧૧ વાગ્યે મ્યુ. કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં આવેલ સ્વ. રમેશભાઈ છાયા સભાગૃહમાં જનરલ બોર્ડ યોજવામાં આવ્યુ હતું. જેમાં વિવિધ ૮ જેટલા દરખાસ્તો ઉપરાંત કોર્પોરેટરોએ પુછેલા પ્રશ્નોની ચર્ચાઓ થઈ હતી પરંતુ આ પૂર્વે જનરલ બોર્ડમાં પ્રેક્ષક ગેલેરીમાં પ્રતિબંધ હોય કચેરીમાં દરવાજે તથા સભાગૃહ ખાતે ઘનિષ્ઠ પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ લોકોનું પોલીસ મારફત ચેકીંગ કરીને પ્રવેશ આપવામાં આવતો હતો. આ દરમિયાન સભાગૃહના આ પ્રવેશદ્વાર પાસે માત્ર કોંગ્રેસના જ મહિલા કોર્પોરેટરોના પર્સ ચેક કરવામાં આવ્યાના આક્ષેપ સાથે જનરલ બોર્ડ શરૂ થતાની સાથે જ કોંગ્રેસના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે મહિલા કોર્પોરેટરના પર્સ ચેક કરવા બાબતનો મુદ્દો ઉછાળ્યો હતો અને આવી પ્રક્રીયાથી મહિલાઓનું ઔચિત્ય ભંગ થયાના આક્ષેપો કર્યા હતા કેમ કે બહેનોના પર્સ એ તેમની અંગત બાબત છે અને કોર્પોરેટર કક્ષાના બહેનોના આ રીતે પર્સ ચેક કરવામાં આવ્યા તેની સામે જબરો વિરોધ નોંધાવી કોંગ્રેસના મહિલા કોર્પોરેટરો સર્વશ્રી ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, જાગૃતિબેન ડાંગર, ડો. ઉર્વશીબેન પટેલ સહિતના બહેનોએ ચાલુ જનરલ બોર્ડે જમીન પર બેસી અને ધરણા કર્યા હતા. આ વખતે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે સામસામા શાબ્દીક પ્રહારો થયા હતા અને રાજકીય આક્ષેપો થયા હતા. આ બધી ધમાલ સતત ૧૫ મીનીટ સુધી ચાલી હતી. દરમિયાન પૂર્વ મેયર અને ભાજપના અગ્રણી કોર્પોરેટર ઉદયભાઈ કાનગડે હવે પછી મહિલા કોર્પોરેટરોના પર્સનું ચેકીંગ ન થાય તે જોવા સભા અધ્યક્ષ અને મેયર ડો. જૈમન ઉપાધ્યાયને સૂચન કરતા આ બાબતની ખાતરી મેયરે જનરલ બોર્ડને આપતા મામલો થાળે પડયો હતો.

કોંગ્રેસની ધમાલ  ગેરમાર્ગે દોરનારીઃ મેયર

જો કે જનરલ બોર્ડમાં થયેલી આ ધમાલને મેયર ડો. જૈમન ઉપાધ્યાયે લોકોને ગેરમાર્ગે દોરનારી ગણાવી અને કોંગ્રેસના કોર્પોરેટરો સામે એવોે આક્ષેપ કર્યો હતો કે મહિલા કોર્પોરેટરોના પર્સ માત્ર ચેક થયા છે લઈ નહોતા લેવાયા... છતાં કોંગ્રેસ દ્વારા આ બાબતે ખોટો હોબાળો કરી જનરલ બોર્ડનો સમય બરબાદ કર્યો હતો.

આ બધી ધમાલ પૂર્ણ થયા પછી કોંગ્રેસના વોર્ડ નં. ૧૧ના કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાએ પૂછેલા રસ્તાના પ્રશ્નની ચર્ચા હાથ ઉપર લેવાય. જેમાં મેયર તથા કમિશ્નરશ્રીએ ૮ દિવસમાં રસ્તાનો પ્રશ્ન ઉકેલાઈ જશે તેવી ખાત્રી આપી હતી. જ્યારે ઘનશ્યામસિંહે પૂછેલા વૃક્ષારોપણ અંગેના બીજા પ્રશ્નના જવાબમાં પણ મેયર તથા કમિશ્નરે સ્થળ મુલાકાત લઈ અને યોગ્ય કરવા ખાત્રી આપી હતી. ત્યાર બાદ જનરલ બોર્ડના એજન્ડામાં રહેલ સીટી ઈજનેર સ્પેશ્યલ અને ચીફ એકાઉન્ટન્ટની નિમણૂકો સહિતની ૮ દરખાસ્તોને બહુમતીએ મંજુર કરી હતી.

સામાન્ય સભામાં ભાજપ-કોંગ્રેસના ૭ સભ્યો ગેરહાજર

રાજકોટઃ મ્યુનિસીપલ કોર્પોરેશનમાં આજે દર મહિને યોજાતી સામાન્ય સભામાં ભાજપના ર તથા કોગ્રેસના પ કોર્પોરેટરો ગેરહાજર રહયા હતા. જેમાં ભાજપના ૧ અને કોંગ્રેસના ૧ સભ્યોએ અગાઉ રજા રીપોર્ટ આપ્યા હતા. જયારે ભાજપના-૧ તથા કોંગ્રેસના ૪ સભ્યો ગેરહાજર રહયા હતા. આમ કુલ ૭ર પૈકી ૬પ સભ્યો ઉપસ્થિત રહયા હતા.

સીટી એન્જીનીયરની પસંદગીમાં ખનખનીયાનો ખેલઃ

કોંગ્રેસના મહેશ રાજપૂત, વશરામ સાગઠીયાનો આક્ષેપઃ દરખાસ્તનો વિરોધ કરાયો

રાજકોટ :. કોર્પોરેશનના જનરલ બોર્ડમાં આજે સીટી ઈજનેર (સ્પેશ્યલ)ની નિમણૂક અંગેની દરખાસ્તમાં શાસકપક્ષ ભાજપે આર્થિક વ્યવહારો કરી અને જે ઉમેદવારના ઓછા માર્ક હતા તેવા ઉમેદવારની પસંદગી કર્યાના આક્ષેપ સાથે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતે કોર્પોરેશનના સેક્રેટરી શ્રી રૂપારેલીયાની ચેમ્બર પાસે સંકલન બેઠક યોજી અને જનરલ બોર્ડમાં સીટી ઈજનેરની નિમણૂક અંગેની દરખાસ્તનો વિરોધ કરવા નિર્ણય લીધો હતો જે મુજબ જનરલ બોર્ડમાં વિપક્ષી કોર્પોરેટરોએ આ દરખાસ્તનો વિરોધ નોંધાવ્યો હતો

રૈયાગામ વિસ્તારમાં ૧૦ હજાર વૃક્ષોનું વાવેતર કરાશેઃ પાની

રાજકોટઃ આજે મળેલ જનરલ બોર્ડમાં આગામી ચોમાસા પહેલા વૃક્ષા રોપણ માટેના પ્રયત્ન અંગેની ચર્ચામાં મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાનીએ  જણાવ્યુ હતુ કે, ૧ મે થી રાજય સરકાર દ્વારા જલ સંચળ અભિયાન હેઠળ પરશુરામ મંદિર પાસે આવેલ તળાવ વિસ્તારમાં ૧૦ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.

આજી ડેમ નર્મદા નીરથી ભરી દેવાતા રાજ્ય સરકારનો આભાર માનતા કોર્પોરેટરોઃ જનરલ બોર્ડમાં ઠરાવ

રાજકોટ :. મ્યુ. કોર્પોરેશનમાં આજે મળેલા જનરલ બોર્ડમાં ભાજપના મહિલા કોર્પોરેટર બીનાબેન આચાર્યએ રાજકોટનો આજી ડેમ નર્મદાનીરથી ભરઉનાળે રાજ્ય સરકાર દ્વારા છલોછલ ભરી દેવા સબબ રાજ્ય સરકારનો આભાર માનતો ઠરાવ પસાર કરવા અરજન્ટ દરખાસ્ત સભા અધ્યક્ષ મેયરને રજૂ કરી હતી. જેને ઠરાવ સ્વરૂપે મંજુર કરવામાં આવેલ.

(4:21 pm IST)