Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

કોંગો ફિવરની શંકા સાથે મૃત્યુ પામનાર કાકા બાદ નવોઢા ભત્રીજીને પણ કોંગો ફિવરની શંકા

ગોંડલના સુખપરના ભુપતભાઇ મકવાણાએ રવિવારે દમ તોડ્યો'તોઃ તેનો રિપોર્ટ હજુ બાકી છે ત્યાં ભત્રીજી જાગૃતિને પણ કોંગો ફિવર લાગુ પડ્યાની શંકાઃ અઢી માસ પહેલા જ લગ્ન થયા છે

રાજકોટ તા. ૧૯: ગોંડલના નાના સુખપર ગામે રહેતાં ભુપતભાઇ મકવાણાને કોંગો ફિવરની શંકા સાથે ગયા શુક્રવારે રાજકોટ સિવિલમાં દાખલ કરાયા હતાં. રવિવારે તેમનું મોત નિપજ્યું હતું. તેનો રિપોર્ટ આવવાનો બાકી છે અને આજે તેમની પાણીઢોળ વિધી છે ત્યારે તેની નવોઢા ભત્રીજી જાગૃતિ (ઉ.૨૦)ને પણ કોંગો ફિવર લાગુ પડ્યાની શંકા સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં લોહી-કફના નમુના લઇ પુના લેબોરેટરીમાં મોકલ્યા છે. કાકા ભુપતભાઇને કોંગો ફિવર હતો કે કેમ? તેનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે.

ભુપતભાઇની ભત્રીજી જાગૃતિના લગ્ન અઢી વર્ષ પહેલા બાબરાના ગરણી ગામના યુવાન સાથે થયા છે. પણ આણુ વાળવાનું બાકી હોઇ તે હાલ સુખપર માવતરે જ રહે છે. ચાર-પાંચ દિવસથી તેને તાવ આવતો હોઇ દવા લીધી હતી. ગઇકાલે તબિયત બગડતાં ગોંડલ ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાતાં કોંગો ફિવરની શંકા સાથે ખાસ વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરાઇ છે. રિપોર્ટ આઠ દિવસ પછી આવશે.  

એક જ પરિવારમાં કોંગો ફિવરની શંકાથી એક સભ્યનું મોત નિપજતાં અને બીજા સભ્યને આ ફિવરની શંકા સાથે દાખલ કરવામાં આવતાં ચિંતા છવાઇ ગઇ છે. આરોગ્ય તંત્ર આ મામલે સત્વરે જાગૃત થાય તે જરૂરી છે. (૧૪.૫)

(1:10 pm IST)