Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

પાણીની મુશ્કેલી નિવારવા આગોતરૂ આયોજન આવશ્યક

નકામા વહી જતાં વરસાદના પાણીને રોકવા લોકજાગૃતિ જરૂરી

ટ્રેઈન દ્વારા ગાંધીનગરથી રાજકોટ પાણી લાવવાની ભગીરથ યોજના અન્વયે રાજકોટ માધાપર રેલ્વે યાર્ડ ખાતે ખાસ સમ્પ તૈયાર કરાયો હતો. જેમાંથી પાણી શહેરના પમ્પ હાઉસમાં લઈ જવાતુ હતું. આ વ્યવસ્થાનું પરીક્ષણ કરતા તત્કાલીન મહેસુલ મંત્રી શ્રી હરિસિંહ મહીડા તેમજ એ વખતે આ યોજના માટેની ખાસ જવાબદારી જેઓને સોંપાયેલી હતી તેવા પ્રભારી સચિવ શ્રી પી. કે. લહેરી વગેરે તસ્વીરમાં નજરે પડે છે.

૧૯૮૬ના રાજકોટના કપરા જળસંકટનો સામનો કરવા તાકીદના ધોરણે ગાંધીનગર અને રાજુલાથી ટ્રેનો દ્વારા રાજકોટ શહેરને પાણી પહોંચાડવાની યોજના થઈ હતી. તસ્વીરમાં પાણી લઈને આવેલી ટ્રેનની રેકમાંથી પાઈપલાઈન દ્વારા માધાપર સમ્પમાં ભરવામાં આવી રહેલુ દેખાય છે.

ઉનાળામાં બળબળતા આકરા તાપમાં પાણીનું બાષ્પીભવન ઝડપથી થાય છે. આ રીતે પણ ઘણું પાણી વેડફાઈ જાય છે. આથી બાષ્પી ભવનની પ્રક્રિયા અટકાવવા માટે સરકાર દ્વારા જળાશયોમાં ખાસ પ્રકારનાં રસાયણોનો છંટકાવ કરાયો હતો જે તસ્વીરમાં નજરે પડે છે.

પાણી પ્રભુનું મહામુલુ દાન

વર્ષોથી અવારનવાર પીવાના પાણીની મુશ્કેલીનો સામનો કરતા સૌરાષ્ટ્ર વિભાગમાં આગામી ચોમાસા દરમિયાન વરસાદનું પાણી રોકી તેનો સંગ્રહ કરવાની દિશામાં લોકજાગૃતિ થવી જરૂરી છે.

વર્ષો અગાઉ જૂનાગઢ શહેરમાં જૂના વિસ્તારોમાં વરસાદનું પાણીનો સંગ્રહ કરવા માટે રહેવાસીઓ પોતાના ઘરમાં જ મોટો ટાંકો બનાવી અને તેમાં વરસાદનું ચોખ્ખુ પાણી રાખતા જેનો ઉપયોગ આખાયે વર્ષ દરમિયાન કરી શકાતો હતો.

ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને પાણીની કાયમી જરૂરિયાત રહે છે. તેઓ પણ વરસાદનું પાણી રોકવા માટે આગોતરૂ આયોજન કરી શકે. ખેતર કે વાડીના એક ખુણે વરસાદનું પાણી જમા થાય તેવી નાનકડી તલાવડી બનાવવી જોઇએ. જેથી જયારે પાણીની જરૂર પડે ત્યારે તેમાંથી પાણી લઇ શકાય. કચ્છ વિસ્તારમાં ઘણી જગ્યાએ આવી ખેત તલાવડીઓ બનાવવામાં આવી હતી. જેનાથી લોકોની ઘણા અંશે પાણીની જરૂરિયાત સંતોષાય છે.

પરમકૃપાળુ પરમાત્માએ આ સૃષ્ટિમાં આપણને પર્યાપ્ત માત્રામાં ક્ષમતા અને અવસર આપ્યા છે અને આપી  રહ્યા છે.

ગયા વર્ષે રાજકોટ શહેરમાં નર્મદાના નીર લાવવામાં આવ્યા એ જ દિવસે પરમાત્માએ રાજકોટ વાસીઓને વરસાદના પાણીથી તરબતર કરી દીધા હતા. આવી છે કુદરતની કમાલ...!

રાજકોટ શહેરની પાણીની સમસ્યા તો વર્ષો પુરાણી છે. અનેક નેતાઓએ રાજકોટનો પાણીનો પ્રશ્ન હવે ભૂતકાળ બની જશે તેવા આયોજન થયા છે. તેવા અનેક વચનો આપી ગયા છે અને આપતા પણ રહે છે પરંતુ નગરવાસીઓના નશીબમાં તો માત્ર ને માત્ર દસ મિનિટ પાણી મળતું રહ્યુ છે, વર્ષોથી ...!

એમાંયે કંઇક ખોટકો કે પછી પાણીની તંગીને લીધે પાણી વિતરણમાં કાપને લીધે કેટલાય વિસ્તારોને પીવાના પાણી વગર રહેવું પડયું છે અને કયારેક તો બે દિવસે એકવાર પાણી શહેરને મળ્યું છે.

અગાઉ રાજકોટ શહેરની વસ્તી બે અઢી લાખની હતી, ત્યારે આજી ડેમ અને ન્યારી ડેમ, નગરવાસીઓ માટે ઉપલબ્ધ હતા. પરંતુ ૧૯૭૪ અને ૧૯૮૬ના અરસામાં પાણીની અભૂતપુર્વ તંગી સમયે ટ્રેનો દ્વારા રાજકોટ શહેરને પાણી પહોચાડવાનું આયોજન કરાયું હતુ.

૧૯૭૪ની સાલમાં પાણીની અભૂતપૂર્વ કટોકટી સર્જાઇ હતી ત્યારે સરકાર અને સમાજ કુદરતના આ પડકારને સહિયારા પુરૂષાર્થથી પહોચી વળવા સફળ થયા હતા એ સમયના રાજકોટના પ્રતિનિધિ એવા ગુજરાતરાજયના ભૂતપૂર્વ શ્રમમંત્રી મનસુખભાઇ જોષી, આગેવાનો અને બાહોશ પ્રતિનિધિઓએ તાકિદના ધોરણે યોજના કરી માત્ર ૯૦ દિવસમાં ભાદરના નીર રાજકોટ લાવવામાં સફળ થયા હતા.

આ પછી રાજકોટ શહેરમાં જેમ વિકાસ થતો ગયો તેમ પાણીની જરૂરિયાત વધતી ગઇ. ૧૯૮૬ના વર્ષમાં પાણીની ગંભીર કટોકટીનો સામનો કરતા રાજકોટ શહેરની એ સમયના વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીએ રાજકોટ શહેરની મુલાકાત લઇને રૂ. ૩૫ કરોડની સહાયની જાહેરાત કરી હતી. એ વખતના રાજકોટના પ્રતિનિધિ અને ગુજરાત રાજયના આરોગ્યમંત્રી શ્રી વલ્લભભાઇ પટેલ, સમાજ કલ્યાણ રાજયમંત્રી ડો.શુસીલાબેન શેઠ, ધારાસભ્ય મેયર વજુભાઇ વાળા વગેરેએ રાજકોટની પાણીની કટોકટી નિવારવા ટ્રેનો દ્વારા પાણી રાજકોટ લાવવાનું આયોજન કર્યુ હતુ. એ સમયની સબળ નેતાગીરીએ નાગરિકોની મુશ્કેલી હળવી કરી હતી.

જળ એ જીવન છે. પાણી વિના માનવી, મુંગા અબોલ પશુઓ કે વનસ્પતિને જરાપણ ચાલી શકે એમ નથી. પલટાતી જતી પરિસ્થિતિમાં હવામાન - વરસાદ અને રાજકોટ શહેરના વિકાસને કારણે પાણીની કરકસર અને તેનો બચાવ આવશ્યક થઇ પડયો છે.

ગુજરાત રાજયમાં સપાટી પરના તેમજ ભુગર્ભજળ મુખ્ય છે. આ તારાજય નદીઓ જેવી કે નર્મદા, મહી, તાપી છે. ગુજરાતમાં ૧૭, સૌરાષ્ટ્રમાં ૭૧ અને કચ્છમાં ૯૭ જેટલા નદી પ્રદેશ છે. કમનશીબે સૌરાષ્ટ્રમાં એકપણ બારમાસી નદી નથી.

સૌરાષ્ટ્ર પ્રદેશમાં પાણીની મુશ્કેલીનો સામનો કરવા લોકસહયોગ પણ જરૂરી બને છે. ઘરવપરાશમાં ગૃહીણીઓ પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરે છે. ટપકતા પાણીના નળ મારફતે પાણી વેડફાય નહી અને પાણીનો જરૂરી વિવેકપુર્ણ ઉપયોગ થાય એ માટે લોકજાગૃતિ આવશ્યક છે.

ચોમાસામાં નકામા વહી જતા પાણીને રોકી તેનો પુરેપુરો ઉપયોગ થાય તે જોવું જોઇએ. આ માટે સત્તાધિશોએ આગોતરૂ આયોજન કરવું જરૂરી છે. આ ઉપરાંત ખેત તલાવડી, નાના ચેકડેમો, ઉંડા તળાવો, લેન્ડ લેવલીંગ વગેરે દ્વારા પાણી ભુગર્ભમાં રીચાર્જ કરી શકાય.

સુર્ય અને પવન મારફતે ઉર્જા મેળવી તેના દ્વારા દરિયા કિનારા પર ડીસેલીનેશન પધ્ધતિ દ્વારા ખારા પાણી માંથી મીઠું પાણી બનાવી દરિયાકાંઠા આસપાસના વિસ્તારોમાં આપવું જોઇએ.

જળાશયમાંથી બાષ્પીભવન થઇ ઉડી જતું પાણી અટકાવવા માટેના પ્રયાસો કરવા જોઇએ.

પાણી બચાવ માટે દરેક જિલ્લામાં, તાલુકાઓમાં, ગામોમાં, શાળાઓમાં, શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ, મહિલા સંસ્થાઓ દ્વારા પાણી બચાવ ઝુંબેશ શરૂ કરીને લોકજાગૃતિ કેળવવાના પ્રયાસો થવા જોઇએ.

આમ દરેક ક્ષેત્રમાં પાણી બચાવ લોકઝુંબેશ ઉપાડીને આગામી ચોમાસાનું પાણી રોકવાનું આગોતરૂ આયોજન થાય તો જ રાષ્ટ્રની ભાવિ પેઢી માટે કંઇક કર્યાનો સંતોષ પ્રાપ્ત થઇ શકશે. આ રાષ્ટ્રીય કાર્યમાં સૌનો સાથ સૌનો સહયોગ વધારીએ.

જળ એ જીવન છે જળ વધશે તો જીવન બચશે એ વાતને લક્ષમાં રાખીને પાણીની કિંમત સમજીને સૌ કોઇ પાણીનો ખોટો બગાડ અટકાવે.

દક્ષિણ ભારતમાં આવેલું મદુરાઇ, ત્યાંં વરસાદને નકામા વહી જતા પાણી માટે એવી સરસ વ્યવસ્થા આપેલી છે કે, વરસાદ આવે રસ્તાઓ ઉપર પાણી ભરાય પણ થોડા સમયમાં તો આ બધું પાણી ગટર દ્વારા જતું રહે છે. રસ્તા સાફ થઇ જાય છે. આપણા રાજકોટ શહેરમાં લગભગ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદના પાણી ભરાઇ જાય છે. તેના નિકાલ માટેની વ્યવસ્થા થવી જરૂરી છે અને આ પાણીનો સંગ્રહ કરી શકાય એવી કોઇ યોજના વિચારવી આવશ્યક છે. વરસાદનું નકામું વહી જતું પાણી રોકવા અંગે આગોતરૂ આયોજન થાય તો પાણીનો પ્રશ્ન હળવો કરી શકાય.

- દીપક એન.ભટ્ટ

(12:06 pm IST)