Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

સિંગતેલ-કપાસિયા તેલમાં ફરી ભાવવધારો ઝીંકાયોઃ 10 દિવસમાં ડબ્‍બે 60 રૂપિયાનો વધારો

સિંગતેલના ડબ્‍બાનો ભાવ 2950 રૂપિયા જ્‍યારે કપાસિયા તેલના ડબ્‍બાનો ભાવ 1810 રૂપિયા

રાજકોટઃ 2023 ના શરૂઆતથી જ મોંઘવારી નાગરિકોના માથા પર મંડરાઈ રહી છે. જીવન જરૂરીયાતી તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. તેમાં પણ તેલના ભાવનું મીટર સતત અપ જઈ રહ્યું છે. આવામાં સીંગતેલના ભાવમાં ફરી એકવાર ભડકો થયો છે. સિંગતેલના ભાવમાં 10 દિવસમાં 60 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. 

સિંગતેલના ડબ્બાનો ભાવ 2950 રૂપિયાએ પહોંચી ગયો
કપાસિયાના તેલના ડબ્બાનો ભાવ 1810 રૂપિયા સુધી પહોંચ્યો 
પામોલીન તેલના ડબ્બાનો ભાવ 1545 રૂપિયા સુધી પહોંચ્યો 

મોંઘવારીના માર વચ્ચે જનતા દિવસેને દિવસે પીસાઈ રહી છે. સીંગતેલમાં ભાવમાં ફરી વધારો થયો છે. છેલ્લાં 10 દિવસમાં ડબ્બે 60 રૂપિયાનો વધારો થયો છે. અગાઉ સીંગતેલના ભાવમાં થોડી નરમાશ જોવા મળી હતી. પરંતુ હાલ ભાવમા અચાનક ઉછાળો આવ્યો છે. રૂપિયા 2970 પર પહોંચેલો ડબ્બો 2900 માં મળતો હતો. ત્યારે ફરી પાછો સીંગતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં ફરી પાછી સીંગતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. 

માત્ર સિંગતેલ જ નહિ, કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે. જે બતાવે છે કે તેલ ખાવામાં પણ હવે ધ્યાન રાખવું પડશે. 

કેમ વધે છે સિંગતેલના ભાવ
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ધૂમ આવક છતાં સિંગતેલના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ખેડૂતોને રૂ. 1300 થી 1650 સુધીના ભાવ માર્કેટ યાર્ડમાં મળી રહ્યા છે. દરરોજ 10 થી 12 હજાર ગુણી મગફળીની આવક બેડી માર્કેટ યાર્ડમાં થઈ રહી છે. જોકે સિંગતેલ માટે મગફળી પિલાણ માટે ન આવતી હોવાથી સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. 

સતત સિંગતેલની ડિમાન્ડ વધી રહી છે તેને કારણે સિંગતેલના ભાવ પણ વધી રહ્યા છે ઓઇલ મીલ ની અંદર મગફળી પીલાણ માટે આવવી જોઈએ તે આવતી નથી તેને કારણે સીંગતેલના ભાવ વધી રહ્યા છે આગામી દિવસોમાં સિંગતેલનો 15 કિલો નો ડબ્બો 3000 ને પાર પહોંચે તેવી વેપારીઓ શક્યતા દર્શાવી રહ્યા છે.

(5:53 pm IST)