Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કોટડાસાંગાણીના ૪૪ લાભાર્થીઓને મકાન બાંધવા મળી આર્થિક સહાય

અરજદારને રૂ. ૧.૨૦ લાખની સહાય અને અન્ય રૂ. ૨૦ હજારની પ્રોત્સાહક રકમ મળવાપાત્ર

રાજકોટ :“છેવાડાના માનવીને પણ પાક્કું ઘર મળે” તેવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરવા ગુજરાતમાં P.M.A.Y. એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો અસરકારક રીતે અમલ થઈ રહ્યો છે. હાલમાં જ રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકામાં આ યોજના અંતર્ગત ૪૪ લાભાર્થીને વ્યક્તિગત રૂપિયા ૧.૨૦ લાખની મંજૂરીના હુકમો વિતરણ કરવામાં આવ્યા હતા.

 જે અંતર્ગત આ લાભાર્થીઓને મકાન બાંધવા માટે રૂપિયા ૩૦ હજારની સહાયનો એડવાન્સ હપ્તો, ડી.બી.ટી. એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અંતર્ગત તેમના બેન્ક ખાતામાં જ સીધો જમા કરવામાં આવ્યો હતો. બાકીની રકમ આવાસના કામની પ્રગતિ મુજબ તેમના બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.

મહત્ત્વનું છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પાક્કું મકાન બાંધવા માટે રૂપિયા ૧.૨૦ લાખની સહાય મળે છે. જો મકાનની કામગીરી છ માસમાં જ પૂર્ણ કરી દેવામાં આવે તો, વધુ રૂપિયા ૨૦ હજારની પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે. એટલે કે આવા કિસ્સામાં કુલ રૂપિયા ૧.૪૦ લાખની સહાય લાભાર્થીને મળે છે, તેમ કોટડાસાંગાણી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી આર.આર. ઠોરિયાએ જણાવ્યું હતું.

 લાભાર્થીઓને પી.એમ.એ.વાય. યોજના અંતર્ગત હુકમ વિતરણ વખતે તેમને યોજનાના લાભ અને પ્રોત્સાહક રકમની વિગતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સરકારના ઈ-શ્રમ કાર્ડ અંગે પણ સમજૂતિ આપીને, તેનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મદદનીશ તાલુકા વિકાસ અધિકારી રાકેશ રાઠોડ તથા કે.સી. સરતેજા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદભાઈ સિંધવ ઉપસ્થિત રહ્યા હતા.

(12:57 am IST)