Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

કોર્પોરેશનના કાર્યક્રમોમાં વગર ટેન્ડરે લાખેણા ખર્ચા : કોંગ્રેસનો વિરોધ

સીંગલ ટેન્ડરથી ફેઇસ ડીટેકટરની ખરીદી : મોર્ડનાઇઝ ટોઇલેટનો કોન્ટ્રાકટ ૯ ટકા ઉંચા ભાવે આપીને પ્રજાની તિજોરીને ૧૯ લાખનું નુકસાન : સ્ટેન્ડીંગ કમિટિમાં ખર્ચાળ દરખાસ્તોનો વિરોધ કરતા વિપક્ષી સભ્ય ઘનશ્યામસિંહ જાડેજા

રાજકોટ તા. ૧૯ : મ્યુ. કોર્પોરેશનમાં આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટિમાં વગર ટેન્ડરે કરાયેલ લાખોના ખર્ચાવાળી દરખાસ્તો તેમજ ઉંચા ભાવે અપાયેલ કોન્ટ્રાકટ અને સીંગલ ટેન્ડરથી અપાયેલ કોન્ટ્રાકટ સહિતની ખર્ચાળ દરખાસ્તોના વિપક્ષ કોંગ્રેસના સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાએ વિરોધ કર્યો હતો.

આ અંગે ઘનશ્યામસિંહ જાડેજાએ સેક્રેટરીને અપાયેલ પત્રમાં જણાવ્યું છે કે, મુખ્યમંત્રીશ્રીના વિવિધ કાર્યક્રમ માટે કુલ રૂ. ૮,૨૦,૬૪૧ જેવો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની અગાઉથી જ જાહેરાત તેમજ ખબર હોવા છતાં પણ આ કાર્યક્રમ માટે ટેન્ડર પધ્ધતિ કરવામાં આવેલ ના હોય. જો આ ટેન્ડર પધ્ધતિથી આ કામગીરી હાથ ધરવામાં આવી હોય તો આ ખર્ચમાંથી અમુક રકમ બચાવી શકાય ને આ રકમ પ્રજાના હીત માટે વાપરી શકાય માટે આ વગર ટેન્ડર કરેલી આ દરખાસ્ત સામે મારો વિરોધ છે.

આ ઉપરાંત એક વર્ષ માટે ૧૭૦ ફેસ ડીટેકટર ખરીદીનો રૂ. ૧૧,૨૪,૯૯૯ કુલ ખર્ચ થશે. આ કામગીરી સીંગલ ટેન્ડરની છે. માટે આ એક એજન્સીને જ લાભ પહોંચાડવાનો આ કારસો હોવાની શંકા છે. આ દરખાસ્ત સામે મારો વિરોધ છે.

આજ પ્રકારે ગાર્ડન વિભાગના ઓજારોની ખરીદી પણ સીંગલ ટેન્ડરથી કરવાની દરખાસ્ત સામે ઘનશ્યામસિંહે વિરોધ દર્શાવ્યો છે. તેવી જ રીતે પાણી શુધ્ધીકરણ માટે એલ્યુમીનીયમ કલોરાઇટની ૭૦.૨૧ લાખની ખરીદી વગર ટેન્ડરે કરવાની દરખાસ્તમાં પણ તેઓએ વિરોધ દર્શાવ્યો છે.

જ્યારે અખા ભગત ચોકમાં મોર્ડન ટોઇલેટનો કોન્ટ્રાકટ ૯ ટકા ઉંચા ભાવે આપવાની દરખાસ્તનો વિરોધ કરાયો છે.

આ ઉપરાંત મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ વિવિધ કાર્યક્રમો પાછળ વગર ટેન્ડરે ૫.૫૧ લાખના ખર્ચની દરખાસ્તનો પણ વિરોધ દર્શાવાયો છે.

તેવી જ રીતે સ્લમ કવાર્ટરમાં પેવીંગ બ્લોક (રબ્બર મોલ્ડ)નો કોન્ટ્રાકટ ૩.૬૦ ટકા ઉંચા ભાવે આપવા સામે તથા વોર્ડ નં. ૧૮માં આજી ડેમ પોલીસ ચોકી સામે પંચનાથ રોયલ હોલ સોસાયટીમાં ૪૯ ટકા ઉંચા ભાવે ભૂગર્ભ ગટરનો કોન્ટ્રાકટ આપવા સહિતની ખર્ચાળ દરખાસ્તોનો વિરોધ કરી વિપક્ષી સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાએ જણાવ્યું છે કે ટેન્ડર વગર અને સીંગલ ટેન્ડર તથા ઉંચા ભાવે કોન્ટ્રાકટો આપવાની શાસકોની આ નીતિ પ્રજાના હીત વિરોધી છે તેથી આ તમામ દરખાસ્તોનો વિરોધ કરવામાં આવ્યો છે.

(4:02 pm IST)