Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

પાન - ફાકીના દૂષણને ડામવા હવે ઇમોશનલ મેસેજ : વિડિયો સોંગ

મ્યુ. કમિશ્નર બંછાનિધી પાની દ્વારા 'સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦'ની તૈયારી શરૂ : વિવિધ સંસ્થાઓએ સ્વચ્છતા માટે જવાબદારી સ્વીકારી : મંદિરના ફૂલોને કચરામાં નાખવાને બદલે અગરબત્તી બનાવાશે : સ્કૂલોમાં સ્વચ્છતા મોનીટર

રાજકોટ તા. ૧૯ : ભારત સરકારશ્રીના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તાજેતરમાં 'સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૧૯'માં રાજકોટ શહેરે ૯મો ક્રમ પ્રાપ્ત કરી સ્વચ્છતા પ્રત્યે પોતાની પ્રતિબદ્ઘતાનો સૌ નાગરિકોને અહેસાસ કરાવ્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 'સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૧૯'માં રાજકોટનાં  પ્રભાવશાળી પરફોર્મન્સ બદલ સૌ નાગરિકો પ્રત્યે આભાર પ્રદર્શિત કરવા તથા અગામી સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૦ની પૂર્વ તૈયારી શરૂ કરવાના ઉમદા આશય સાથે શહેરના વિવિધ એશોસીએશન તથા સ્વૈચ્છીક સંસ્થાઓ સાથે મહાત્માં ગાંધી મ્યુઝીયમ ખાતે એક મહત્વપૂર્ણ મિટીંગનું આયોજન કરવામાં આવેલ હતું.

મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ આ મિટિંગમાં 'સ્વચ્છ ભારત મિશન'માં હાલ રાજકોટ કયા કયા ફિલ્ડમાં કયા તબક્કે છે તેની રૂપરેખા આપી હતી અને તાજેતરમાં જાહેર થયેલા 'સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૧૯'નાં પરિણામોમાં રાજકોટનાં પ્રગતિરૂપ પરફોર્મન્સ બદલ તમામ નાગરિકો અને એશોસીએશન તથા સ્વૈચ્છીક સંસ્થાઓ પ્રત્યે આભાર વ્યકત કર્યો હતો. આ ઉપરાંત આગામી સ્વચ્છ સર્વેક્ષણમાં રાજકોટને સ્વચ્છ શહેર નં- ૧ બનાવવાનો લક્ષ્યાંક હાંસલ કરવા શહેરના તમામ  એશોસીએશન તથા એન.જી.ઓ.નાં સાથસહકારની અપેક્ષા વ્યકત કરી હતી. મ્યુનિ. કમિશનરશ્રીના આ અનુરોધનાં પ્રત્યુત્તરમાં તમામ એશોસીએશન તથા એન.જી.ઓ. પૂર્ણ સહયોગ પ્રદાન કરવા સહમતિ દર્શાવી રાજકોટ મહાનગરપાલિકાનાં ઉત્સાહમાં વૃદ્ઘિ કરી હતી.

મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ આ મિટિંગમાં સ્વચ્છ ભારત મિશનનાં હાર્દ વિશે એક સરસ વાત કરી હતી કે, જયાં ત્યાં કચરો ન ફેંકવો એ જાગૃત નાગરિક તરીકેની માત્ર ફરજ ન બની રહે પરંતુ એક આદત બની જાય અને આપણા જીવનનો એક હિસ્સો બની રહે તેવો આશય ધરાવતું આ અભિયાન દેશને એક નવા સામાજિક પરિવર્તન અને ક્રાંતિ તરફ લઇ જશે. એક હાથે કયારેય તાલી વાગી શકતી નથી એમ સ્વચ્છ ભારત મિશન સૌના સાથસહકાર સાથે જ આ નવા બદલાવના નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરી શકશે.

 મ્યુનિ. કમિશનરશ્રીનાં ઉદબોધન અને આહવાનનો મિટિંગમાં ઉપસ્થિત તમામ એન.જી.ઓ. અને સંસ્થાઓનાં પ્રતિનિધિશ્રીઓએ એક અવાજે હકારાત્મક અને ઉત્સાહવર્ધક પ્રતિભાવ આપ્યો હતો.  જેમાં 'રોટરી કલબ મીડ ટાઉન' દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની ૬ હાઇસ્કુલમાં સેનેટરી પેડ મશીન તથા ઇન્સીનરેશન મશીન લગાવવા તેમજ 'સ્વચ્છતા પાકીટ' બનાવી આપવા સહમતિ દર્શાવેલ હતી.  બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી છોટુનગર ઝુપડપટ્ટી વિસ્તારનાં નાગરિકોને સેગ્રીગેશન એટ સોર્સ એટલે કે, સુકો અને ભીનો કચરો અલગઅલગ રાખવા વિશે સમજણ આપી, પ્રોત્સાહીત કરવા સહમતિ દર્શાવેલ છે. પ્રાઇવેટ સ્કુલ એશોસીએશન દ્વારા આગામી સત્રથી પ્રાર્થના સાથે 'સ્વચ્છતા ગીત' વગાડવાની સહમતિ દર્શાવેલ છે.

રાજકોટ મેનેજમેન્ટ એશોસીએશન દ્વારા પાન-ફાકીના દુષણને ડામવા માટે 'વિડિયો સોંગ' બનાવવાની તૈયારી દર્શાવેલ છે. તથા તમામ પાનના ગલ્લા પર પાન-ફાકીના દુષણને ડામવા માટે 'ઇમોશનલ મેસેજ' દર્શાવતા બેનર તથા સ્ટીકર લગાવવા સહમતિ દર્શાવેલ છે.

જે.સી.આઇ. સિલ્વર દ્વારા સ્વચ્છતા બાબતની સોશીયલ મીડીયામાં અવેરનેશની કામગીરી કરવા સહમતિ દર્શાવેલ છે. તથા દરેક ઘરે ઘરે સેગ્રીગેશન એટ સોર્સ બાબતના સ્ટીકર છપાવી વિતરણ કરવા સહમતિ દર્શાવેલ છે. મિશન સ્માર્ટ સીટી ટ્રસ્ટ દ્વારા રવિવારે ફન સ્ટ્રીટ માં 'સ્વચ્છતા અંગે નાટક' તથા 'સ્વચ્છતા હરીફાઇ' કરવા સહમતિ દર્શાવેલ છે.

શહેરમાં તમામ મંદિરોમાં રોજ મોટી માત્રામાં ફુલ ચડાવવામાં આવતા હોય છે, અને રોજ સાંજે આ ફુલનો નિકાલ કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકાના 'સેલ્ફ હેલ્પ ગ્રુપ'ને તાલીમ આપી ધાર્મીક સ્થળોમાંથી રોજબરોજ સાંજે પ્રાપ્ત થતા આ ફુલોમાંથી અગરબતી બનાવવા પ્રોત્સાહિત કરવા બધા એશોસીએશનને સહમતિ દર્શાવેલ છે.   રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા પ્રાઇવેટ સ્કુલ એશોસીએશનને 'સ્વચ્છતા મોનીટર' રાખવા અપીલ કરવામાં આવેલ હતી.  રાજકોટ મેનેજમેન્ટ એશોસીએશન દ્વારા કાપડની થેલી ફ્રીમાં બનાવી આપવા પ્રોજેકટ કરવા સહમતિ દર્શાવેલ છે.

આ મિટીંગમાં રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર  બી.એન.પાની, નાયબ કમિશનર પૂર્વ ઝોન તથા સેન્ટ્રલ ઝોન, પર્યાવરણ ઇજનેર,  તમામ નાયબ પર્યાવરણ ઇજનેર, રાજકોટ મેનેજમેન્ટ એશોસીએશનના પ્રમુખ  પરાગ જોબનપુત્રા, રાજકોટ મેનેજમેન્ટ એશોસીએશનના ચેરમેન ચેતન કોઠારી, રાજકોટ મેનેજમેન્ટ એશોસીએશનના ઉપ્રમુખ ડો.કલ્પીત સંઘવી, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના દીપકભાઈ, પ્રાઇવેટ સ્કુલ એશોસીએશનના અજયભાઈ પટેલ, મિશન સ્માર્ટ સીટી ટ્રસ્ટના જે.ડી.ગોટેચા, બ્રહ્માકુમારીઝના બી.કે.શીતલ, પ્રયાસ સંસ્થાના એમ. એસ. પરીખ, સી.આઈ.આઈ રાજકોટના જયેશ પરીખ, યુથ ફોર ડેમોક્રેસીના હિમતભાઈ, રાજકોટ કન્ઝયુમર  એશોસીએશનના આર.વી.સોલંકી, પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ ભાવેશ એચ. ભટ્ટ, આર.બી. કોઠારી સેન્ટરના આર.એલ. જસાણી, લાખાજીરાજ મર્ચન્ટ એશોસીએશનના પ્રમુખ મહેશ મહેતા, રોટરી કલબ મીડ ટાઉન તથા જે.સી.આઇ. સિલ્વર, વિગેરેના હોદેદારો ઉપસ્થિત રહયા હતા.

(3:33 pm IST)
  • તેલંગણામાં કોંગ્રેસને મોટો ફટકો : ચુંટણી પહેલા તેના ૭ ધારાસભ્યો શાસક TRS માં જોડાયા access_time 3:22 pm IST

  • જામનગર સીટી પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનામાં નાસતો ફરતો ફિરોઝ ઉર્ફે ફિરીયો ગફાર ઝડપાયો : પેરોલ ફરલો સ્કવોડના પીએસઆઈ શિવાય બારોટ અને ઈન્ચાર્જ આર.બી.ગોજીયાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ અરજણભાઈ કોડીયાતર તથા લઘધીરસિંહ જાડેજાએ પેટ્રોલીંગ દરમિયાન સંતોષી માના મંદિર પાસેથી ફિરોઝને ઝડપી લીધો access_time 6:04 pm IST

  • કોંગ્રેસને ઝટકો: જમ્મુ કાશ્મીરની લોકસભાની તમામ બેઠક પર ચૂંટણી લડશે નેશનલ કોન્ફ્રન્સ :કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નહિ :નેશનલ કોન્ફ્રન્સની સંસદીય બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણંય :રાજ્યની તમામ છ સીટો પર ચૂંટણી લડવા નિર્ણંય કરાયો access_time 12:51 am IST