Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ રાષ્ટ્રીય સમસ્યા

ગ્રાહક સુરક્ષા મંડળ અને લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાઇ વિચાર ગોષ્ઠિ

રાજકોટ : ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળથી લોક આરોગ્ય ઉપર ભયંકર ખતરો ઉભો થયો છે. ત્યારે રાષ્ટ્રીય સમસ્યા પર ગહન ચર્ચા વિચારણા કરવા રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ અને લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા એક વિચાર ગોષ્ઠિ યોજવામાં આવી હતી. રાષ્ટ્રીય ગ્રાહક સપ્તાહ અંતર્ગત યોજાયેલ આ ગોષ્ઠિમાં ભેળસેળ સામેના કાદયા કડક બનાવવા સુર વ્યકત થયો હતો. ખાસ ટાસ્ક ફોર્સ ઉભુ કરી આવુ ગુન્હાહીત કૃત્ય આચરનાર સામેના કેસમાં ૯૦ દિવસમાં ચુકાદો આપીની જોગવાઇ કરવા માંગણી ઉઠાવાઇ હતી. કાર્યક્રમના અધ્યક્ષ યશવંતભાઇ જનાણી અને મુખ્ય વકતા તરીકે લોકવિજ્ઞાન કેન્દ્રના નિયામક ડો. રમેશભાઇ ભાયાણી ઉપસ્થિત રહેલ. તેઓએ દરેક ચીજવસ્તુઓમાં કઇ રીતે ભેળસેળ થાય છે તેનું સ્થળ પર નિદર્શન કરી સમગ્ર હકીકત સમજાવી હતી. મંડળના મુખ્ય સંયોજક એડવોકેટ હિંમતભાઇ લાબડીયાએ કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી. મંડળના સીટી શાખાના ચેરમેન મહેશભાઇ મહેતાએ સૌનું સ્વાગત કરેલ. જયારે અંતમાં આભારવિધિ ઉપપ્રમુખ જયવંતભાઇ ચોવટીયાએ કરી હતી. સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના રાજકોટ શાખાના પ્રમુખ રાજેશભાઇ ગોંડલીયા, મુકેશભાઇ પારેખ, ગજુભા ઝાલા, રસિકભાઇ સોલંકી, ડો. કિશોરભાઇ રાઠોડ, દીલીપભાઇ કલોલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:31 pm IST)