Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

મોહનભાઈ તરફી વધુ સેન્સઃ સંસદીય બોર્ડમાં 'પત્તા' ખોલતા નિરીક્ષકોઃ ડી.કે.-ભંડેરીનું નામ પણ પેનલમાં

રાજકોટ બેઠકમાં કડવા કરતા લેઉવા પાટીદાર મતદારો બમણા પણ સૌરાષ્ટ્રમાં એક બેઠક કડવા પાટીદારને આપવી જરૂરી : બોઘરાનું નામ પોરબંદરની પેનલમાં: જયેશ રાદડિયાએ લડવાની અનિચ્છા દર્શાવી

રાજકોટ, તા. ૧૯ :. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આજે ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રાજકોટ બેઠકના ઉમેદવારોની ચર્ચા થયેલ. નિરીક્ષકો ઉપરાંત શહેર જિલ્લાના અપેક્ષિત આગેવાનોની હાજરીમાં સ્થાનિક સમીકરણો આધારીત ચર્ચા બાદ ૩ નામની પેનલ તૈયાર કરવામાં આવ્યાનું જાણવા મળે છે. નિરીક્ષકોએ બોર્ડ સમક્ષ સેન્સનું પોટલુ ખોલેલ જેમાં વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારિયા તરફી વધુ સેન્સ નિકળ્યાનું જાણવા મળે છે. લેઉવા પાટીદાર ઉમેદવાર તરીકે ડી.કે. સખીયા અને ધનસુખ ભંડેરીનું નામ આવેલ. આ ત્રણેય નામની પેનલ બન્યાનું બહાર આવેલ છે. સેન્સ વખતે ભરત બોઘરાનું નામ ઉછળેલ પરંતુ તેનુ નામ આજે પોરબંદર પેનલમાં સમાવાયાનું ભાજપના વર્તુળો જણાવે છે. પોરબંદર બેઠક માટે જશુબેન કોરાટ, મનસુખ ખાચરીયા વગેરે નામ મોખરે રહ્યા છે. જયેશ રાદડિયાએ પોતે લોકસભાની ચૂંટણી લડવા માંગતા ન હોવાનું બોર્ડ સમક્ષ જણાવ્યુ હતુ. સંભવિત ઉમેદવાર તરીકે તેના ભાઈ લલિત રાદડિયાનું નામ સામે આવ્યું છે.

રાજકોટ બેઠકના નિરીક્ષકો નરહરિ અમીન, બાબુભાઈ જેબલિયા અને જયાબેન ઠક્કરે આજે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ સેન્સનો અહેવાલ આપેલ. જેમાં અપેક્ષિત કાર્યકરોએ ટીકીટ માટે સૌથી વધુ તરફદારી મોહનભાઈની કરી હોવાનું સામે આવ્યુ છે. જો લેઉવા પટેલને ટીકીટ આપવાની હોય તો ડી.કે. સખીયા અથવા ધનસુખ ભંડેરીને આપવી જોઈએ તેવી વાત પણ સેન્સમાં ઉભરી હતી. આ ત્રણ નામની પેનલ બની છે. ત્રણ પૈકી કોઈને ટીકીટ મળે અથવા પેનલમાં નામ ન હોય તેવા કોઈને પણ ટીકીટ મળી શકે છે. ભાજપમાં ન હોય છતા ટીકીટ માટે જેના નામ બહાર ગાજી રહ્યા છે તેવા કોઈ પાટીદારના નામની ચર્ચા પાર્લામેન્ટરી બોર્ડમાં થયેલ નહિ. બોર્ડમાં ઉપસ્થિત તમામ સ્થાનિક આગેવાનોએ પાર્ટી જેને ટીકીટ આપે તેને સ્વીકારવાની ડાહી ડાહી વાતો કરી હતી.

રાજકોટ લોકસભા બેઠકમાં કડવા પાટીદાર મતદારોની સંંખ્યા દોઢથી પોણા બે લાખ અંદાજાય છે. લેઉવા પાટીદારોની સંખ્યા તેનાથી બમણી છે. જો કે સૌરાષ્ટ્રમાં રાજકોટ અને પોરબંદર બે જ બેઠકો એવી છે કે જ્યાં કડવા પાટીદારને ટીકીટ આપવાની ભાજપને અનુકુળતા રહે. જો રાજકોટમાં કડવા પાટીદારને જ ટીકીટ આપવાની થાય તો મોહનભાઈનુ પલ્લુ સૌથી વધુ ભારે છે. અત્યારના સંજોગો મુજબ ટીકીટમાં પરિવર્તન નહિ પણ પુનરાવર્તનનો વર્તારો છે.

પાર્લામેન્ટરી બોર્ડમાં રાજકોટથી ડી.કે. સખીયા, કમલેશ મિરાણી, બીનાબેન આચાર્ય, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:20 pm IST)