Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

હર્ષદ મહાજન રાજસ્થાન સાંચોરના સોનુ મારવાડી અને ઉદયપુરના વિક્રમસિંહ પાસેથી દારૂ મંગાવતો

મુળ પડધરીના વિસામણના બુટલેગરને કુવાડવા પોલીસે જંગલેશ્વર પાસેના વૃંદાવન પાર્કના મકાનેથી દબોચ્યોઃ બાથરૂમમાં દરવાજો ખુલે એ દરવાજા પાછળ બીજો 'છૂપોરૂમ' હતો, એ રૂમમાંથી શોધી કાઢ્યોઃ કયારેક રૂબરૂ રાજસ્થાન જતો, કયારેક ફોનમાં સોદા પડતાં: ૫૦ ટકા પેમેન્ટ એડવાન્સ આપવાનું થતું: 'માલ' પકડાઇ જાય તો બંનેને ૫૦-૫૦ ટકા ભોગવી લેવાનાઃ રાજકોટ, ધ્રોલ, પડધરી, વાંકાનેર, બાબરા પંથક હર્ષદના દારૂનો જથ્થો ઉતારવા માટેના મુખ્ય કાર્યક્ષેત્રઃ રાજસ્થાનથી દારૂ ભરેલા ટ્રકમાં ઉપર-ઉપર પાવડર, ભુસુ કે ચોખા રખાતાં: બીલ્ટી પણ તેની જ બનતીઃ મોટે ભાગે ચેકપોસ્ટ પર બિલ્ટી ચેક કરી ટ્રક જવા દેવાતા હોઇ જથ્થો સોૈરાષ્ટ્ર સુધી પહોંચી જતો હોવાનું રટણઃ કુવાડવાના કોન્સ. દિલીપભાઇ બોરીચા, મનિષભાઇ ચાવડા અને અજીતભાઇ લોખીલની બાતમી પરથી પીઆઇ પરમાર, પીએસઆઇ ઝાલા અને તેની ટીમને સફળતા

રાજકોટ તા. ૧૯: શહેર જીલ્લા અને સોૈરાષ્ટ્રભરમાં વિદેશી દારૂના સપ્લાયરમાં જેનું મોટુ નામ ગણાય છે તેમજ દારૂના ગુનામાં ડઝનેક વખત પાસાની હવા ખાઇ આવ્યો છે તેમજ છેલ્લા બે વર્ષમાં ઝડપાયેલા લાખ્ખોના દારૂના બાર ગુનામાં ફરાર હર્ષદ ઉર્ફ મહાજન માણેકલાલ માંડલીયા (ઉ.૩૮) નામના સોની શખ્સને ઝડપી લેવામાં કુવાડવા પોલીસ મથકના કોન્સ. મનિષભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા અને અજીતભાઇ લોખીલની બાતમી પરથી સફળતા મળી છે. જંગલેશ્વર ભવાની ચોક પાસેના વૃંદાવન પાર્ક-૨માં વાઘેશ્વરી કૃપા નામના મકાનમાં દરોડો પાડી તેને આ મકાનના બાથરૂમ અંદર બનાવાયેલા છૂપારૂમમાંથી શોધી કઢાયો હતો. પ્રાથમિક પુછતાછમાં તેણે પોતે આ દારૂ રાજસ્થાનના સાંચોરના સોનુ મારવાડી અને ઉદયપુરના વિક્રમસિંહ પાસેથી લાવતો હોવાનું રટણ કરતાં તેને સાથે રાખી પોલીસ ટૂકડી રાજસ્થાન તરફ તપાસ માટે જાય તેવી શકયતા છે.

કુવાડવા પોલીસે મુળ પડધરીના વિસામણ ગામના વતની હર્ષદ ઉર્ફ મહાજન કે જે દારૂના બાર ગુનામાં વોન્ટેડ છે તે રાજકોટના વૃંદાવન પાર્કના ઘરે આવ્યો હોવાની માહિતી પરથી દરોડો પાડ્યો હતો. પરંતુ ત્યાં તપાસ કરતાં ઘરમાં તે જોવા મળ્યો નહોતો. પોલીસે બાથરૂમ પણ ચેક કર્યુ હતું. પરંતુ તેમાં પણ હતો નહિ. બાતમીદારે બાથરૂમનો જે દરવાજો ખોલાયો હતો તે દરવાજાની પાછળના ભાગે બીજો એક છૂપોરૂમ હોવાની માહિતી આપતાં પોલીસે ત્યાં તપાસ કરતાં તેમાંથી હર્ષદ મળી આવ્યો હતો. આ છૂપા રૂમમાં એક વ્યકિત સહેલાઇથી ઉભો રહી શકે તેવી જગ્યા હતી.

હર્ષદને દારૂના જે ગુનાઓમાં પકડવાનો બાકી હતો તેમાં કુવાડવાનો ૬,૪૯,૮૦૦નો દારૂ, ડીસીબીનો ૧૭,૫૨,૦૦૦નો દારૂ, ડીસીબીનો ૨૦,૪૮,૫૦૦નો દારૂ, બાબરાનો ૬૯,૨૯,૦૦૦નો દારૂ, ધ્રોલનો ૧,૯૯,૫૦૦નો દારૂ, પડધરીના ૫૪,૭૦,૭૭૦નો દારૂ, પડધરીના બીજા ચાર ગુનાઓ તથા વાંકાનેરના ૯,૧૫,૩૦૦ના દારૂનો ગુનો સામેલ છે. આ ઉપરાંત અગાઉ ૨૦૦૭ થી ૨૦૧૬ સુધીમાં તેના વિરૂધ્ધ રાજકોટમાં કુવાડવા, ડીસીબી, ભકિતનગર અને બી-ડિવીઝનમાં દારૂના ગુના નોંધાયા હતાં.

હર્ષદના ૨૨મી સુધીના રિમાન્ડ મંજુર થતાં વિશેષ પુછતાછ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં તેણે એવું રટણ કર્યુ છે કે તે રાજસ્થાનના સાંચોરના સોનુ મારવાડી તથા ઉદયપુરના વિક્રમસિંહ પાસેથી આ દારૂનો જથ્થો મંગાવતો હતો. કયારેક તે રૂબરૂ રાજસ્થાન જતો હતો તો કયારેક ફોન પર સોદા પાર પાડતો હતો. સોદો નક્કી થાય ત્યારે પચાસ ટકા રકમ આપવાની હોય છે. જો માલની ડિલીવરી રાજકોટ કે બીજા કોઇપણ સ્થળ સુધી સહીસલામત રીતે થઇ જાય તો બાકીની રકમ મોકલનારને ચુકવવાની હતી. જો આ માલ હર્ષદ સુધી પહોંચે એ પહેલા પકડાય જાય તો મોકલનારને પૈસા ભોગવવાના હતાં. મોટે ભાગે દારૂની પેટીઓની ઉપરના ભાગે પાવડર, ચોખા, ભુંસુ કે બીજી કોઇ ચીજવસ્તુઓ ભરી દેવામાં આવતી હતી અને બીલ્ટી પણ તેની જ બનાવાતી હતી. ચેકપોસ્ટ પર મોટે ભાગે બિલ્ટીને આધારે જ ટ્રક નીકળી જતાં હોઇ જેથી આવા ટ્રક છેક રાજકોટ-સોૈરાષ્ટ્ર સુધી પહોંચી જતાં હોવાનું હર્ષદ મહાજને રટણ કયુૃ છે.

તેની આવી વાતોમાં કેટલું તથ્ય છે? તે જાણવા વિશેષ તપાસ થઇ રહી છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી ઝોન-૧ રવિકુમાર સૈની, એસીપી એસ.આર. ટંડેલની રાહબરીમાં પી.આઇ. એમ.આર. પરમાર, પીએસઆઇ એમ. કે. ઝાલા, એએસઆઇ આર. કે. ડાંગર, હીરાભાઇ રબારી, હિતેષભાઇ ગઢવી, બી.ડી. ભરવાડ, કોન્સ. મનિષભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, હરેશભાઇ સારદીયા, દેવેન્દ્રસિંહ જાડેજા, રાજેશભાઇ ચાવડા, અજીતભાઇ લોખીલ સહિતની ટીમ વધુ તપાસ કરે છે.

(11:37 am IST)