Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

સાતમા દિવસે પણ યાર્ડની આગના લબકારા બુઝાવવાની કવાયત યથાવત

બપોરે પોણા ત્રણે વધુ ત્રણ બંબા મોકલાયાઃ ત્રણ જેસીબીની પણ લેવાતી મદદ : આગ લાગી કે લગાડાઇ? એ રહસ્‍ય ઉકેલાશે કે ધરબાઇ જશે?!

રાજકોટ તા. ૧૯: જુના માર્કેટ યાર્ડમાં બારદાનના જથ્‍થામાં ગયા મંગળવારે લાગેલી આગના લબકારા આજે પણ ઓલવાયા નથી. આજે સાતમા દિવસે પણ બપોરે પોણા ત્રણ વાગ્‍યે ફાયર બ્રિગેડના વધુ ત્રણ બંબા મોકલાયા હતાં. અંદાજે ૧૭ કરોડના બારદાનનો જથ્‍થો બળીને ખાક થઇ ગયો છે. ગુજકોટ દ્વારા મંગાવાયેલા આ બારદાનમાં આગ લાગી કે લગાડાઇ? એ રહસ્‍ય આજે સાતમા દિવસે પણ અકબંધ છે. પોલીસે ગુજકોટના કર્મચારીઓ, યાર્ડમાં કામ કરતાં બંડીધારી મજૂરો સહિત અનેકની પુછતાછ કરી છે. પરંતુ આગનું રહસ્‍ય ઉકેલાયુ નથી. એફએસએલ દ્વારા વીસ કોથળા ભરીને નમુના લેવામાં આવ્‍યા છે.

આ ઉપરાંત સીસીટીવીનું ડીવીઆર કબ્‍જે કરી ગાંધીનગર એફએસએલમાં મોકલાયું છે. પોલીસને એક ફૂટેજમાં બંડીધારી શખ્‍સ બહાર નીકળતો અને ચોકીદારને આગ લાગ્‍યાની જાણ કરતો દેખાયો હતો. એ બંડીવાળો મજૂર હજુ મળ્‍યો નથી. ત્‍યારે આગનું રહસ્‍ય ઉકેલાશે કે ધરબાઇ જશે? તેવો સવાલ ઉભો થયો છે.

(4:20 pm IST)