Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

કુબલીયાપરામાં સિકંદર સુમરાને આંતરી ત્રણ લુખ્ખાએ છરી ઝીંકી રોકડ લૂંટી લીધી

લુખ્ખા-આવારા-ગુનેગારો બેફામ...પોલીસને ખુલ્લેઆમ પડકાર : યુવાન રામનાથપરામાંથી ઘરે જતો હતો ત્યારે રાત્રે બાર વાગ્યે બનાવઃ પગમાં ઇજા થતાં હોસ્પિટલના બિછાને

રાજકોટ તા. ૧૯: થોરાળાના મુસ્લિમ યુવાનને રાત્રીના બારેક વાગ્યે કુબલીયાપરા મચ્છી માર્કેટમાં ત્રણ લુખ્ખાઓએ આંતરી પગમાં છરી ઝીંકી રૂ. ૪ હજારની લૂંટ ચલાવતાં ચકચાર મચી ગઇ છે.

શહેરમાં લુખ્ખા-આવારા તત્વોએ બેફામ બની કાયદાનું ચીરહરણ કરવાનું ચાલુ કર્યુ છે. ત્યારે રવિવારે મોડી રાત્રે વધુ એક આવી ઘટના બની છે. નવા થોરાળા-૧માં રહેતો અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો સિકંદર અલ્તાફભાઇ આમરોણીયા (ઉ.૨૮) નામનો સુમરા યુવાન રાત્રે પોતાની ગાડી ગોંડલ રોડ પર રાખી ત્યાંથી રિક્ષામાં રામનાથપરામાં પોતાનું બાઇક રાખ્યું હોઇ ત્યાં આવ્યો હતો. અહિથી તે પોતાના ઘરે નવા થોરાળામાં જઇ રહ્યો હતો તે વખતે કુબલીયાપરામાં મચ્છી ચોકમાં પહોંચતા ત્રણ શખ્સોએ તેને ઉભો રાખી પૈસા માંગ્યા હતાં. સિકંદરના કહેવા મુજબ તેણે પૈસા આપવાની ના પાડતાં ત્રણેયે હુમલો કર્યો હતો. ઢીકા-પાટુનો માર મારી જમણા પગમાં છરીનો ઘા ઝીંકી ખિસ્સામાંથી રૂ. ચાર હજારની રોકડ લૂંટી ત્રણેય ભાગી ગયા હતાં.બાદમાં પોતાના પિતાને જાણ કરતાં તેમણે આવીને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ થોરાળા પોલીસ મથકમાં એન્ટ્રી નોંધાવી હતી. જેમાં કોઇ કારણોસર અજાણ્યા શખ્સોએ છરી ઝીંકયાની નોંધ છે.

(4:19 pm IST)