Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

દોઢ વર્ષથી એકલા રહેતાં આનંદભાઇ પટેલની તેના જ ફલેટમાંથી કોહવાયેલી લાશ મળી

નાના મવા રોડ હરણીય એપાર્ટમેન્ટમાં બનાવઃ માતા-ભાઇ અલગ રહે છેઃ દર રવિવારે માતા મળવા આવતાં: ગઇકાલે દરવાજો ન ખોલતાં તપાસ કરતાં લાશ મળી

રાજકોટ તા. ૧૯: નાના મવા રોડ પર પરસાણા પેલેસ પાછળ આવેલા હરણીય એપાર્ટમેન્ટમાં ફલેટ નં. ૨૦૨માં રહેતાં આનંદભાઇ ગોપાલભાઇ મકાતી (ઉ.૪૩) નામના એમ.આર. (મેડિકલ રિપ્રેઝન્ટેટીવ) પટેલ યુવાનની કોહવાયેલી લાશ તેના જ ફલેટમાંથી મળતાં અરેરાટી વ્યાપી ગઇ છે. દોઢેક વર્ષથી આ યુવાન એકલા રહતાં હતાં અને ડાયાબિટીશની બિમારી હતી. મોતનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ ૧૦૮ના ડો. ક્રિષ્નાબેન ભાભંર મારફત પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ થઇ હતી કે આનંદભાઇ મકાતી તેના ફલેટમાં મૃત્યુ પામ્યા છે અને લાશ કોહવાઇ ગઇ છે. આ અંગે ઇન્ચાર્જ જે. કે. જાડેજાએ તાલુકા પોલીસને જાણ કરતાં એએસઆઇ આર. બી. જાડેજા અને રૂષીરાજસિંહે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.

તપાસમાં ખુલ્યું હતું કે મૃત્યુ પામનાર આનંદભાઇ બે ભાઇમાં મોટા હતાં અને બે વખત છુટાછેડા થઇ ગયા હતાં. તેને ડાયાબિટીશની બિમારી હતી. દોઢેક વર્ષથી એકલા રહેતાં હતાં. તેના માતા અને ભાઇ અલગ રહેતાં હોઇ દર રવિવારે માતા તેને ત્યાં આટો મારવા આવતાં હતાં. ગત સાંજે માતા ઘરે આવ્યા ત્યારે આનંદભાઇએ દરવાજો ન ખોલતાં અને અંદરથી દૂર્ગંધ આવતી હોઇ પડોશીઓને બોલાવી દરવાજો તોડી જોતાં આનંદભાઇની લાશ મળી હતી. મૃત્યુ બે-ત્રણ દિવસ પહેલા થયાનું અનુમાન છે. હાર્ટએટેક આવ્યો કે બિમારીથી બેભાન થઇ ગયા બાદ મોત નિપજયું? કે અન્ય કારણોસર? તે જાણવા ફોરેન્સિક રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.

(4:18 pm IST)