Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

કોઠારીયા ગ્રામ પંચાયતના એક હોદેદાર અને સભ્‍યનું કલેકટરને આવેદનઃ અમારી ઉપર જોખમ છે રક્ષણ આપો

અધિકારીઓને રજુઆતો-આરટીઆઇમાં અરજીને કારણે કેટલાક લોકો તરફથી જોખમ છેઃ આવેદન

રાજકોટ, તા., ૧૯: કોઠારીયા ગ્રામ પંચાયતના સામાજીક ન્‍યાય સમીતીના ચેરમેન ગોવિંદભાઇ જાદવ અને સંજય મનીષભાઇ જાદવ તથા અન્‍યોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી ગામના દલીત આરટીઆઇ એકટીવીસ્‍ટની અને સભ્‍યની જાન-માલની સલામતી માટે યોગ્‍ય કરવા વિનંતી કરી છે.

આવેદનમાં ઉમેર્યુ છે કે તાજેતરમાં જ કોટડા સાંગાણી તાલુકાના માણેકવાડા ગામના દલીત આરટીઆઇ એકટીવીસ્‍ટ અને અન્‍યાય સામે લડત આપનાર નાનજીભાઇ મેઘાભાઇ સોંદરવાનું ખુન થયાનો બનાવ બનેલ છે. તે ઉપરાંત ગીર સોમનાથ જીલ્લાના અન્‍ય દલીત શખ્‍સનું બિનદલીત ગુનેગારોએ સળગાવી નાખી ખુન કર્યાનો બનાવ પણ તાજેતરમાં બનેલ છે. આ રીતે અનુસુચીત જાતીના કાર્યકરો કે આગેવાનો કે ગ્રામ પંચાયતની બોડીના સભ્‍યો પર અવાર નવાર ખુની હુમલા કરી ખુન કરી નાખ્‍યાના બનાવો બને છે જે બાબત આપનું ધ્‍યાન દોરવામાં આવે છે.

આવેદનપત્રમાં વધુમાં ઉમેર્યુ હતું કે અમે ગોવિંદભાઇ જાદવ કોઠારીયા સામાજીક ન્‍યાય સમીતીના ચેરમેન છીએ તથા મનીષભાઇ જાદવ ગ્રામ પંચાયતના ચુંટાયેલા સભ્‍ય છીએ તે રીતે અમો અમારા ગામના અનુસુચીત જાતીના જુદા જુદા પ્રશ્નો અને વણઉકેલ બાબતો અંગે કાયદેસર ચુંટાયેલ સભ્‍ય તરીકે અમારૂ પ્રતિનિધિત્‍વ હોવા છતાં અમારા ગામના ગ્રામ પંચાયતના એક હોદેદાર અને અમુક સભ્‍યો તરફથી અમારા પ્રત્‍યે ભેદભાવ અને ધૃણા રાખી અમારા અનુસુચીત જાતીના વિસ્‍તારના કોઇ કામો થતા નથી. તેમજ ભુગર્ભ ગટરનું કામમાં ગેરરીતી, નબળી કામગીરી, ૧૦૦ ચો.વારના પ્‍લોટ ન ફાળવવા, સ્‍મશાન નીમ ન કરવું, ટીડીઓ દ્વારા રખાતો ભેદભાવ સહીતના અનેક મુદ્દે કલેકટરને રજુઆતો કરાઇ હતી.

આવેદનમાં ઉપરોકત પ્રશ્નો અંગે અનેક વખત રજુઆતો, આરટીઆઇમાં થયેલ અરજી જોતા અમુક લોકો અમારા પ્રત્‍યે મનદુઃખ-રાગદ્વેષ રાખી અમારી માથે કાંઇ પણ કરી શકે તેમ હોય તાકીદે અમોને રક્ષણ આપવું તેમ ચોંકાવનારી માંગણી ગોવિંદભાઇ જાદવ અને મનીષભાઇ જાદવે કરી છે.

(4:18 pm IST)