Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

પ્રેસ ફોટોગ્રાફર દર્શન પર હુમલો કરનારા કાના આહિર અને સાગ્રીતોના ‘સરઘસ' વખતે પોલીસ અધિકારી સાથે ઝપાઝપી

શનિવારે રાતે હુમલો થયો ત્‍યારે જ પોલીસે કાનો ડાવેરા (આહિર), તેનો ભાઇ સંજય અને સાગ્રીતો કુલદીપ બાવાજી તથા રૂપેશ ખાંટને પકડી લીધા'તા : કાનાના માતા સહિતના મહિલાઓએ પોલીસ સામે થઇ સળગી જવાની ચિમકી ઉચ્‍ચારીઃ મહિલાઓએ કહ્યું- આ વખતે તો ખાલી છરકા થયા છે, હવે સાવ પુરો કરી નાંખશું...!!: કાના વિરૂધ્‍ધ અગાઉ હત્‍યાની કોશિષ સહિતના ગુના નોંધાયા છે : ‘સરઘસ'ની કામગીરી ટૂંકાણમાં નિપટાવી લેવાતા પ્રેસ ફોટોગ્રાફર એસોસિએશનમાં કચવાટઃ મહિલાઓએ ચિમકી આપતાં અઘીટત ઘટના ન બને તે માટે કામગીરી ટૂંકાવવા ફરજ પડયાનો પોલીસનો બચાવ

પ્રેસ ફોટોગ્રાફર પર હુમલો કરનારા કાનો આહિર, તેના ભાઇ અને બે સાગ્રીતોનું  નવલનગર સ્‍વામિનારાયણ ચોકમાં માલવીયાનગર પોલીસે ‘સરઘસ' કાઢતાં કાનાની માતા સહિતની મહિલાઓએ પોલીસની કાર્યવાહીમાં વિક્ષેપ ઉભો કરવાનો પ્રયાસ કરી અધિકારી સાથે ઝપાઝપી કરી હતી તે દ્રશ્‍ય તથા પકડાયેલા ચારેય શખ્‍સો અને તેનું સરઘસ કઢાયું તે તથા ટોળા ઉમટી પડયા તે જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૯: નવલનગર-૩માં કૃષ્‍ણ નિવાસ ખાતે રહેતાં અને અખબારમાં ફોટોગ્રાફર તરીકે કામ કરતાં દર્શન સંજયભાઇ ભટ્ટી (ઉ.૨૧) નામના વાળંદ યુવાન પર શનિવારે મોડી રાત્રીના સાડા બારેક વાગ્‍યે પી.ડી.એમ. કોલેજ પાછળ સ્‍વામિનારાયણ ચોકમાં બાલાજી મંદિર પાસે કાનો આહિર અને ત્રણ અજાણ્‍યાએ છરીથી હુમલો કરી બંને હાથ-બાવડામાં ઇજા કરી તેમજ ઢીકા-પાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં તેને હોસ્‍પિટલમાં દાખલ કરાયેલ. આ બનાવમાં માલવીયાનગર પોલીસે રાતોરાત કાનો આહિર સહિત ચારને ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્‍યું હતું. આજે આ ચારેયને વિસ્‍તારમાં લઇ જઇ ‘સરઘસ' કાઢવામાં આવતાં ટોળા ભેગા થઇ ગયા હતાં. કાનાના માતા સહિતના મહિલાઓ પોલીસ અધિકારીની સામે થઇ ગયા હતાં અને ઝપાઝપી કરી પોલીસની હાજરીમાં ફોટોગ્રાફર પર ફરીથી હુમલો કરવાની ધમકી આપી હતી. મહિલાઓએ સળગી જવાની ચિમકી ઉચ્‍ચારી ભારે દેકારો મચાવ્‍યો હતો. બીજી તરફ સુત્રધાર કાનાએ પણ પોલીસ સામે થઇ જઇ સીન કર્યા હતાં.

વિગત એવી છે કે ફોટોગ્રાફર દર્શનના ભાઇ પ્રશાંતભાઇ પોતાના ઘર પાસે સ્‍કૂટર લઇને પસાર થતાં હતાં ત્‍યારે એક શખ્‍સ બંબાટ સ્‍પીડથી બાઇક હંકારી નીકળ્‍યો હતો અને અકસ્‍માત સર્જ્‍યો હતો. આથી પ્રશાંતભાઇએ વાહન ધીમુ હંકારવા કહી ઠપકો દેતાં એ શખ્‍સે પોતે ગુરૂપ્રસાદ ચોકમાં પોતાના વાલીને લઇને આવે છે, વાત કરવા ત્‍યાં આવજો તેમ કહેતાં પ્રશાંતભાઇ અને નાનો ભાઇ દર્શન ભટ્ટી ત્‍યાં પહોંચતા અકસ્‍માત સર્જનારે આ વિસ્‍તારમાં દાદાગીરી માટે કુખ્‍યાત બનેલા કાના આહિર સહિતનાને બોલાવી રાખ્‍યા હતાં. વાતચીત દરમિયાન ઉશ્‍કેરાઇ જઇ કાનાએ છરી કાઢી દર્શનને એક હાથે ઘા ઝીંકી દીધો હતો. તે જીવ બચાવી ભાગતા પીછો કરી બીજા હાથે છરી ઝીંકી હતી. ટોળુ ભેગુ થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં.

બનાવની જાણ થતાં ડીસીપી કરણરાજ વાઘેલાએ માલવીયાનગર પોલીસને જાણ કરતાં ઇન્‍ચાર્જ આર. જે. જાડેજા, પી.એસ.આઇ. પાંડાવદરા સહિતે તાકીદે હોસ્‍પિટલે પહોંચી ફરિયાદ નોંધવા કાર્યવાહી કરી હતી.ડીસીપી ડો. કરણરાજ વાઘેલાની રાહબરીમાં માલવીયાનગરના ઇન્‍ચાર્જ પી.આઇ. રવિરાજસિંહ જાડેજા, પી.એસ.આઇ. જે. કે. પાંડાવદરા, પ્રશાંતસિંહ અને ડી. સ્‍ટાફની ટીમે ચાર શખ્‍સો નવલનગર-૩/૧૫માં રહેતાં કાનો ડાયાભાઇ ડાવેરા (આહિર) (ઉ.૨૨), તેના ભાઇ સંજય ડાભાઇ ડાવેરા (ઉ.૧૮), સાગ્રીત રૂપેશ બાબુભાઇ સોલંકી (ખાંટ) (ઉ.૩૫)  તથા વિનાયકનગર-૧૬માં રહેતાં કુલદીપ ઉર્ફ પપ્‍પુ વિનુભાઇ ગોસ્‍વામી (બાવાજી)ને ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્‍યું હતું.

દરમિયાન આજે સવારે અગિયારેક વાગ્‍યે માલવીયાનગર પોલીસે આ ચારેય શખ્‍સોનું નવલનગરમાં સરઘસ કાઢી જાહેરમાં માફી મંગાવી હતી. પ્રેસ ફોટોગ્રાફર પર હુમલો થયો હોઇ જેથી રાજકોટ પ્રેસ ફોટોગ્રાફર એસોઅિશેનના તમામ સભ્‍યો ત્‍યાંહાજર હતાં. જો કે સરઘસ વખતે જ કાનાની માતા સહિતની મહિલાઓ ધસી આવી હતી અને પોલીસની આકરી કાર્યવાહી સામે વિક્ષેપ ઉભો કરી જો અમારા દિકરાઓને હાથ જોડાવ્‍યા છે તો જોવા જેવી થશે, અમે સળગી જઇશું...તેવા બૂમ બરાડા પાડી દેકારો મચાવી ખેલ કર્યા હતાં. પોલીસ અધિકારી સાથે પણ આ મહિલાએ ઝપાઝપી કરી હતી. આ અધિકારીએ સામે મહિલા હોવાને લીધે તેની મર્યાદા જાળવી હતી. જો કે આમ છતાં એ મહિલાએ દેકારો મચાવવાનું ચાલુ રાખ્‍યું હતું. મુખ્‍ય સુત્રધાર કાનાએ પણ પોલીસની સામે થઇ જઇ દેકારો મચાવ્‍યો હતો. મહિલાઓએ હલ્લો મચાવતાં પોલીસને કોઇ અઘટીત બનાવ ન બને તે માટે ઝડપથી સરઘસની કાર્યવાહી નિપટાવવાની ફરજ પડી હતી. એક તબક્કે પ્રેસ ફોટોગ્રાફર એસોસિએશનમાં કચવાટની લાગણી પેદા થઇ હતી. આ મામલે પોલીસ કમિશ્નરશ્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી. ફોટોગ્રાફર દર્શનને હાલમાં પોલીસ રક્ષણ આપવામાં આવ્‍યાનું જાણવા મળે છે.

(4:17 pm IST)