Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

કોર્પોરેશનમાં ૩.૫૦ લાખનું વાલ્‍વ કૌભાંડઃ એક ઇજનેર સસ્‍પેન્‍ડ

બંછાનિધી પાની, ડો. જૈમનભાઇ દ્વારા પત્રકાર પરિષદ યોજાઇઃ ૧૦ એજન્‍સી સામે FIR નોંધાશેઃ ૪૫ દિવસની વિજીલન્‍સ તપાસમાં કૌભાંડ બહાર આવ્‍યું: ૨૫ અધિકારીઓને નોટીસ

વાલ્‍વ પ્રકરણ મામલે કોર્પોરેશન દ્વારા આજે યોજાયેલ પ્રેસ કોન્‍ફરન્‍સમાં મેયર જૈમનભાઇ ઉપાધ્‍યાય, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, કમિશ્નર બંછાનિધી પાની, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, ડે.કમિશ્નર ડી.જે.જાડેજા, દંડક રાજુભાઇ અઘેરા, વોટર વર્કસ શાખાના ચેરમેન દલસુખભાઇ જાગાણી તેમજ વિજીલન્‍સ ડીવાયએસપી આર.બી.ઝાલા વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૯ : મ્‍યુનિ. કોર્પોરેશનમાં થયેલ વાલ્‍વ કૌભાંડ મુદ્દે કમિશનર બંછાનિધી પાની અને મેયર જૈમન ઉપાધ્‍યાયે પ્રેસ કોન્‍ફરન્‍સ યોજી હતી. જેમાં ૩.૫૦ લાખો રૂપિયાની ગોલમાલ થઇ હોવાનું સામે આવ્‍યું હતું, સ્‍ટોરના એડિશનલ એન્‍જિનિયર મહેશ પ્રજાપતિને સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા છે. ૧૦થી એજન્‍સી કૌભાંડમાં સામેલ હોય તમામ સામે એફઆઇઆર પણ નોંધાવવા અને ૨૫ કર્મચારીઓને નોટીસ ફટકારી ખુલાસો પૂછવામાં આવ્‍યો છે. જ્‍યારે ત્રણ એજન્‍સીઓને બ્‍લેક લીસ્‍ટ કરવામાં આવી છે.

વધુમાં શ્રી બંછાનિધી પાનીએ જણાવ્‍યું હતું કે, અત્‍યાર સુધીની તપાસમાં ૧૦૦ અને ૧૫૦ના ૩૫ વાલ્‍વનું ૩.૫૦ લાખનું કૌભાંડ બહાર આવ્‍યું છે.

આ અંગે આજે યોજાયેલ પત્રકાર પરિષદમાં મ્‍યુનિ. કમિશ્નર બંછાનિધી પાનીએ વિસ્‍તૃત માહિતી આપતા જણાવ્‍યું હતું કે, આ કૌભાંડ સામે આવતા તુરંત જ તટસ્‍થ તપાસ શરૂ કરવામાં આવી છે.  જેમાં ૧૪ સપ્‍ટેમ્‍બર ૨૦૧૭ના સીટી ઇજનેર, ડે.ઇજનેર, એડી. ઇજનેર સહિતના કર્મચારીની બદલી કરી આ પ્રકાર અંગે નિર્ણય કરવામાં આવ્‍યો છે.

વધુમાં શ્રી પાનીએ જણાવ્‍યું હતું કે, જુના વાલ્‍વના ઇન્‍ડીકેટ સામે નવા વાલ્‍વ લાગ્‍યા કે નહિ તમામ રેકોર્ડ જોવામાં આવ્‍યા હતા. આ રેકોર્ડ સંદર્ભે વ્‍યવસ્‍થિત જોવા ન મળતા અને કૌભાંડમાં સામેલ ૯ વર્ષથી સ્‍ટોરમાં ફરજ બજાવતા ઇજનેર મહેશ પ્રજાપતિને સસ્‍પેન્‍ડ કર્યા છે. જ્‍યારે આ વાલ્‍વ પ્રકરણમાં સામેલ કરસનભાઇ મેરીયા, વિનુભાઇ નારણભાઇ, મોહનભાઇ ભલ્લા સહિતની ત્રણેય એજન્‍સીઓને બ્‍લેક લીસ્‍ટ કરવામાં આવી છે તથા નજીભાઇ પમાભાઇ મહાદેવ ડેવલોપર્સ, જેન્‍તીભાઇ, પ્રીયા કન્‍સ્‍ટ્રકશન, ચામુંડા કન્‍સ્‍ટ્રકશન, બજરંગ કન્‍સ્‍ટ્રકશન, દેવ કન્‍સ્‍ટ્રકશન સહિત ૭ એજન્‍સીઓને નોટીસ ફટકારી કુલ ૧૦ સામે એફઆઇઆર નોંધાશે. આ ઉપરાંત આ પ્રકરણમાં સંડોવાયેલા ઇજનેરો, ડે.ઇજનેરો, આસી. ઇજનેર સહિતના ૨૫ અધિકારીઓને નોટીસ ફટકારી ખુલાસો પુછવામાં આવ્‍યો છે.

આ પ્રકરણની તપાસ વિજીલન્‍સ (ટેક) તથા કોર્પોરેશનના વિજીલન્‍સ ડીવાયએસપી આર.બી.ઝાલા દ્વારા કરવામાં આવી હતી.

સ્‍ટોરમાં સીસીટીવી લાગશે

મ્‍યુનિ. કમિશ્નર બંછાનીધિ પાનીએ કૌભાંડ બાદ સ્‍ટોર અને ગેઇટ પર સીસીટીવી મુકાશે. દરેક વાલ્‍વના ફોટોગ્રાફ તંત્રને આપવાના રહેશે. જુનો વાલ્‍વ એજન્‍સીમાં ફરજીયાત જમા કરાવવાનો રહેશે. દરેક વાલ્‍વ મનપાના કર્મચારીને આપવામાં આવશે.

દોષિતો સામે કાર્યવાહી

વાલ્‍વ કૌભાંડ અંગે યોજાયેલ પત્રકાર પરિષદમાં મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્‍યાયે જણાવ્‍યું હતું કે, વાલ્‍વ કૌભાંડમાં કોઇને છાવરવામાં નહિ આવે અને દોષિતો સામે તપાસ કરવામાં આવશે, નિષ્‍પક્ષ તપાસ હાથ ધરાશે.

(3:34 pm IST)