Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

રવીવારે લોકો નિર્ભય બની લોકશાહીના પર્વમાં અચુક મતદાન કરે : EVM માં મત આપ્યા બાદ ''રજીસ્ટર'' બટન ખાસ દબાવશો

મતદારો તેમના મતદાન મથકની જાણકારી મેળવી શકે : ખાસ વેબસાઇટ પણ જાહેર કરાઇ : કલેકટર રેમ્યા મોહનની અપીલ : લોભ-લાલચ વિના મતદારો ભય મુકત બની અવશ્ય મતદાન કરે

રાજકોટ, તા. ૧૯ : રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી અન્વયે તા. ૨૧ મી ફેબ્રુઆરીના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને લઈ રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી રેમ્યા મોહને રાજકોટના શહેરીજનોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર જોડાઈ મતદાન અવશ્ય કરવા અપીલ કરી છે.

જિલ્લા કલેકટરશ્રીએ શહેરી મતદારોને રાજકોટ મહાનગરપાલિકાની યોજાનાર ચૂંટણીમાં કોવીડ - ૧૯ ની માર્ગદર્શિકાને ધ્યાને લઈ સોશીયલ ડીસ્ટન્સની સાથે માસ્ક પહેરી મતદાન અવશ્ય કરવા અને ઈલેકટ્રોનિક વોટીંગ મશીનમાં યોગ્ય ઉમેદવારને મત આપ્યા બાદ રજીસ્ટર બટન દબાવી મતની નોંધણી કરવા અપીલ પણ કરી હતી.

તેમણે આ તકે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા બનાવવામાં આવેલ વેબસાઈટ sec.gujarat.gov.in પરથી મતદારો તેમના મતદાન મથકની જાણકારી મેળવી શકે છે, તેમ જણાવી વધુમાં ઉમેર્યું હતુ કે, આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in તેમજ લીંક  http:// www.rmc.gov.in/rmcwebsite/Election Details.aspx ઉપરથી રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર ઓનલાઈન હેલ્પલાઈનની લીંક તેમજ શહેર ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી, રાજકોટ દ્વારા આ ચૂંટણી માટે મંજુર કરાયેલ વોર્ડ નંબર ૧ થી ૧૮ ના મતદાન મથકોની યાદી પણ જોઈ શકાશે. જેને ધ્યાને લઈ મતદારોને ભયમૂકત બની લોભ - લાલચ વિના યોગ્ય ઉમેદવારને મત આપી લોકશાહીના આ ઉત્સવમાં સહભાગી બનવા અનુરોધ કર્યો છે.

(4:02 pm IST)