Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

કોંગ્રેસના વિરોધ વચ્ચે ગણતરીની મિનીટોમાં બજેટ બહુમતિથી મંજૂર

બજેટની ચર્ચા દરમિયાન ભા.જ.પ.નાં સિનિયર કોર્પોરેટર કશ્યપભાઇએ કોંગી કોર્પોરેટર જાગૃતિબેનનું અપમાન કર્યાનાં આક્ષેપો સાથે... : ખાનગી શાળા-પબ્લિક કંપનીમાં વેરા દર ઘટાડા સહીત તમામ બજેટ દરખાસ્તમાં કોંગ્રેસનો વિરોધઃ ચાલુ બોર્ડે ડખ્ખો થતાં-શાસકોએ ગણત્રીની મિનિટોમાં બજેટ મંજુર કરી દીધું

કોંગ્રેસ -ભાજપ વચ્ચે તુ...તુ... મેં...મેં...   : જનરલ બોર્ડમાં ભાજપનાં કોર્પોરેટર કશ્યપભાઇ શુકલ અને કોંગ્રેસના કોર્પોરેટર જાગૃતીબેન ડાંગર વચ્ચે તુ... તુ... મેં... મેં... નાં દ્રષ્યો સર્જાયા હતાં. તે વખતની તસ્વીરમાં વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા,ગાયત્રીબા વાઘેલા, કમલેશ મીરાણી, ઘનશ્યામસિંહ જાડેજા, અતુલ રાજાણી, વગેરે દર્શાય છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૯ : મ્યુ. કોર્પોરેશનમાં આજે સવારે મળેલા જનરલ બોર્ડમાં બજેટની ચર્ચા દરમિયાન ભાજપના કોર્પોરેટર કશ્યપભાઇ શુકલે કોંગ્રેસના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર માટે અંગત ટીપ્પણી કરી હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસના તમામ કોર્પોરેટરોએ સભા અધ્યક્ષ મેયર બીનાબેન આચાર્યના ડાયસ પાસે ધસી ગયા હતા અને 'આ નારી શકિત તથા કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનું અપમાન કર્યા'ના આક્ષેપો સાથે કોર્પોરેટર કશ્યપભાઇ માફી માંગે તેવી ઉગ્ર માંગ ઉઠાવી અને હોબાળો મચાવતા અધ્યક્ષસ્થાનેથી બજેટ દરખાસ્તો સહિતની તમામ ૧૧ જેટલી દરખાસ્તોને મતદાન ઉપર લઇ ગણતરીની મીનીટોમાં બજેટમાં વિપક્ષના વિરોધ વચ્ચે બહુમતીથી મંજુર કરી દીધું હતું અને બોર્ડની કાર્યવાહી પૂર્ણ કરાઇ હતી.

ત્રણ દરખાસ્તમાં વિપક્ષનો વિરોધ

દરમિયાન વિપક્ષ કોંગ્રેસ ૨૦૧૯-૨૦ તથા ૨૦૨૦-૨૧ની તમામ બજેટની દરખાસ્તોનો અને થિયેટર ટેક્ષ વધારો, ખાનગી શાળા - કોલેજોના વેરા દર ઘટાડા સહિત ત્રણ દરખાસ્તોમાં સત્તાવાર વિરોધ દર્શાવ્યો હતો.

નોંધનીય છે કે, આજે સવારે ૧૧ વાગ્યે મ્યુ. કોપોરેશનનાં વર્ષે ૨૦૨૦-૨૧નાં ૨૧.૩૨ અબજના બજેને બહાલી આપવા માટે મેયર બીનાબેન આચાર્યની અધ્યક્ષતામાં જનરલ બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં ખાનગી શાળાઓ-પબ્લિક કંપનીઓનાં વેરાદરમાં ઘટાડા સહિતની કર દરખાસ્તોને મંજુરી આપવામાં આવી છે. આ બોર્ડમાં શાસકો અને વિપક્ષ વચ્ચે સામસામી આક્ષેપ બાજી કરવામાં આવી હતી.

 મેયરશ્રીએ પ્રસિધ્ધ કરાવેલા એજન્ડામાં રાજકોટ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ ર૦૧૯-૨૦ નું રીવાઇઝડ અંદાજપત્ર તેમજ નાણાંકીય વર્ષ ર૦૨૦-ર૧ નું વાર્ષિક અંદાજપત્ર મંજૂર કરવા, આગામી નાણાંકીય વર્ષ ર૦૨૦-ર૧ માટે સામાન્ય કર અને શિક્ષણ ઉપકર નિયત કરવા, આગામી નાણાંકીય વર્ષ ર૦૨૦-ર૧ માટે પાણી દર નિયત કરવા, આગામી નાણાંકીય વર્ષ ર૦૨૦-૨૧ માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ નિયત કરવા, આગામી નાણાંકીય વર્ષ ર૦૨૦-૨૧ માટે વાહન કર નિયત કરવા, આગામી નાણાકીય વર્ષ ર૦૨૦-૨૧માટે થિયેટર ટેક્ષ નિયત કરવા, આગામી નાણાંકીય વર્ષ ર૦૨૦-૨૧ માટે થિયેટર ટેક્ષ નિયત કરવા, આગામી નાણાકીય વર્ષ ર૦૨૦-૨૧ માટે ખુલ્લા પ્લોટ ઉપરનો ટેક્ષ નિયત કરવા, આગામી નાણાંકીય વર્ષ ર૦૨૦-૨૧ માટે વોટર ટેક્ષ નિયત કરવા, આગામી નાણાંકીય વર્ષ ર૦૨૦-૨૧ માટે કન્ઝર્વન્સી ટેક્ષ નિયત કરવા, આગામી નાણાકીય વર્ષ ર૦૨૦-૨૧ માટે ડ્રેનેજ ટેક્ષ નિયત કરવા, મિલકત વેરામાં વળતર યોજના, ઓનલાઇન પેમેન્ટમાં વળતર આપવા, કાર્પેટ એરીયા આધારીત વેરા-પધ્ધતીના નિયમોમાં ફેરફાર કરવા, નગર પ્રાથમિક સમિતિનું નાણાકીય વર્ષ ર૦૨૦-૨૧નું વાર્ષિક અંદાજપત્ર મંજૂર સહિતની દરખાસ્તોનો નિર્ણય થયો હતો.

(3:01 pm IST)