Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

દારૂની રેલમછેલઃ ત્રણ દરોડામાં ૧૮.૬૧ લાખનો 'માલ' કબ્જેઃ રાજસ્થાનથી જથ્થો મોકલનાર સુધી પોલીસ પહોંચશે કે કેમ?

ક્રાઇમ બ્રાંચે તરઘડીયાના પાટીયેથી રાજસ્થાનના લાલારામ અને રમેશને ૧૭.૨૦ લાખનો દારૂ ભરેલા આઇશર સાથે, કુવાડવા પોલીસે ેટીના પુલ પાસેથી ઉદયપુરના કિશન અને સોનુને ૧.૧૪ લાખનો દારૂ ભરેલા પીકઅપ વાહન સાથે અને માલવીયાનગર પોલીસે ૨૬ હજારનો દારૂ ભરેલી રિક્ષા સાથે દેવપરાના સુનિલને દબોચી લીધોઃ પીકઅપ વાહનમાં ૭ ટીપણાની અંદર બોટલો છુપાવાઇ હતી

ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એસ.વી. પટેલ, કોન્સ. વિક્રમભાઇ લોખીલ, કુવાડવાના કોન્સ. દિલીપભાઇ બોરીચા, મનિષભાઇ ચાવડા, રઘુવીરભાઇ અને માલવીયાનગરના ભાવેશભાઇ ગઢવી, હરપાલસિંહ જાડેજા, દેવાભાઇ ધરજીયાની બાતમી પરથી કાર્યવાહી

રાજકોટ તા. ૧૯: શહેરમાં સમયાંતરે અલગ-અલગ પોલીસ મથકની ટીમો અને ક્રાઇમ બ્રાંચ દ્વારા વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવે છે. મોટે ભાગે આ જથ્થા સાથે રાજસ્થાન-ઉદયપુરના ટ્રકચાલકો, કલીનરોને પકડવામાં આવે છે. લાખોનો દારૂ ઝડપી લેવામાં અને આ 'માલ' છેક રાજસ્થાન તરફથી રાજકોટ સુધી લાવનારા રોટલીયા તો ઝડપાય છે, પરંતુ મોકલનારા કે મંગાવનારા મોટે ભાગે હાથમાં આવતાં નથી. મંગળવારે સાંજે થોડા કલાકોમાં જ ક્રાઇમ બ્રાંચ, કુવાડવા રોડ પોલીસ અને માલવીયાનગર પોલીસે ત્રણ દરોડામાં કુલ રૂ. ૧૮,૬૧,૨૦૦નો દારૂનો જથ્થો ઝડપી લીધો છે. તેમજ વાહનો પણ અલગથી કબ્જે લીધા છે. જેમાં બે વાહનો સાથે રાજસ્થાન-ઉદયપુરના ૪ શખ્સો પકડાયા છે. અન્ય દરોડામાં સ્થાનિક શખ્સ પકડાયો છે. આ દારૂ કોણે મોકલ્યો? કોના સુધી પહોંચાડવાનો હતો? તે તપાસમાં ખુલ્યા પછી રાજસ્થાનના મુખ્ય સપ્લાયર સુધી પોલીસના હાથ પહોંચશે કે કેમ? તે સવાલ છે.

ક્રાઇમ બ્રાંચનો દરોડો

રાજકોટ-અમદાવાદ હાઇવે પર તરઘડીયાના પાટીયા પાસેથી ક્રાઇમ બ્રાંચની ટીમે એમએચ૦૪જેકે-૩૬૬૪ નંબરના આઇશરને પકડી લઇ બે શખ્સો લાલારામ મંગલારામ ચોૈધરી (ઉ.૧૯-રહે. મુકને કા તલા (લીલસર) તા. ચોહટન બાડમેર-રાજસ્થાન) તથા રમેશ મંગલારામ ચોૈધરી (ઉ.૧૯-રહે. બાધા તા. સેડવા જી. બાડમેર રાજસ્થાન)ને પકડી લીધા હતાં. આઇશરમાંથી પોલીસને પાર્ટી સ્પેશિયલ બ્રાન્ડનો ૫૭૩૬ બોટલ દારૂ મળ્યો હતો. જેની કિંમત ૧૭,૨૦,૦૦૦ થાય છે. દારૂ તથા ૯ લાખનું વાહન, મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૨૬,૩૪,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

એસીપી જે. એચ. સરવૈયા, પીઆઇ એચ. એમ.ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એસ. વી. પટેલ, એએસઆઇ જયેશભાઇ શુકલ, હેડકોન્સ. જયેશભાઇ નિમાવત, કોન્સ.વિક્રમભાઇ લોખીલ, જીજ્ઞેશ મારૂ, અમીન ભુલર, હિરેન્દ્રસિંહ પરમાર સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પીએસઆઇ પટેલ, વિક્રમ લોખીલની બાતમી પરથી આ કામગીરી થઇ હતી.

કુવાડવા પોલીસનો દરોડો

કુવાડવા પોલીસે રામપરા બેટી ગામનના નદીના પુલ પાસેથી બાતમી પરથી આરજે૨૭જીસી-૮૭૫૦ નબરની બોલેરો પીકઅપ ગાડી સાથે રાજસ્થાન ઉદયપુરના પલાણાકલા ગામના કિશનલાલ ઉર્ફ સોનુ પ્યારચંદ મેઘવાળ (ઉ.૨૧) અને સુંદરવાસ પ્રતાપનગરના સોનુ હીરાલાલ મેઘવાળ (ઉ.૨૩)ને પકડી લીધા હતાં. આ વાહનમાંથી રૂ. ૧,૧૪,૦૦૦નો ૨૨૮ બોટલ દારૂ મળતાં તે તથા વાહન, મોબાઇલ ફોન, લોખંડના ટીપણા ૭ નંગ મળી કુલ રૂ. ૭,૫૧,૩૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

ચોટીલા તરફથી આવી રહેલા પીકઅપ વાહનમાં લોખંડના ટીપણાઓ ભર્યા હોવાનું અને ટીપણા અંદર દારૂનો જથ્થો હોવાની બાતમી કોન્સ. દિલીપભાઇ બોરીચા, મનિષભાઇ ચાવડા અને રઘુવીર ઇશરાણીને મળતાં એસીપી એસ.આર. ટંડેલ અને પીઆઇ એમ. સી. વાળાની રાહબરીમાં પેટ્રોલીંગમાં રહેલી ટીમના પીએસઆઇ બી. પી. મેઘલાતર, જગમાલભાઇ, દિલીપભાઇ, મનિષભાઇ, નિલેષભાઇ વાવેચા, જયંતિભાઇ વાવડીયા, રઘુવીરભાઇ, શૈલેષગીરી ગોસ્વામી સહિતે આ કામગીરી કરી હતી.

માલવીયાનગર પોલીસનો દરોડો

દેવપરા શાક માર્કેટ પાસે ખોડિયાર શોપ સામે રહેતો સુનિલ ગિરીશભાઇ પરમાર (ઉ.૨૩) સીએનજી રિક્ષા જીજે૦૩એવી-૦૫૩૬માં રૂ. ૨૬૪૦૦નો ૪૮ બોટલ દારૂ રાખી ગોકુલનગર રોડ પરથી નીકળતાં એસીપી જે. એસ. ગેડમ, પીઆઇ એન. એન. ચુડાસમાની રાહબરીમાં પીએસઆઇ જે. એસ. ચંપાવત, એએસઆઇ વેલુભા ઝાલા, દિગ્પાલસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, મશરીભાઇ ભેટારીયા સહિતે ભાવેશભાઇ ગઢવી, હરપાલસિ઼હ જાડેજા અને દેવધાભાઇ ધરજીયાની બાતમી પરથી આ કામગરીી કરી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજાએ દારૂના કેસ શોધી કાઢવા આપેલી સુચના અંતર્ગત ઉપરોકત કાર્યવાહી થઇ હતી.

ઉલ્લેખનિય છે કે બે દરોડામાં કે જેમાં લાખોનો દારૂ જપ્ત કરવામાં સફળતા મળી છે એ દારૂનો મુખ્ય સપ્લાયર કોણ? તેના સુધી પોલીસના હાથ પહોંચશે કે કેમ? ઝડપાયેલા રાજસ્થાની ડ્રાઇવર-કલીનરો પાસેથી આ માહિતી ઓકાવવા પ્રયાસો થઇ રહ્યા છે.

(1:13 pm IST)