Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

રાજકોટમાં ટેન્કરની ટાંકીમાં આગ ભભૂકતા દાઝેલા ઘોઘાના કિરપાલસિંહ ગોહિલનું મોત

૧૫મીએ ડિઝલ ટેન્કરની ટાંકીમાં વેલ્ડીંગ કરાવવા આવ્યા ત્યારે ઉપર ચડી ઢાંકણા ખોલતા હતાં તે વખતે કારીગરે વેલ્ડીંગ કામ ચાલુ કરતાં આગ ભભૂકી ઉઠી'તીઃ માલધારી ફાટક પાસે સોમનાથ ઇન્ડસ્ટ્રીમાં બનાવ બન્યો'તો : સગર્ભા પત્નિ સહિતના સ્વજનોમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૯: માલધારી ફાટકથી કોઠારીયા સોલવન્ટ જતાં સોમનાથ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા શ્રીરામેશ્વર મોટર્સ નામના કારખાને શનિવારે ડિઝલ ટેન્કરની ટેન્કનો વાલ્વ રિપેર કરાવતી વખતે વેલ્ડીંગના તણખાથી આગ ભભૂકતાં ભાવનગરના ઘોઘા નવાગામમાં રહેતાં કિરપાલસિંહ લેરૂભા ગોહિલ (ઉ.વ.૩૫) નામના યુવાન ગંભીર રીતે દાઝી ગયેલ. તેનું આજે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

કિરપાલસિંહ શનિવારે ૧૫મીએ પોતાનું ડિઝલ ટેન્કર લઇને વાલ્વ રિપેર કરાવવા રાજકોટ આવ્યા હતાં. અહિ શ્રી રામેશ્વર મોટર્સ ખાતે વેલ્ડીંગ કામ કરાવવાનું હતું. તેને વેલ્ડીંગ કામના કારીગરે ટેન્કરની ટાંકીના ઢાંકણા ખોલવાનું કહેતાં તે ઉપર ચડ્યા હતાં અને ઢાંકણા ખોલતા હતાં ત્યાં જ કારીગરે વાલ્વ પાસે વેલ્ડીંગ કામ ચાલુ કરી દેતાં તેના સ્પાર્કથી ડિઝલ ટેન્કમાં આગ ભભૂકતાં કિરપાલસિંહ ગંભીર રીતે દાઝી જતાં ધ્રુવ હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલમાં ખસેડાયા હતાં. અહિ આજે મોત નિપજતાં સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

મૃત્યુ પામનાર કિરપાલસિંહ બે ભાઇમાં મોટા હતાં. દોઢેક વર્ષ પહેલા ચેતનાબા સાથે તેમના લગ્ન થયા હતાં. કરૂણતા એ છે કે હાલમાં તેણી સગર્ભા છે અને થોડા દિવસમાં સિમંત પ્રસંગ કરવાનો હતો. આ બનાવથી પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો છે.

હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ જાણ કરતાં આજીડેમના એએસઆઇ વી. બી. સુખાનંદી અને કિરીટભાઇ રામાવતે જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:30 am IST)