Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

નટરાજનગર પાસે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ચાલતાં લક્કી રેસ્ટોરન્ટમાં આગથી ફલેટ ધારકોના જીવ અધ્ધર થઇ ગયા

ગેસનો બાટલો ફાટતાં ભભૂકેલી આગે અનેકને ગભરાવી દીધાઃ ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવીઃ છ ફલેટના બારીના કાચ ફૂટી ગયાઃ એસી યુનિટ, ફર્નિચર, દિવોલમાં ભારે નુકસાનઃ રેસ્ટોરન્ટમાં બધુ જ બળીને ખાકઃ અલગ-અલગ ફલેટમાંથી ૨૦ લોકો જીવ બચાવી ભાગ્યાઃ બાજુની કન્યા છાત્રાલયમાંથી છાત્રાઓ પણ બહાર નીકળી ગઇઃ ફાયર બ્રિગેડે ગેસનો એક ફાટેલો બાટલો સહિત ૭ સિલિન્ડર કબ્જે કર્યાઃ રેસ્ટોરન્ટ સંચાલક પ્રવિણભાઇ પટેલ વિરૂધ્ધ એપાર્ટમેન્ટના રહેવાસીઓની યુનિવર્સિટી પોલીસને લેખિત ફરિયાદ

તસ્વીરમાં રાતે ભભૂકેલી આગનું ભયાનક દ્રશ્ય તથા જ્યાં આગ ભભૂકી હતી એ એપાર્ટમેન્ટ સવારે કેવું દેખાય છે તે અને બળી ગયેલી રેસ્ટોરન્ટની ચીજવસ્તુઓ જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૯ : શહેરના અનેક રહેણાંક ઇમારતોના પાર્કિંગમાં બેરોકટોક ચાલી રહેલા રેસ્ટોરન્ટના કારણે રહેવાસીઓ સતત જોખમ અને ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે ત્યાં યુનિવર્સિટી રોડ પર નટરાજનગર સામે આવેલા સંકલ્પ એપાર્ટમેન્ટની નીચે ચાલતા લક્કી ડાઇનીંગ હોલ રેસ્ટોરન્ટમાં ગેસનો બાટલો ધડાકા સાથે ફાટયા બાદ ભીષણ આગ લાગતા ફલેટ ધારકો અને બાજુની કન્યા છાત્રાલયની છાત્રાઓમાં પણ નાસભાગ મચી ગઇ હતી. જાણ થતા ફાયરબ્રિગેડ સ્ટાફે તાકીદે ચાર ફાયર ફાઇટર સાથે પહોંચી આગને કાબુમાં કરી હતી.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ પર નટરાજનગર સામે આવેલા સંકલ્પ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરમાં સ્થાનિક રહેવાસીઓના વિરોધ હોવા છતાં ચાલી રહેલા લક્કી ડાઇનીંગ હોલમાં રાત્રે ડોમેસ્ટીક ગેસ સીલીન્ડરમાં આગ લાગીને ધડાકા સાથે ફાટતા ફલેટના રહેવાસીઓ તેમજ આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. ફલેટમાં રહેતા ૨૦ જેટલા રહેવાસીઓ અને બાજુમાં આવેલી કન્યા છાત્રાલયની છાત્રાઓ સહિતના લોકો બહાર નીકળી ગયા હતા. બાદ ફલેટ ધારક મણીલાલભાઇ લાલજીભાઇ કંડીયાએ તાકીદે જાણ કરતા ફાયરબ્રિગેડ સ્ટાફ ચાર ફાયર ફાઇટર સાથે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આ સમયે ફલેટ ધારકોના જીવ અધ્ધર થઇ ગયા હતા. જોકે સદનશીબે કોઇ જાનહાની થઇ ન હતી.

આગ એટલી વિકરાળ હતી કે આખુ રેસ્ટોરન્ટ આગમાં ખાક થઇ ગયું હતું. અને બાજુની બે દુકાનોનું ફર્નીચર તેમજ એપાર્ટમેન્ટના છ ફલેટના એસી યુનિટ અને ફર્નીચર, બારીઓના કાચ ફૂટી ગયા હતા અને દીવાલોમાં પણ નુકસાની થઇ હતી. બનાવ વખતે રેસ્ટોરન્ટ સંચાલક પ્રવિણભાઇ પટેલ પણ હાજર હતા. ફાયર બ્રિગેડ સ્ટાફે બે લીક થયેલા એક બાટલો ફાટેલી હાલતમાં મળી કુલ સાત ડોમેસ્ટીક ગેસ સીલીન્ડર કબ્જે કર્યા હતા.

આ બનાવ અંગે ફલેટ ધારકોમાં મણીલાલભાઇ કંડીયા, અરવિંદભાઇ સાનેપરા, હરેશભાઇ ધાનાણી, પ્રવિણભાઇ સોની, પ્રકાશભાઇ વિરમગામા તથા ઘનશ્યામભાઇ પુરોહિત સહિતે લક્કી રેસ્ટોરન્ટમાં લાગેલી આગમાં થયેલી નુકસાની અને તેની કાયદેસરતા અંગે સંચાલક પ્રવિણ પટેલ વિરૂધ્ધ યુનિવર્સિટી પોલીસ મથકમાં લેખીત ફરિયાદ કરી છે. ફલેટ ધારકોએ કરેલી અરજીમાં જણાવ્યું છે કે, અમારા ફલેટ નીચેની દુકાનમાં લક્કી રેસ્ટોરન્ટમાં વપરાતા ડોમેસ્ટીક ગેસ સીલીન્ડરમાં ધડાકો થતા આગ લાગી હતી. આગ લાગતા રેસ્ટોરન્ટના ઉપરના ફલેટમાં એમબીબીએસમાં અભ્યાસ કરતી યુવતી ગભરાઇને દોટ મુકી બહાર નીકળી ગઇ હતી ત્યાં સુધીમાં તેના ફલેટના પડદા એસી બળી ગયા હતા. અન્ય ફલેટ ધારકો જમવાનું પડતુ મુકીને બહાર નીકળી ગયા હતા. આ ઉપરાંત ફલેટની બાજુની કન્યા છાત્રાલયમાંથી છાત્રાઓ પણ બહાર નીકળી ગઇ હતી.

રેસ્ટોરન્ટ સંચાલક પાસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મંજુરી અને લાયસન્સ પણ નથી અને ગંદકી કરીને આરોગ્યને નુકસાન પણ થઇ રહ્યું છે. આ બાબતે ફલેટ ધારકોએ રેસ્ટોરન્ટના સંચાલકને અગાઉ બેથી ત્રણ વખત મૌખીક જાણ કરી હતી પરંતુ તેમણે આ રજુઆતની અવગણના કરી હતી. રેસ્ટોરન્ટના સંચાલકે ફલેટના પાર્કિંગમાં રેકડીઓ અને ટેબલ ખુરશીઓ ખડકી ગ્રાહકોને જમાડવાના ઉપયોગમાં લેતો હોઇ, જેના લીધે ફલેટ ધારકોને મુશ્કેલી થઇ રહી છે.

આગ લાગવાના કારણે લાખોનું નુકસાન થયું હોવાનું જણાવાઇ રહ્યું છે.(૨૧.૧૪)

(1:11 pm IST)