Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

વેરા શાખા લાલઘુમ : ૯૦ મિલ્કતોને તાળા : ૨ મકાન ધારકો નળ વિહોણા

રૂ. ૧ લાખથી વધુનો વેરો નહી ભરનારા બાકીદારો સામે કડક કાર્યવાહી : વેસ્ટ ઝોનમાં ૨ મિલ્કતોનાં નળ કનેકશન પર કરવત ફેરવાયઃ ત્રણેય ઝોનમાં ઝુંબેશાત્મક કાર્યવાહીઃ ૮૬ લાખની આવક : ભકિતનગર સ્ટેશન પ્લોટમાં મકાનની હરરાજી થાય તે પહેલા ૬.૨૭ લાખ ભરી દેવાયા :કલ્પના કોટેજનો બાકી વેરો વસુલવા આજે હરરાજીની કાર્યવાહી હાથ ધરતાની સાથે જ બાકી માંગણાની રકમ ભરી દેવાય

રાજકોટ તા. ૧૮ :  મ્યુ. કોર્પોરેશન દ્વારા  રૂ. ૧ લાખથી વધુનો મકાન વેરો બાકી રાખનારાઓ સામે કડક ઉઘરાણીની ઝૂંબેશ શરૂ થઇ છે. જે અંતર્ગત ટેકસ ઓફીસરો બાકીદારનાં ઘરે રૂબરૂ જઇને વેરો ભરવાની ડીમાન્ડ નોટીસ અપાયા બાદ હવે મીલ્કત જપ્ત અને મીલ્કત સીલ , હરરાજી તથા નળ કનેકશન કપાત કરવાની કાર્યવાહી શરૂ કરાઇ છે. આજે બાકી વેરો વસુલવાની ઝુંબેશાત્મક કાર્યવાહીમાં બપોર સુધી ત્રણેય ઝોનમાં ૯૦ મિલ્કતો સીલ કરી તાળા મારી દેવાયા હતા તેમજ વેસ્ટ ઝોનમાં ૨ મિલ્કતોનાં નળ કનેકશન કપાત કર્યા હતા. આજે ૮૬ લાખની આવક થવા પામી હતી.

આ અંગે વેરા વિભાગનાં અધિકારીઓએ સત્તાવાર માહીતી આપતાં જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ માં ર૬૦ કરોડની મકાન વેરા આવકનો લક્ષ્યાંક નકકી કરાયો છે. લક્ષ્યાંક સિધ્ધી માટે મહાપાલિકાની વેરા વસુલાત શાખાએ તબકકાવાર કડક ઉઘરાણી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

આ માટે સૌ પ્રથમ ૧ લાખનો વેરો બાકી હોય તેવા ૬ હજાર જેટલા બાકીદારોને અલગ તારવીને તેનુ હીટ-લીસ્ટ તૈયાર કરી દેવાયુ હતુ અને વોર્ડવાઇઝ ટેકસ ઇન્સ્પેકટરોને આ લીસ્ટ ફાળવીને રૂ. ૧ લાખથી વધુનો વેરો બાકી રાખનારાઓ બાકીદારોને ત્યાં ઘરે જઇને ડીમાન્ડ નોટીસ આપી વહેલી તકે વેરો ભરી દેવા તાકીદ કરાયેલ.

આમ છતાં વેરો નહી ભરનારાઓની મિલ્કતો સીલ કરવામાં આવી હતી.

સેન્ટ્રલ ઝોનમાં  ૩૩ સીલ

જેમાં આજે સવારથી બપોર સુધીમાં સેન્ટ્રલમાં ૩૩ મીલ્કતો સીલ કરાયેલ. જેમાં મોટા ભાગની કોમર્શિયલ મિલ્કતો સીલ કરાયેલ. જે મીલ્કતો સીલ કરાયેલ તેમાં સખિયા નગર, જામનગર રોડ પર રાઘવ હોલ, ચોખ્ખા વાલા ચેમ્બર્સમાં ૨ દુકાનો, કુબેર કોમ્પલેક્ષ- યાજ્ઞીક રોડ માં ૬ દુકાન, પેલેસ રોડ કુવરજીભાઇ ટાવરનો ૭મો માળ વગેરે સીલ લગાવાયેલ.

વેસ્ટ ઝોનમાં પણ ૩૧ સીલ

વેસ્ટ ઝોનમાં અંબીકા કોમ્પલેક્ષ,  પેરેમાઉન્ટ પાર્ક માં ૯ દુકાનો, ૧૫૦ ફુટ રીંગ રોડ આકાર કોમ્પલેક્ષમાં  ૧ મિલ્કત, તિરૂપતી નગરમાં ૧, સમુઝાદ હોસ્ટેલનું યુનીટ, ઉદય નગરમાં એક દુકાન, તથા વગેરેને સીલ  તથા વોર્ડ નં.૧૧નાં નેહરૂ નગરમાં ૧ મિલ્કત અને વોર્ડ નં.૧૨માં શકિતનગરમાં એક સહિત કુલ ૨ નળ કનેકશનનાં નળ કપાત 

ઇસ્ટ ઝોનમાં ૨૬ સીલ

ઇસ્ટ ઝોનનાં મોરબી રોડ પર ૨ દુકાન, ગ્રીનલેન્ડ ચોકડી મહાશકિત ટ્રાન્સપોર્ટ બિલ્ડીંગમાં ૬ મિલ્કત, પરશુરામ ઇન્ઙ,માં ૨ કારખાના સીલ લગાવાયા હતા.

આ સીલીંગ ઝુંબેશ આસી. કમિશ્નરો શ્રી કગથરા, શ્રી ધડુક, વાસંતીબેનના માર્ગદર્શન અને ડે. કમિશ્નર શ્રી સિંઘની સુચના મુજબ ઇન્સ્પેકટરોએ હાથ ધરી હતી

(3:49 pm IST)