Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

એ ગ્રેડ ગુમાવતા દેરાણી-જેઠાણીને સરકાર ઘરે બેસાડે

ગુજરાતની પ્રથમ નંબરની યુનિવર્સિટી હવે ગ્રેડ વગરની બની ગઇઃ ગર્ભિત ચીમકી અપાયાની ચોમેર ચર્ચા : અનેક સમાધાન છતા નાની નાની બાબતમાં 'અહંમ' ટકરાતા મહત્વના કાર્ય અટકયા... 'જશ' ખાટવા દોટ મુકનારા કુલપતિ-કુલનાયકને વ્યકિતગત ઘઘલાવતા સીન્ડીકેટ સભ્યોઃ નેક સંઘર્ષ સમીતી રચવા સળવળાટઃ રાજકીય નહી પરંતુ શિક્ષણ જગતના લોકોને જોડવા ચાલતું અભિયાન

રાજકોટ, તા., ૧૮: સમગ્ર ગુજરાત રાજયની મોખરાની અને સંશોધન ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરનાર અગાઉ એ ગ્રેડથી સુશોભીત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે  ગ્રેડ વગરની બની ગઇ છે. છેલ્લા એક વર્ષમાં નેકની કામગીરી પ્રત્યે ભારે ઉદાસીનતા જોવા મળી હતી. પરીણામે લાખો વિદ્યાર્થીઓને  અસરકર્તા એ ગ્રેડ છીનવાયો છે.

ર૩ સપ્ટેમ્બરે નેકનું મુલ્યાંકન કરવાની આખરી તારીખ હતી. છતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એપ્લાય  ન થઇ શકી. કમનસીબી તો એ વાતની છે કે ૬ મહિનાનું એક્ષટેન્શન આપવા છતાં યુનિવર્સિટીના ચર્ચીત બનેલા ઝઘડાખોર સતાધીશોના કારણે નેકમાં એપ્લાય ન થઇ શકી. પરીણામે એ ગ્રેડ ગુમાવવાની નોબત આવી. પુસ્તક મેળા, જોબફેર, ફેરવેલ પાર્ટી અને સરકારના પૈસે એક દિવસનું ૩૦ હજાર રૂપીયા લેખે શિક્ષણ મેળવતા અધ્યાપકો જમણ અને જલ્સા જ કર્યા છે.

છેલ્લા એક વર્ષમાં કુલપતિ નીતીન પેથાણી અને કુલનાયક વિજય દેશાણી વચ્ચેનો  તાલમેલ કોઇ ઝઘડાખોર દેરાણી-જેઠાણી જેવો રહયો છે. આ વાતની ગાંધીનગરથી ગોંડલ સુધી સૌ નજીકથી જાણે છે. અનેકવાર બંન્નેને સમજાવટ, ઠપકો આપવા છતાં દેશાણી અને પેથાણી વચ્ચે કોઇ તાલમેલ ન સર્જાતા પરીણામે એ ગ્રેડ ગુમાવ્યો હોવાની  નોબત આવી હોવાનું હવે તો ભાજપના સીન્ડીકેટ સભ્યો અને અગ્રણીઓ જણાવી રહયા છે.

તાજેતરમાં એક લડાયક મીજાજના સીન્ડીકેટ સભ્યએ પેથાણી અને દેશાણીને  એ ગ્રેડ ગુમાવવા બદલ બરોબરના ઘઘલાવી નાખ્યા હોવાનું બહાર આવ્યું છે. બંનેએ પ્રથમ તો આ સીન્ડીકેટ સભ્યો પાસે એ ગ્રેડ ગુમાવવા બાબત નંબર વન અને નંબર ટુ ઉપર ખો આપી હતી. આ સાંભળી ચોંકી ઉઠેલા ભાજપના આગેવાનોએ તો જશ ખાટવા  તો દોટ મુકો છો કહીને બંન્નેનોે બરાબરનો ઉધડો લીધો છે અને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આવુને આવુ વલણ રહયું તો બંન્નેને કુલપતિ પેથાણી અને કુલનાયક વિજય દેશાણીને સરકાર પરત બોલાવી ઘરે બેસાડવાની રજુઆત કરવામાં આવશે.

કોંગ્રેસના અગ્રણી અને ઉચ્ચ શિક્ષણ જગતમાં ચાણકય ગણાતા નિદત બારોટે તાજેતરમાં કુલપતિ પેથાણીને પત્ર પાઠવી જણાવ્યું હતું કે એ ગ્રેડ ગુમાવવામાં તમારી અને સીન્ડીકેટ સભ્યોની ઉદાસીનતા જવાબદાર છે. એ ગ્રેડ જો પરત લાવવામાં નહિ આવે તો ટુંક સમયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નેક સંઘર્ષ સમીતી રચવાની ચીમકી આપી હતી. નિદત બારોટનું જે એલાન હોય તે ચોક્કસ પણે અમલી કરે જ છે તેવી છાપ શિક્ષણ જગતમાં છે. નેક સંઘર્ષ સમીતીમાં ભાજપ કોંગ્રેસ કે કોઇ રાજકીય વ્યકિત નહી પરંતુ પ્રતિભા સંપન્ન વ્યકિતઓને સાથે લેવા હાલમાં વાર્તાલાપ અને સંપર્ક શરૂ કર્યો છે. આવનારા દિવસોમાં પ્રથમ બેઠક મળ્યા બાદ સૌરાષ્ટ્ર કક્ષાનું સંમેલન યુનિવર્સિટી ખાતે બોલાવીને સરકાર અને કુલપતિ, કુલનાયકની નિષ્ફળતા સામે અવાજ ઉઠાવશે અને એ ગ્રેડ લાવવા માટે હકારાત્મક અભિગમ સાથે દિલ્હી સુધી પ્રયાસ કરવામાં આવશે.

(3:48 pm IST)