Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

દિલ્હીની જેમ રાજકોટમાં પણ વિસ્તારવાઇઝ દવાખાનાઃ સર્વે થશે

મ્યુ. કોર્પોરેશનમાં પદાધિકારીઓ અને આરોગ્ય સંસ્થા વચ્ચે બેઠક યોજાઇઃ મોડલ દવાખાનુ બનાવવા સંસ્થાની તૈયારીઃ મેયર બીનાબેન આચાર્યની જાહેરાત

રાજકોટ તા. ૧૮ :.. દિલ્હીમાં જે પ્રકારે સરકાર દ્વારા દરેક નાના-મોટા વિસ્તાર માટે ખાસ અલગથી દવાખાના શરૂ કરાયા છે અને તેમાં વિનામુલ્યે નિદાન-સારવાર થાય છે તે જ પ્રકારે રાજકોટમાં પણ વિસ્તારવાઇઝ દવાખાનાઓ ખોલવા માટે બેંગ્લોરની 'મેડીંગો' નામની આરોગ્ય સંસ્થાએ તૈયારી બતાવી અને આ અંગે આજે મેયર સહિતનાં પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

આ અંગે મેયર બીનાબેન આચાર્યએ વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે, બેંગ્લોરની મેડીંગો નામની સંસ્થાનાં પ્રતિનીધીઓ સાથે આજે બેઠક યોજાઇ તેમાં રાજકોટમાં ૧૦ હજારની વસ્તી વચ્ચે ૧ એવા વિસ્તરવાઇઝ દવાખાનાં શરૂ કરવા અંગે ચર્ચા-વિચારણા થયેલ.

મેયરશ્રીએ વધુમાં જણાવ્યુ હતું કે આ સંસ્થાનં પ્રતિનિધીઓએ જણાવેલ કે તેઓ રાજકોટમાં કેટલી વસતી વચ્ચે ૧ દવાખાનુ હોવુ જોઇએ તેનો વૈજ્ઞાનિક ઢબે સર્વે કરી અને પછી મ્યુ. કોર્પોરેશનને શહેરમાં કેટલા દવાખાના શરૂ કરવા તેનો રીપોર્ટ આપશે.

આ દવાખાનામાં વિસ્તારવાસીઓને તમામ પ્રકારની સારવાર-નિદાનની સુવિધા મળે તેવી વ્યવસ્થા રાખવામાં આવશે આ દવાખાનું કેવુ હશે ? તેનુ એક મોડલ પણ તૈયાર કરી આપવા સંસ્થાએ તૈયારી બતાવી છે.આ બેઠકમાં મેયર બીનાબેન આચાર્ય સાથે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડ, આરોગ્ય સમિતિ ચેરમેન જૈમીન ઠાકર, મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ, ડી. એમ. સી. શ્રી પ્રજાપતિ સહિતનાં પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

(3:47 pm IST)