Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

વિદ્યાર્થીઓના ઘડતરમાં ગુરૂવંદના અને સરસ્વતી વંદનાનું અનેરૂ-અનન્ય મહત્વ

અર્જુનલાલ હિરાણી કોલેજ ઓફ જર્નાલિઝમ એન્ડ પરફોર્મિગ આર્ટસ કોલેજનાં 'વસંતના વધામણા' કાર્યક્રમ યોજાયો

વાસંતી વધામણાઃ વસંતઋતુનાં આરંભે શ્રી અર્જુનલાલ હિરાણી કોલેજ ઓફ જર્નાલિઝમ એન્ડ પરફોર્મિગ આર્ટસ ખાતે માઁ સરસ્વતીનું પૂજન, સંગીત વાદ્યોનું પૂજન અને શાસ્ત્રીય સંગીત કાર્યક્રમો સંપન્ન થયા હતા. આ પ્રસંગે કોલેજનાં પ્રિન્સીપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિગ આર્ટસનાં ડીન ડો.ભારતીબેન રાઠોડ તથા શ્રી અર્જુનલાલ હિરાણી જનકલ્યાણ ટ્રસ્ટનાં મેનેજિંગ ટ્રસ્ટી ડો.વિવેક હિરાનીની ઉપસ્થિતિમાં કોલેજનાં વિદ્યાર્થીઓએ વિવિધ કલાકૃતિઓ રજૂ કરીને વસંતનાં વધામણા કર્યા હતા તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ, તા.૧૮: વસંતોત્સવ એટલે પ્રકૃતિનાં અપ્રતિમ સૌદર્યને પામવાની અને આત્મસાત કરવાની અણમોલ ભેટ. વૈદિક પ્રણાલીમાં ગુરૂવંદના અને સરસ્વતી વંદનાનું અનેરૂ મહત્વ છે. ગુરૂવંદના સાથે વિદ્યાર્થીનાં જીવત ઘડતરનું શિક્ષણ શરૂ થાય છે અને વસંતોત્સવ-માં સરસ્વતીની વંદના સાથે શિક્ષણ પૂર્ણ થાય છે. ભારતીય સંસ્કૃતિની હજારો વર્ષની આ પરંપરા છે અને આ પરંપરાને જીવંત રાખવા શ્રી અર્જુનલાલ હિરાણી કોલેજ પ્રયત્નશીલ રહે છે. ભારતીય સાહિત્યમાં તમામ ઋતુઓનું ગાન થયું છે. તેમાં પણ વસંતગાન એ જીવનમાં વસંતનું આગમન થવા દેવાનો અવસર છે તેમ ડો.વિવેક હિરાનીએ જણાવ્યું હતું. તેઓએ શ્રી અર્જુનલાલ હિરાણી કોલેજ ઓફ જર્નાલિઝમ એન્ડ પરફોર્મિગ આર્ટસ દ્વારા યોજાયેલ 'વસંતના વધામણા' કાર્યક્રમ અંતર્ગત જણાવ્યા સુધી યુનિવર્સિટીના સેનેટર અને શ્રી અર્જુનલાલ હિરાણી જનકલ્યાણ ટ્રસ્ટનાં મેનેજિંગ ટ્રસ્ટી ડો.વિવેક હિરાની ઉપરાંત કોલેજનાં પ્રિન્સીપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિગ આર્ટસનાં ડીન ડો.ભારતીબેન રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.

ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પસ સ્થિત કોલેજનાં મધ્યસ્થ ખંડ ખાતે યોજાયેલ આ સમારોહમાં દીપ પ્રાગટય બાદ કોલેજની આગવી પરંપરા અનુસાર માઁ સરસ્વતી અને સંગીત સાધનોની શ્રદ્વાપૂર્ણ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રિન્સીપાલ ડો.ભારતીબેન રાઠોડે કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ અને પરંપરા એ વિશ્વની તમામ સંસ્કૃતિઓથી પુરાત છે. સાધના, તપ અને યોગની આ સંસ્કૃતિ દૈવી પરંપરામાંથી જન્મી છે. વસંતનું આગમન આ કર્મના તપમાં ઉત્સાહ ભરે છે.

કોલેજ પરિવારે ઉત્સાહભેર રંગોળી અને ફૂલોથી કોલેજ પરિસરને શણગાર્યુ હતું તેમજ કોલેજનાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ પોતાની કલા પ્રસ્તુતિ કરી હતી. ગણપતિ વંદના અને રાગ વસંત પર આધારિત સરસ્વતિ વંદનાથી શરૂ થયેલ આ કાર્યક્રમ અંતર્ગત ગાયનના વિદ્યાર્થીઓએ રાગ માલકૌંસ પર વસંત ઋતુની બંદિશ રજૂ કરી હતી. જયારે તબલા વિભાગનાં વિદ્યાર્થીઓએ સમૂહ તબલાવાદન કરી વાતાવરણને વધુ પુલકિત બનાવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત પરફોર્મિગ આર્ટસના વિદ્યાર્થી શ્રી વિશ્વજિત વાઘેલાએ વસંતને જીવન સાથે વણી લેતું વકતવ્ય આપ્યું હતું.

આ પ્રસંગે ગાયન વિભાગનાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ ચારણી સાહિત્ય સાથે નીલ સરસ્વત્યાષ્ટક રજૂ કરીને ઉપસ્થિત વિશાળ સમૂહનાં મન મોહી લીધા હતા. ઉપરાંત ગાયનના વિદ્યાર્થી -વિદ્યાર્થીનીઓએ ચારણી સાહિત્ય સાથે નીલ સરસ્વત્યાષ્ટક રજૂ કરીને ઉપસ્થિત વિશાળ સમૂહનાં મન મોહી લીધા હતા. ઉપરાંત ગાયનના વિદ્યાર્થી આદિલ મીરે ઋતુગીત ફાગણનો ફાગ ગાઇને વાતાવરણને વસંતમય બનાવ્યું હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત યુવક મહોત્સવમાં કોલેજનાં વિજેતા બનેલા સ્પર્ધકો તેમજ 'કલા ઉત્સવ-૨૦૨૦'માં કલા પ્રસ્તુતિ કરનાર કોલેજનાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને કોલેજનાં મેનેજિંગ ટ્રસ્ટી ડો.વિવેક હિરાની, પ્રિન્સીપાલ ડો. ભારતીબેન રાઠોડ અને કોલેજના પત્રકારત્વ વિભાગનાં અધ્યક્ષ ડો.કાન્તિ ઠેસિયાનાં હસ્તે સર્ટીફીકેટ એનાયત કરીને સન્માન કરાયું હતું.

કાર્યક્રમનાં પ્રારંભે સ્વાગત પ્રવચન ડો.કુમાર પંડયાએ કર્યુ હતું જયારે કાર્યક્રમનું આભારદર્શન ડો.જય સેવકે કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું રસાળ શૈલીમાં સંચાલન ધરાબેન માંકડે સાંભળ્યું હતું.

(3:46 pm IST)