Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

દંડની ચુકવણી વાહન ચાલક માટે સરળ બનશેઃ મશીન પર તમારું ડેબીટ-ક્રેડિટ કાર્ડ થશે સ્વાઇપ

રાજકોટઃ ટ્રાફિક પોલીસે આઇવે પ્રોજેકટની મદદથી ટ્રાફિક નિયમનનો ભંગ કરનારા વાહન ચાલકોને 'ઇ-મેમો' ફટકારવાનું શરૂ કર્યુ ત્યારથી દેકારો મચી ગયો છે. જો કે કોમ્પ્યુટરાઇઝડ સિસ્ટમથી નિયમોનું કડક પાલન કરાવી વાહન ચાલકોની સાન ઠેકાણે લાવવા સિવાય પોલીસ તંત્ર પાસે કોઇ આરો-વારો પણ નહોતો. છેલ્લા કેટલાક વર્ષોથી  ટ્રાફિક સપ્તાહ જાન્યુઆરી માસની શરૂઆતમાં યોજી ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં વાહન ચાલકોમાં ટ્રાફિક સેન્સ કેળવવા માટે ઉત્સાહિત કરવામાં આવતાં હતાં. પરંતુ એક તરફ ટ્રાફિક સપ્તાહની ઉજવણી પુરી થાય અને બીજી તરફ વાહન ચાલકો જાગૃતિ અભિયાનરૂપે મળેલી શીખામણનો ઉલાળીયો કરી દેતાં હતાં. આ વચ્ચે આઇ-વે પ્રોજેકટ વાહનચાલકો કોઇના ઉપર દોષારોપણ ન કરી શકે તેવું નિવડ્યું અને તંત્ર માટે ફળદાયી રહ્યું. હવે ધીમે-ધીમે લોકોમાં ટ્રાફિક નિયમનનું પાલન કરવાની પ્રકૃતિ કેળવાતી થઇ છે. આ વચ્ચે જો કે તંત્ર પણ તેમનો ખ્યાલ રાખવાનું ચુકયું નથી. દંડની ચુકવણી વાહનચાલકો માટે સરળ બને તે માટે એકસીસ અને આઇસીઆઇસીઆઇ બેંક સાથે ટાઇઅપ કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કે જે ૧૦ ઇડીસી (ઇલેકટ્રોનિક ડેટા કેપ્ચર) ફાળવાયા છે. તે પાઇલોટ પ્રોજેકટ અંતર્ગત એકસીસ બેંક સાથે જોડાયેલા છે. આવતા દિવસોમાં વધુ ઇડીસી મશીનો ટ્રાફિક બ્રાંચને ફાળવવામાં આવશે. આ મશીન શહેરના જુદા-જુદા દસ ક્ષેત્રોમાં ફરજ બજાવતાં હેડકોન્સ્ટેબલ અને એએસઆઇ દરજ્જાના કર્મચારીઓને આપવામાં આવ્યા છે. હવેથી જે કોઇ વાહનચાલકને દંડની રશીદ મળી હોય તે વાહન ચાલકને ટ્રાફિક ઓફિસ કે પોલીસ કમિશનર ઓફિસ સુધી ધક્કો થશે નહિ. તેઓ એટીએમ ડેબીટ-ક્રેડિટ કાર્ડ મારફત પોતાનો દંડ સ્થળ પર ચુકવી શકશે અથવા નજીકના ટ્રાફિક કર્મચારી કે જેમની પાસે ઇડીસી મશીન ઉપલબ્ધ હોય તેને ચુકવી શકશે. આજે તા. ૧૮મીના પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, ડીસીપી રવિમોહન સૈનીને આવા મશીનો ટ્રાફિક બ્રાંચને ફાળવ્યા હતાં. જે અંતર્ગત એસીપી પી. કે. દિયોરા અને પીઆઇ એસ. એન. ગડ્ડુએ કેશલેસ મશીનોનું નિદર્શન કર્મચારીઓ સમક્ષ કર્યુ હતું.

(3:45 pm IST)