Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

રાજીવનગરમાં પ્રેમિકાના સ્વજનોએ ધમકાવતાં આરીફ ફિનાઇલ પી ગયો

ધ્રોલની ત્યકતા સાથે પ્રેમ છેઃ તેણી રાજકોટ આવી જતાં સ્વજનો ઉશ્કેરાયા

રાજકોટ તા. ૧૮: બજરંગવાડી પાસે રાજીવનગરમાં રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં આરીફ ગુલાબભાઇ મીરા (ઉ.૨૯)એ જામનગર રોડ રેલ્વે કોલોની પાસે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ જાણ કરતાં ગાંધીગ્રામના હેડકોન્સ. ખોડુભા જાડેજાએ તેનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી. આરીફના કહેવા મુજબ તેને ધ્રોલની મુસ્લિમ ત્યકતા સાથે પ્રેમ છે અને બંને શાદી કરવા ઇચ્છે છે. ગઇકાલે જ પ્રેમિકા ધ્રોલથી રાજકોટ પોતાની સાથે આવી ગઇ હતી. આ કારણે તેણીના માવતર પક્ષના લોકો રોષે ભરાયા હતાં અને ફોન પર ધમકાવતાં પોતે ગભરાઇ જતાં ફિનાઇલ પી ગયો હતો.

ગીતાબેન સાબુનું  લિકવીડ પી ગયા

ભાવનગર રોડ પર રાજમોતી મીલ પાસે અંબિકા સોસાયટીમાં રહેતી ગીતા હસમુખભાઇ મકવાણા (ઉ.૩૫) માનસિક અસ્વસ્થતાને કારણે સાબુનું લિકવીડ પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં થોરાળા પોલીસને જાણ કરાઇ હતી.

રસિલાબેનને પતિ અને પતિના મિત્રોએ માર માર્યો

મહાત્મા ગાંધી પ્લોટ-૩માં રહેતી રસિલાબેન (રાધીકાબેન) મહેન્દ્ર મકવાણા (ઉ.૩૨)ને પારેવડી ચોકમાં પતિ અને પતિના મિત્રો પંકજ બારોટ તથા ગુગાએ મારકુટ કરતાં સિવિલમાં દાખલ કરવામાં આવતાં બી-ડિવીઝનમાં જાણ કરાઇ હતી. રસિલાબેનના કહેવા મુજબ પતિ રાતે ઘરે ન આવ્યો હોઇ આ બાબતે તેને પુછતાં તેણે મિત્રો સાથે મળી મારકુટ કરી હતી. મિત્રો તેને અવાર-નવાર સાથે લઇ જતાં હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.

(3:34 pm IST)