Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

ત્રણ મહિના સુધી પ્રેમીના રોલમાં રહેલો સિક્કા ગામનો પ્રકાશ હવે બળાત્કારનો આરોપી બન્યો!

રાજકોટ પોતાના બહેનના પડોશમાં રહેતી સગીરા સાથે વ્હોટ્સએપ ચેટીંગ, વિડીયો કોલીંગ, પ્રેમલા પ્રેમલીની વાતો કરી લગ્નના વચનો આપ્યા ને છેલ્લે શરીર સંબંધો બાંધતા ગુનો નોંધાયોઃ ધરપકડ

રાજકોટ તા. ૧૮: શહેરમાં અવાર-નવાર એવા કિસ્સા સામે આવે છે જેમાં સગીરાઓને પ્રેમજાળમાં ફસાવી તેનું સર્વસ્વ લૂંટી લેવામાં આવે છે. પોલીસ સુધી મામલો પહોંચ્યા પછી આવા કેસમાં પોકસો, બળાત્કાર સહિતની કલમો હેઠળ નિયમો મુજબ કાર્યવાહી થતી રહે છે. એ પછી અમુક સમય સુધી પ્રેમી બનીને રહેનારા શખ્સોને ત્યારબાદ કાયદાના ગાળીયામાં ફસાતાં બળાત્કાર સહિતના ગંભીર ગુનામાં જેલમાં જવાની નોબત આવે છે. આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં જામનગરના સિક્કા ગામના  પ્રકાશ ગીરધરભાઇ ડોડીયા (ઉ.વ.૨૩) નામના યુવાનને રાજકોટની એક સગીરા સાથે પ્રેમ થઇ ગયા બાદ ત્રણ મહિના સુધી તેની સાથે ફોનમાં વાતો, વ્હોટ્સએપ ચેટીંગ, વિડીયો કોલીંગ કરી પ્રેમીનો રોલ નિભાવ્યો હતો. એ દરમિયાન સગીરાને લગ્નની લાલચ દઇ ત્રણ વખત શરીર સંબંધ બાંધી લીધો હતો. મામલો પોલીસમાં પહોંચતા આ પ્રેમી લોકઅપમાં પહોંચ્યો હતો.

મહિલા પોલીસ મથકના ઇન્ચાર્જ દ્વારા ભોગ બનનાર સગીરાના માતાની ફરિયાદ પરથી પ્રકાશ ડોડીયા વિરૂધ્ધ આઇપીસી ૩૭૬ (૨) (જે) (એન) તથા પોકસોની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. ફરિયાદીએ જણાવ્યું છે કે મારી સત્તર વર્ષની દિકરીનો પચ્ચીસ દિવસ પહેલા જન્મ દિવસ હતો. તેની બહેનપણી સહિતના બહાર ગયા હતાં. એ દરમિયાન તેણીની બહેનપણીએ મારા દિકરાને વાત કરી હતી કે તમારી બહેનને સિક્કા ગામના પ્રકાશ ડોડીયા સાથે પ્રેમસંબંધ છે, પ્રકાશ રાજકોટ તેની બહેનના ઘરે આવતો હોઇ જેથી તમારી બહેન સાથે ઓળખાણ થઇ હતી. આ પછી અમારી દિકરીને અમે પુછતાં પહેલા તો તેણે કંઇ જ નહિ હોવાનું કહ્યું હતું. એ પછી રડતા રડતાં વાત જણાવી હતી.

તેણીએ કહ્યું હતું કે ત્રણેક માસથી અમે ફોનમાં વાતચીત, વ્હોટ્સએપ ચેટીંગ અને વિડીયો કોલીંગ કરીએ છીએ. અમારી વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. પ્રકાશ રાજકોટ તેના બહેનના ઘરે આવતો હોઇ તેના બહેન નોકરીએ જતાં હોઇ એ વખતે તે ઘરે બોલાવતો હતો અને લગ્ન કરવા માંગતો હોવાનું કહેતો હતો. એક વખત બંનેની સહમતિથી શરીરસંબંધ બંધાયો હતો. એ પછી પ્રકાશે આ સંબંધ બંધાયાની કોઇને વાત નહિ કરવા કહ્યું હતું અને ઉમર અઢાર વર્ષની થાય પછી લગ્ન કરી લેવા કહ્યું હતું. કુલ ત્રણ વખત આવી લાલચ આપી શરીર સંબંધ બાંધી લીધા હતાં.

દિકરીની આ કેફીયત બાદ માતાએ પોલીસ મથકે પહોંચી જાણ કરતાં ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમની રાહબરીમાં પીઆઇ એસ.આર. પટેલ, પીએસઆઇ એન. બી. ડાંગર, શૈલેષભાઇ ખીહડીયા, દિવ્યાબેન એવીયા, હસમુખભાઇ બાલધા સહિતે આરોપીની ધરપકડ કરી છે.

(1:00 pm IST)