Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

પાસામાં ધકેલાયેલા નામચીન જમાલ મેતરે સાચવવા આપેલા પિસ્તોલ-કાર્ટીસ સાથે રવિ ખેરૈયા પકડાયો

મનહરપ્લોટના રજપૂત શખ્સને ગાંધીગ્રામ પોલીસે લોકો કોલોની પાસેથી દબોચ્યો

રાજકોટ તા. ૧૭: જામનગર રોડ પર રેલ્વે લોકો પાયલોટ કોલોનીના ગેઇટ પાસેથી ગાંધીગ્રામ પોલીસે મનહરપ્લોટ-૬ મંગળા રોડ પર ભુપેન્દ્રવિલા ખાતે રહેતાં અને ડ્રાઇવીંગ કરતાં રવિ ભુપતભાઇ ખેરૈયા (રજપૂત) (ઉ.૨૩)ને રૂ ૧૦ હજારની દેશી બનાવટની પિસ્તોલ અને બે કાર્ટીસ સાથે પકડી લઇ રૂ ૫૦૦૦નો ફોન પણ કબ્જે લીધો છે. રવિએ પોતાને આ હથીયાર-કાર્ટીસ તાજેતરમાં ભકિતનગર પોલીસે જેના પાસા વોરન્ટની બજવણી કરી એ નામચીન જમાલ મેતરે સાચવવા આપ્યાનું કબુલ્યું છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરવા અને કેસો શોધી કાઢવા સુચના આપી હોઇ પીઆઇ કે. એ. વાળા, પીએઅસાઇ એમ. બી. જેબલીયા, હેડકોન્સ. ખોડુભા જાડેજા, કોન્સ. સંજયભાઇ કુમારખાણીયા, ભરતભાઇ, દિવ્યરાજસિંહ જાડેજા, ગોપાલભાઇ પાટીલ સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે પીએસઆઇ એમ. બી. જેબલીયાની બાતમી પરથી આ કામગીરી થઇ હતી. ઝડપાયેલો રવિ અગાઉ કોઇ ગુનામાં સંડોવાયો છે કે કેમ? હથીયાર ખરેખર કોણે આપ્યું? તે સહિતના મુદ્દે તપાસ કરવાની હોઇ રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.

(1:00 pm IST)