Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

પોલીસના લાઠીચાર્જના વિરોધમાં રાજકોટ યાર્ડ સજ્જડ બંધ

મચ્છર દુર કરવાની કામગીરી શરૂ થનાર છે ત્યારે ખેડુતોના હિતમાં વેપારીઓ અને મજુરોએ હડતાલ સમેટી લેવી જોઇએઃ આજે યાર્ડના વેપારીઓ અને મજુરોની મીટીંગ બોલાવાશેઃ યાર્ડના ચેરમેન ડી.કે.સખીયા

તસ્વીરમાં યાર્ડના વેપારીઓએ સજ્જડ બંધ પાડયો હતો તે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે તે દ્રશ્યમાન થાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૧૮:  રાજકોટની ભાગોળે આવેલ બેડી માર્કેટયાર્ડ પાસે આજી ડેમના કારણે મચ્છરોના ઉપદ્રવથી ત્રસ્ત વેપારીઓએ  ગઇકાલે રસ્તા રોકો આંદોલન કરતા પોલીસે લાઠીચાર્જ કરતા તેના વિરોધમાં આજે યાર્ડના વેપારીઓએ સજ્જડ બંધ પાડી આક્રોશ વ્યકત કર્યો હતો. બીજી બાજુ યાર્ડના ચેરમેન વેપારીઓનું આંદોલન સમેટવા આજે વેપારીઓ અને મજુરોની મીટીંગ બોલાવી છે.

રાજકોટ (બેડી યાર્ડ) નજીક પસાર થતા ગટરના પાણીના કારણે મચ્છરોનો ભારે ઉપદ્રવ થવાથી ખેડૂતો, વેપારીઓ અને મજુરો ત્રાહીમામ પોકારી ગયા છે. આ મામલે સંબંધક તંત્રવાહકોને રજુઆત કરવા છતા કોઈ કાર્યવાહી કરાઈ ન હતી. જિલ્લા પંચાયત અને કોર્પોરેશનનું તંત્ર આ પ્રશ્ને એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે. મચ્છરોના ઉપદ્રવ મામલે કોઈ કાર્યવાહી ન કરાતા વેપારી એસોસીએશનને સોમવારથી હડતાલની ચિમકી આપી હતી. ત્યાર બાદ વેપારીઓ અને મજુરોએ રસ્તા રોકો આંદોલન કરતા પોલીસે લાઠીચાર્જ કરતા અફડાતફડી મચી ગઇ હતી.

દરમિયાન કમિશન એજન્ટ એસોસીએશનના પ્રમુખ અતુલ કમાણીએ લાઠીચાર્જના  વિરોધમાં તથા મચ્છરોના ઉપદ્રવ પ્રશ્ને રાજકોટ યાર્ડની અચોક્કસ મુદતનું બંધનું એલાન આપ્યું છે. તે અંતર્ગત આજે રાજકોટ યાર્ડ સજ્જડ બંધ રહયું હતું અને વિવિધ જણસીઓની હરરાજી અટકી પડી હતી. યાર્ડ બંધ રહેતા કરોડોનું નુકકશાન થયું છે.

રાજકોટ યાર્ડના ચેરમેન ડી.કે.સખીયાએ જણાવ્યું હતું કે, યાર્ડની બાજુમાં આજીડેમમાં વેલના કારણે થતા મચ્છરોના ઉપદ્રવનો મામલો કલેકટર તંત્રએ હાથ ઉપર લીધો છે અને ટુંક સમયમાં મચ્છરો દુર કરવાની કાર્યવાહી શરૂ થનાર છે ત્યારે ખેડુતોના હિતમાં મજુરો અને વેપારીઓએ આંદોલન સમેટી લેવું જોઇએ. આજે યાર્ડના વેપારીઓ અને મજુરોની મીટીંગ બોલાવવામાં આવશે  તેમાં આંદોલન સમેટવા અંગે ચર્ચા કરવામાં આવશે.

(11:59 am IST)