Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

મચ્છરોને કારણે બેડી માર્કેટ યાર્ડના આગેવાન, વેપારી, મજૂરો મળી ૩૨ની ધરપકડઃ રાત પોલીસ લોકઅપમાં વીતાવવી પડી

હેડકોન્સ. જગમાલભાઇ ખટાણાની ફરિયાદ પરથી ૩૦૦ના ટોળા સામે રાયોટીંગ, ફરજમાં રૂકાવટનો ગુનો : ટોળાએ રોડ પર બેસી ચક્કાજામ કર્યોઃ પોલીસે માઇકથી ચેતવણી આપી છતાં ન સમજ્યાઃ હળવો લાઠીચાર્જ થતાં પોલીસ પર પથ્થરમારો કર્યો'તો

રાજકોટ તા. ૧૮: બેડી યાર્ડના વેપારીઓ, મજૂરો, ખેડુતો બાજુમાં આવેલા વોંકળામાંથી આવતાં મચ્છરોને કારણે ત્રાહીમામ પોકારી ગયા હોઇ બે વર્ષથી રજૂઆતો કરવા છતાં પ્રશ્ન ઉકેલાતો ન હોઇ ગઇકાલે કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલ કમાણીની આગેવાનીમાં ૩૦૦ જેટલા વેપારીઓ, ખેડુતો, મજૂરોએ મળી બેડી યાર્ડ બહાર રોડ પર ટાયરો સળગાવી ચક્કાજામ કર્યા હતાં. પોલીસે બધાને વિખેરાઇ જવા સુચના આપતાં અને સમજાવતાં ટોળાએ ઉશ્કેરાઇ જઇ પોલીસ પર પથ્થરમારો કરતાં પોલીસે પણ બળપ્રયોગ કર્યો હતો. જેમાં પાંચ પોલીસમેન અને સામે વેપારીઓ, મજૂરો, ખેડુતોને ઇજાઓ પહોંચી હતી. આ મામલે ૩૦૦ના ટોળા સામે ગુનો નોંધી ૩૨ની ધરપકડ કરવામાં આવી છે. આ તમામને કોર્ટ હવાલે કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

બનાવ સંદર્ભે કુવાડવા પોલીસ મથકમાં હેડકોન્સ. જગમાલભાઇ નાજાભાઇ ખટાણાની ફરિયાદ પરથી અતુલ કમાણી, જય સખરેલીયા, વલ્લભ પાંચાણી, કલ્પેશ  ગોવાણી, કિર્તી રાજવીર, પરેશ ગોેહલ સહિત ૩૦૦ જણા સામે આઇપીસી ૧૪૩, ૧૪૭, ૧૮૬, ૩૩૨, ૩૩૭, ૩૪૧ મુજબ ગેરકાયદે મંડળી રચી હાઇવે બંધ કરી પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને ફરજમાં રૂકાવટ કરી પોલીસ પર પથ્થરમારો કરવા સબબ ગુનો નોંધ્યો છે.

જગમાલભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે અમે સોમવારે ૧૭મીએ સવારે અગિયારેક વાગ્યે પોલીસ મથકે હતાં. આશરે પોણા વાગ્યે વર્દી આવી હતી કે મોરબી હાઇવે પર બેડી યાર્ડ બહાર અમુક માણસો રોડ પર બેસી ચક્કાજામ કરી રહ્યા છે. આથી હું તથા કોન્સ. જયંતિભાઇ ખાનગી વાહનમાં પહોંચતા ત્યાં ૩૦૦ જેટલા લોકો કમિશન એજન્ટ એસો.ના પ્રમુખ અતુલ કમાણી સહિતની આગેવાનમાં બેઠેલા જોવા મળ્યા હતાં. આ બધાને હું યાર્ડમાં અવાર-નવાર જોતો હોવાથી ઓળખતો હતો. યાર્ડમાં મચ્છરોનો ત્રાસ હોઇ તે બાબતે આ લોકો વિરોધ કરી રહ્યા હતાં.

આ પછી પીઆઇ, પીએસઆઇ સહિતનો કાફલો પણ આવી ગયો હતો અને વિરોધ પ્રદર્શન કરી રહેલા તમામને સમજાવ્યા હતાં અને રસ્તો ખુલ્લો કરી આંદોલન સમેટી લેવા સમજાવટ કરી હતી. પરંતુ આગેવાનો અને ટોળાના લોકો હટ્યા નહોતાં. ઉલ્ટાના પોલીસ કાફલા સાથે ધક્કામુક્કી કરવામ ાંડ્યા હતાં. આથી પોલીસે માઇકથી આ બધાને હટી જવા ચેતવણી આપી હતી. આમ છતાં આ લોકો હટ્યા નહોતાં. ટોળુ કાબુમાં રહે તેમ ન હોઇ પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આથી ટોળામાં ભાગાભાગી થઇ ગઇ હતી. અડધુ ટોળુ રોડ સાઇડમાં અને અડધુ યાર્ડના ગેઇટ તરફ ભાગ્યું હતું. તેમજ ટોળામાંથી પોલીસ પર પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. ટોળામાંથી લોકો અને આગેવાનો પોલીસ પર પથ્થરમારો કરતાં હતાં. જેમાં કોન્સ. જયંતિભાઇ વાવડીયા, મયુરભાઇ પટેલને અને મને ઇજા પહોંચી હતી. અમને  ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતાં.

આ ગુનામાં ડીસીપી રવિમોહન સૈની, એસીપી એસ.આર. ટંડેલની રાહબરીમાં પીઆઇ એમ. સી. વાળા, હિતેષભાઇ ગઢવી, હરેશભાઇ સહિતે કમિશન એજન્ટ એસો.ના  પ્રમુખ સહિત ૩૨ની ધરપકડ કરી હતી. આ તમામને મચ્છરોના કારણે રાત પોલીસ મથકમાં વીતાવવાની વેળા આવી હતી.

જેની ધરપકડ કરવામાં આવી હતી તેમા કુવાડવા પોલીસે આ ગુનામાં હસમુખ વશરામભાઇ ગોહેલ (યાર્ડમાં નોકરી-ઉ.૪૩-રહે. મોટી ચણોલ પડધરી), રાજેશ શામજીભાઇ પટેલ (ઉ.૪૦-ખેતી, રહે. ન્યારા તા. પડધરી), ભરત જાદવભાઇ જખવાડીયા (ઉ.૪૦-ડ્રાઇવીંંગ,રહે. કોંઢ તા. ધ્રાંગધ્રા), કિર્તીભાઇ મગનલાલ રાજવીર (ઉ.૫૫-યાર્ડમાં નંદનવન એન્ટરપ્રાઇઝ, રહે. કોટેચા ચોક નાલંદા સોસાયટી-૧/૩), જય કિશનભાઇ પટેલ (ઉ.૩૧-યાર્ડમાં અમૃત ટ્રેડિંગ પેઢી, રહે. જીવનદિપ સોસાયટી અમીન માર્ગ), વલ્લભભાઇ કરમશીભાઇ પાયાણી (પટેલ) (ઉ.૫૪-યાર્ડમાં કમિશન એજન્ટ, રહે. ગુલમહોર રેસિડેન્સી સાધુ વાસવાણી રોડ), મેહુલ રમેશભાઇ સોજીત્રા (ઉ.૨૫- યાર્ડમાં રામકૃપા એન્ટરપ્રાઇઝ, રાજલક્ષ્મી સોસાયટી મોરબી રોડ), કલ્પેશ જેન્તીભાઇ ગોવાણી (ઉ.૩૯-યાર્ડમાં એમપીએમસીમાં નોકરી, રહે. જનકપુરી સોસાયટી સાધુ વાસવાણી રોડ), સામત ઉકાભાઇ મકવાણા (ઉ.૬૩-યાર્ડમાં છુટક મજૂરી, રહે. એ-૪૦, મંછાનગર), બાબુલાલ અમરારામ જાની (જાટ) (ઉ.૪૨- રહે. બેડી યાર્ડમાં પૂજારા દૂકાન નં. એ-૬), ગુસાઇરામ ચેતનરામ જવુ (જાટ) (ઉ.૫૨-મજૂરી, રહે. બેડી યાર્ડ પૂજારા દૂકાન), ચના રવજીભાઇ ખુંટ (ઉ.૫૮-યાર્ડમાં મજુરી, રહે. મોરબી રોડ ઇન્દ્રપ્રસ્થ-૧), લાલજી નાથાભાઇ પરમાર (ઉ.૨૧-યાર્ડમાં મજૂરી, રહે. ગોકુલનગર આવાસ કવાર્ટર), દિપક દેવરાજભાઇ ગજેરા (ઉ.૪૫-પ્રાઇવેટ નોકરી, રહે. નંદુબાગ-૪), ભજવાનરામ ઠાકરારામ જાની (ઉ.૫૦-મજૂરી, યાર્ડ દૂકાન નં. એ-૭૦ બેડી), કમિશન એજન્ટ એસો.ના પ્રમુખ અતુલ કેશવજીભાઇ કમાણી (ઉ.૪૦-વેપાર, રહે. નિલમાધવ-૧ મોરબી રોડ), રોહિત હેમતરામ મુંગરા (ઉ.૨૧-વેપાર-રહે. મોરબી રોડ આસ્થા વેન્ટીલા), ડુંગરારામ શકારારામ ડાડા (ઉ.૪૪-મજૂરી, રહે. પૂજારા બ્રધર્સ દુકાન બેડી યાર્ડ), નરેશ દાનાભાઇ સિંધવ (ઉ.૩૨-બીસીઆઇ ઓફિસમાં નોકરી, રહે. ભુપગઢ જસદણ), પરેશ શામજીભાઇ ગોહેલ (ઉ.૫૦-મજૂરી, રહે. જુનો મોરબી રોડ જય જવાન જય કિસાન-૧), ચુનારામ લુંબારામ જાની (ઉ.૩૨-મજૂરી, રહે. બેડી યાર્ડ દુકાન નં. બી-૧૩), જીજ્ઞેશ નારણભાઇ લાલચેતા (ઉ.૩૭-કમિશન એજન્ટ, રહે. ગાંધીગ્રામ અક્ષરનગર-૩), સંજય ઠાકરશીભાઇ વઘાસીયા (ઉ.૪૦-મજૂરી, રહે. ઉમિયા એન્ટરપ્રાઇઝ બી-૭૨ મારૂતિનગર-૪), ચુનારામ મુનારામ ચોૈધરી (ઉ.૩૨-મજૂરી, રહે. યાર્ડમાં સાગર એગ્રો પાસે), રાજેશ ધનજીભાઇ સોરઠીયા (ઉ.૩૮-એકાઉન્ટન્ટ, રહે. રણછોડનગર), સીમારામા હરચંદરામ ચોૈધરી (ઉ.૧૯-મજુરી, રહે. બેડી યાર્ડ અંબિકા ટ્રેડીંગ), રમેશ મુળજીભાઇ વરસાણી (ઉ.૪૯-ખેતી, રહે. બેડી), હરિ ગેલાભાઇ ભરવાડ (ઉ.૨૫-મજૂરી, રહે. મંછાનગર જુના યાર્ડ પાછળ), માલરામ ધર્મેન્દ્રરામ ચોૈધરી (ઉ.૩૦-યાર્ડમાં મજૂરી, રહે. એશિયાન ફૂડ ગોડાઉન મુળ રાજસ્થાન), રમેશ કાબાભાઇ સાવલીયા (ઉ.૫૧-યાર્ડમાં તોલની મજૂરી, રહે. મોરબી રોડ રંગોલી બેકરી પાસે, મુળ આટકોટ) તથા વસંત માનસિંગ સોલંકી (ઉ.૫૧-લસણનો વેપાર, રહે. પડધરી મારૂતિ હોટેલ પાછળ)નો સમાવેશ થાય છે.

આ તમામને બપોરે કોર્ટમાં રજૂ કરવા તજવીજ કરવામાં આવી હતી. પીઆઇ એમ. સી. વાળા અને સ્ટાફ વિશેષ તપાસ કરે છે.

(11:58 am IST)