Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

ખીજડાવાળા રોડ પર દારૂની મહેફિલમાં દરોડોઃ ડખ્ખો કરી બે આરોપીઓને ભગાડી જવાયા

પૃથ્વીરાજસિંહ ઉર્ફ કાનો ડાભી નશો કરેલો મળ્યોઃ સિધ્ધરાજસિંહ, ધવલ પાનવાળો ભાગ્યાઃ તેને ભગાડવા સબબ સંજયસિંહ અને યુવરાજસિંહ સહિતના સામે ગુનો

રાજકોટ તા. ૧૯: માયાણીનગર પાસે ખીજડાવાળા રોડ પર ખોડિયાર પાનની દૂકાન પાસે દારૂની મહેફિલ જામી હોવાની બાતમી પરથી માલવીયાનગર પોલીસે દરોડો પાડતાં ત્રણ શખ્સ દારૂ પીતા મળ્યા હતાં. આ ત્રણેય સામે કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે બીજા ચાર શખ્સો આવ્યા હતાં અને પોલીસ સાથે માથાકુટ કરી મહેફીલમાં પકડાયેલા ત્રણ પૈકી બેને ભગાડી ગયા હતાં. આ મામલે પોલીસે બે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસે દરોડો પાડી પૃથ્વીરાજસિંહ ઉર્ફ કાનો અજીતસિંહ ડાભી (ઉ.૨૭-રહે. ગિરનાર સોસાયટી-૧) તથા સિધ્ધરાજસિંહ ઉદયસિંહ સોલંકી (રહે. રામધણ આશ્રમ પાસે) અને ધવલ પાન વાળાને દારૂની મહેફીલ કરતાં પકડી લઇ ૨૦૦ મીલી જેટલુ કેફી પ્રવાહી અને ગ્લાસ તથા બાઇટીંગ કબ્જે કર્યુ હતું. આ ત્રણેય સામે કાર્યવાહી ચાલુ હતી ત્યારે સંજયસિંહ ભાવસિંહ ડાભી અને યુવરાજસિંહ ભરતસિંહ ડાભી તથા બે અજાણ્યા શખ્સોએ આવી પોલીસની કાર્યવાહીમાં ડખલ કરી અવરોધ ઉભો કર્યો હતો અને માથાકુટ કરી સિધ્ધરાજસિંહ તથા ધવલ પાનવાળાને ભગાડી ગયા હતાં અને પોતે પણ ભાગી ગયા હતાં.

આ મામલે દારૂની મહેફીલનો અને પોલીસ કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવાનો ગુનો નોંધાયો છે. પી.આઇ. એન. એન. ચુડાસમાની રાહબરીમાં પીએસઆઇ આર. એ. જાડેજા, કુલદીપસિંહ, ભાવેશભાઇ, ભાવીનભાઇ, મયુરસિંહ, દિલીપસિંહ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે આ કામગીરી થઇ હતી. ભાગી ગયેલા અને ભગાડી જનારાઓની શોધખોળ થઇ રહી છે.

(4:03 pm IST)