Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

શુક્રવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતનો પ્રથમ મનોવિજ્ઞાન મેળાનું આયોજન

રાજકોટ, તા., ૧૯: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ગુજરાતમાં સૌ પ્રથમવાર મનોવિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન પરીવારે તા.રરને શુક્રવારે મનોવિજ્ઞાન મેળો સવારે ૧૧ થી સાંજના ૬ વાગ્યા સુધી મુખ્ય રંગમંચના પટાંગણમાં મેળો યોજાશે. ગુજરાતમાં મનોવિજ્ઞાન મેળો પ્રથમ હોવાથી વિદ્યાર્થીઓ અને અધ્યાપકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. મેળાનું ઉદઘાટન કુલપતિ ડો.નિતીનભાઇ પેથાણી તથા કુલનાયક ડો.વિજયભાઇ દેશાણી કરશે. મનોવિજ્ઞાન મેળાથી મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓને મનો વિજ્ઞાન વિષયમાં વ્યવસાયીક ક્ષેત્રો કયાં કયાં છે અને કઇ રીતે તે વ્યવસાયમાં જોડાય શકે તેના વિશે દ્વારકા કોલેજના અધ્યાપકો ડો.ભાવેશ લોઢીયા માહીતી આપશે. મનોવિજ્ઞાનના જુદા જુદા શિક્ષણ, સ્મરણ અને સાયન્સ સમસ્યાને સંબંધીત પ્રયોગો છે તેના વિશેની સમજ મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ અને શિક્ષણશાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવશે. મનોવૈજ્ઞાનીક કસોટીઓનું નિદર્શન, મનોવૈજ્ઞાનીક રોગોના સંદર્ભમાં જુદા જુદા ચાર્ટનું પ્રદર્શન જામનગર, મોરબી, ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી અને રાજકોટની જુદી જુદી કોલેજના વિદ્યાર્થીઓ રજુ કરશે. ચિંતા, મનોભાર, ડીપ્રેશન, આક્રમકતા, વ્યકિતતવ માપન અને તરૂણોની સમસ્યાઓ વગેરે વિશેનું માપન અને યોગ્ય સલાહ ભવનના તેજસ્વી વિદ્યાર્થીઓ અને પીએચડી થયેલા અને પીએચડી કરતા વિદ્યાર્થીઓ આપશે. ડો.કમલ પરીખ રોગો પર મનોવૈજ્ઞાનીક અસર વિશે નિષ્ણાંત વ્યાખ્યાન આપશે.

આ મેળાથી લોકજાગૃતી આવશે અને શારીરીક સ્વાસ્થ્યની સાથે સાથે માનસીક સ્વાસ્થ્યનો ખ્યાલ કઇ રીતે વધારી શકાય તેનુ માર્ગદર્શન મળશે.  ખોટા-આહાર-વિહાર, કુટેવો વગેરેથી સ્વાસ્થ્યને થતા નુકશાન અંગે યોગ્ય પ્રકારની જીવનશૈલી અને માનસીકતા કેળવવાથી થતા ફાયદા અંગે લોકજાગૃતી આવશે. બાલ્યાવસ્થા, તરૂણાવસ્થા, પુખ્તાવસ્થા અને વૃધ્ધાવસ્થાના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય.

આ મેળામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો.નીતીનભાઇ પેથાણી, કુલનાયકશ્રી ડો.વિજયભાઇ દેશાણી, નેહલભાઇ શુકલ, મેહુલભાઇ રૂપાણી, ભરતભાઇ રામાનુજ, પ્રવીણસિંહ ચૌહાણ, હરદેવસિંહ જાડેજા, નીલામ્બરીબેન દવે, નીદતભાઇ બારોટ, ભાવીનભાઇ કોઠારી, આર.જી.પરમાર, ધરમભાઇ કાંબલીયા, વિજયભાઇ પટેલ વગેરે લોકો હાજર રહીને શુભેચ્છા પાઠવશે.

(3:56 pm IST)