Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

આતંકીઓને 'પનાહ' આપનારાઓને સબક શીખવવા ટૂરીઝમ લિડર્સ કલબ મેદાનેઃ કાશ્મીર ટૂરનો બહિષ્કાર

આ કલબ દેશભરમાં ૧૮૦ સભ્યો ધરાવે છેઃ શહિદોના પરિવારને આર્થિક યોગદાન આપવા પણ અનુરોધઃ પોલીસ કમિશ્નરને રજૂઆત

તસ્વીરમાં મિલન કોઠારી, અમેશ દફતરી, હિમાંશુ મહેતા, જીયા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના વિશાલ લાઠીયા તથા મનિષ ચિત્રોડા સહિત જોઇ શકાય છે. (ફોટો : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૯ :.. ભારતની એકતા અને અખંડિતતા ઉપર પ્રહાર કરનારા પુલવામાં આતંકી હૂમલામાં શહિદ થયેલાં જવાનોના પરિવારો પ્રત્યે રાષ્ટ્રીય સ્તરે ટુરિઝમ ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થા ટુરીઝમ લીડર્સ કલબ સહાનુભૂતિ દાખવે છે. અને આવું નાપાક કૃત્ય કરનારાને પનાહ આપનારાઓને સબક શિખવવા માટે કાશ્મીરની ટૂરનો બહિષ્કાર કરવાની અપીલ કરે છે. આ બાબતે આજે પોલીસ કમિશ્નરને રજૂઆત કરાઇ હતી.

ટૂર એન્ડ ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રીમાં ટુરીઝમ લીડર્સ કલબ મોટું સ્થાન ધરાવે છે અને દેશભરમાં ૧૮૦ સભ્યો ધરાવે છે. કાશ્મીરની ટૂરનો બહિષ્કાર કરવાની અપીલ ઉપરાંત શહિદના પરિવારોને આર્થિક યોગદાન આપવાનો અનુરોધ પણ કરે છે.

કાશ્મીરમાં પુલવામાની ઘટનાથી દેશભરના લોકોના હૃદય દ્રવી ઉઠયા છે. ત્યારે દેશભરના ટ્રાવેલ એજન્ટોએ પણ પોતાની દેશભકિત દેખાડીને શહીદ જવાનો અને દેશવાસીઓને પડખે રહેવા કાશ્મીરનો વિરોધ કરવા માટે કાશ્મીરની ટૂરનો બહિષ્કાર કરવા મન બનાવ્યું છે. આ અભિયાનની શરૂઆત કરવા ટુરીઝમ લીડર્સ કલબ આગળ આવી છે. જુદી જુદી ટ્રાવેલ કંપનીઓ દર વર્ષે કાશ્મીરની ટૂરો દ્વારા અબજો રૂપિયાનો વ્યવસાય કરે છે. પરંતુ આ કાશ્મીરમાં જ આપણા જવાનોનું લોહી રેડાયું છે.

આવી સ્થિતીમાં ફરવા જતા લોકોને બીજા સારા વિકલ્પ આપવા અને આપણા જવાનો અને દેશની પડખે રહેવા માટે આજથી આ વર્ષની બધી જ કાશ્મીરની ટૂરો કેન્સલ કરવા અપીલ કરે છે.

જયાં સુધી કાશ્મીરીઓ પોતાની દેશભકિત નહીં દેખાડે અને શહીદ થયેલા જવાનો પ્રત્યે પોતાનો પ્રેમ અને દિલગીરી વ્યકત નહીં કરે ત્યાં સુધી કાશ્મીરની ટૂર નહીં કરવા નિર્ણય કર્યો છે આ નિર્ણયને સમર્થન પણ મળ્યું છે. આમ, ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ વખત આવો ઇતિહાસ રચાઇ રહ્યો છે. ટૂરિઝમ લીડર્સ કલબે કહ્યું છે કે, જો એક માણસ દેશભરમાં એકતા લાવીને આટલું મોટું કામ કરી શકે છે તો આખો દેશ ભેગો થાય તો શું ન કરી શકે ? આપણા બહાદુર સૈનિકો અને તેમના કુટુંબીજનોને સપોર્ટ કરવાનું આહવન પણ કર્યુ છે.

ટુરિઝમ લીડર્સ કલબના રાજકોટ ખાતેના સંયોજક પ્રભાવ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના અમેશભાઇ દફતરી અને રિધ્ધિ સિધ્ધિ ટ્રાવેલ્સના મિલનભાઇ કોઠારી કાર્યરત છે. તેમના જણાવ્યા અનુસાર શહીદ પરિવારોને આર્થિક મદદ માટે પણ સંસ્થા આગળ આવી છે અને ૧૧,૧૧૧ રૂપિયાનું અનુદાન જાહેર કર્યુ છે. આ સેવા યજ્ઞમાં જોડાવા માટે અન્ય  ટ્રાવેલ મિત્રો, હોટલ માલિકો અને ડીએમસીને અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી ાટે અમેશ દફતરી ૯૩ર૭૭ ૪૬ર૦ર, મો. હીંમાશુ હમેતા ૯૬૬રપ ૯૬૬ર૬ નો સંપર્ક કરવા જણાવાયું છે.

(3:53 pm IST)