Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

શહીદ જવાનોના પરિવારને રૂ.૧ કરોડ અને નોકરી આપો : માજી સૈનિક અનુ.જાતિ સેવા મંડળ

કાલે ડો. આંબેડકરના સ્ટેચ્યુ પાસેથી રેલી સ્વરૂપે કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરાશે

રાજકોટ તા. ૧૯ : ઉત્તર પ્રદેશમાં એપલ કંપનીના મેનેજરને યુ.પી. પોલીસ દ્વારા ગોળી મારવામાં આવતા જે રીતે રોકડા એક કરોડ અને તેમના ધર્મપત્નિને કલાસ વન ઓફીસરની નોકરી આપવામાં આવી તેવી જ રીતે આતંકી હુમલામાં શહીદ થયેલ સીઆરપીએફના ૪૪ જવાનોના પરીવારોને પણ રૂ. એક કરોડ રોકડા અને તેમના પત્નીઓને નોકરી આપવા સૌરાષ્ટ્ર કચ્છ માજી સૈનિક અનુ.જાતિ અનુ.જનજાતિ સેવા મંડળ રાજકોટ દ્વારા માંગણી ઉઠાવવામાં આવી છે.

આ મંડળના આગેવાનોએ 'અકિલા' ખાતે વિગતો આપતા જણાવેલ કે પુલવામાના હુમલામાં વીરગતી પામેલ જવાનોને સરકારે શહીદનો દરજજો જાહેર કરવો જોઇએ. દેશની રક્ષા માટે આ યુવાનોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે દરેક શહીદ જવાનના માતા પિતા અને ધર્મપત્નિને એક કરોડ રૂપિયા આપવા જોઇએ. તેમજ ર૦૦૫ ના ભરતી થયા હોય તેવા જવાનના પત્નીને પેન્શનની જોગવાઇ પણ કરવી જોઇએ.

ભારત માતાના આ પનોતા પુત્રોની શહાદતના માનમાં કાલે તા. ૨૦ ના બુધવારે સાંજે ૪ વાગયે ડો. આંબેડકરજીના સ્ટેચ્યુ પાસેથી રેલી સ્વરૂપે જઇ કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરાશે.

તસ્વીરમાં વિગતો વર્ણવતા નરેન્દ્રભાઇ રાઠોડ, જયંતિભાઇ કે. રાઠોડ, સંકેતભાઇ જે. રાઠોડ, દિનેશભાઇ દેવસીભાઇ, દિલીલીપભાઇ નગવાડીયા, દેવજીભાઇ લીબોયા, ભરત એમ. પરમાર, રમેશભાઇ મુછડીયા, વિશાલભાઇ પરમાર નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૪)

 

(3:53 pm IST)