Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

'અકિલા'ના મોભી કિરીટભાઈનો ખૂબ લાડકવાયો હતો... ફોટો પડાવ્યા વગર હટે જ નહિં

કયારેય નહિં ભૂલાય સુહાસ... 'અકિલા' સાથે દિલનો નાતો

કેશુબાપાથી માંડીને નરેન્દ્રભાઈ મોદી સુધીની રાજકીય હસ્તીઓ સાથે સુહાસના ફોટા : કે.કા. શાસ્ત્રીજી સાથે પણ ફોટો પડાવવાની જીદ સુહાસે કરેલી.. : સુહાસનો જીવન ધ્યેય 'નિર્દોષ કિલક'જ હતો

રાજકોટ, તા. ૧૯ : સુહાસ પંડ્યા જેવી યાદગાર વ્યકિત દુનિયામાં કયારેય નહિં ભૂલાય. કોઈપણ રાજકીય નેતા રાજકોટ આવે તો તેની સાથે ફોટો પડાવવાની તેની જીદ હોય. નેતાઓ પણ તેની સાથે મોજથી ફોટો પડાવે. ભાજપનો કોઈપણ કાર્યક્રમ હોય આ વ્યકિત પ્રથમ હરોળમાં જ બિરાજમાન હોય. પ્રથમ હરોળમાં સુહાસભાઈ બેસવાની કોઈપણ ના ન પાડી શકે.

સુહાસભાઈને 'અકિલા' સાથે દિલથી નાતો હતો. દર બે દિવસે અકિલા કાર્યાલયે તેની ચોક્કસ હાજરી હોય જ. જો થોડા દિવસ 'અકિલા'એ આવ્યા ન હોય તો કર્મચારીઓ પણ પૂછે કે હમણા સુહાસભાઈ આવ્યા નથી. તેઓ કહેતા કે ''અકિલા'' મારૂ ઘર છે. 'અકિલા'એ આવીને પ્રથમ શબ્દ બોલે કિરીટભાઈ કયાં? તેઓને ઓફીસમાં કોઈપણ જગ્યાએ બેસવાની છૂટ હતી. ખુરશી ઉપર બેસી ''અકિલા'' વાંચે અને બોલે ''ચા પા.'' ચા પીધા પછી તેમના ખીસ્સામાંથી કેમેરા કાઢે અને ''અકિલા''ના  મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ફોટો પડાવે. ત્રણ - ચાર ફોટા પાડે તો પછી ફોટો પાડનાર બોલે બસ તો કહે તો કહે કે, ના હજુ પાડ.

સુહાસભાઈને કિરીટભાઈ પ્રત્યે અપાર લાગણી હતી. 'અકિલા'એ આવે એટલે કિરીટભાઈ સાથે ફોટા પડાવ્યા વગર ન જાય. કિરીટભાઈ પણ કહે એને જેટલા ફોટા પડાવવા હોય એટલા પાડી દે.

સુહાસભાઈ પાસે કેશુભાઈ પટેલથી માંડીને નરેન્દ્રભાઈ મોદી સુધીની રાજકીય હસ્તીઓ સાથેના ઢગલાબંધ ફોટા છે. તેઓ ભાજપના અનન્ય ચાહક હતા. કોઈપણ કાર્યક્રમમાં તેઓ પહોંચી જતા. આમ સુહાસનો જીવન ધ્યેય 'નિર્દોષ કિલક' જ કહી શકાય.(૩૭.૧૧)

સુહાસભાઈના નિધનથી ઘેરા શોકની લાગણી છવાઈ : સ્મશાનયાત્રામાં વિવિધ ક્ષેત્રના આગેવાનો જોડાયા

રાજકોટ : નિઃસ્વાર્થ અને સદાય હસતો ચહેરો ધરાવતા એવા સુહાસભાઈ પંડ્યાનું ગઈકાલે દુઃખદ નિધન થયું હતું. તેઓ છેલ્લા કેટલાક સમયથી ન્યુમોનિયાની બિમારીથી પીડાતા હતા. આજે તેમના દુઃખદ નિધનથી શોકની લાગણી પ્રસરી ગઈ છે. તેઓ ''અકિલા'' પરિવાર સાથે હંમેશા જોડાયેલા રહેલા.

સુહાસ પંડ્યાને છેલ્લા કેટલાક સમયથી ન્યુમોનિયાની બિમારી હતી. ૭૦ વર્ષની વયે તેઓનું દુઃખદ નિધન થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુહાસભાઈના પિતા સ્વ.ઉપેન્દ્રભાઈ પંડ્યા જાણીતા શિક્ષણવિદ્દ હતા.

રાજકોટમાં ભાજપનો કોઈપણ કાર્યક્રમ હોય તેમાં સુહાસભાઈની ખાસ ઉપસ્થિતિ રહેતી. તેઓ સ્વ.અટલ બિહારી વાજપાઈ, નરેન્દ્રભાઈ મોદી, વિજયભાઈ રૂપાણી સહિતના નેતાઓના ભારે ચાહક હતા અને ભાજપના દરેક કાર્યક્રમોમાં હાજરી આપતા. તેઓને રાજકીય નેતાઓ સાથે ફોટો પડાવવાનો ભારે શોખ હતો.

સદ્દગત સુહાસભાઈને 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, 'અકિલા'ના તંત્રી અજીતભાઈ ગણાત્રા અને 'અકિલા'ના એકિઝકયુટીવ એડીટર શ્રી નિમીષભાઈ ગણાત્રા ઉપર અપાર પ્રેમ અને લાગણી હતી. તેઓ દર બે-ત્રણ દિવસે 'અકિલા' કાર્યાલયે આવતા.

સદ્દગત સુહાસભાઈના નિધનથી 'અકિલા' પરિવારે પણ બે મિનિટ મૌન પાળી તેઓને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

સ્વ. સુહાસભાઈ તે ઉત્પલભાઈના મોટાભાઈ તેમજ વત્સલાબેન પંડ્યાના પુત્રનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની સ્મશાનયાત્રા ગઈકાલે તેમના નિવાસસ્થાન 'આરતી' આદર્શ સોસાયટી, બ-વિભાગ, આમ્રપાલી ફાટક પાસે રાજકોટ ખાતેથી નીકળી હતી. આ સ્મશાનયાત્રામાં કમલેશભાઈ મીરાણી, મનીષભાઈ રાડીયા, દેવાંગભાઈ માંકડ, જયમીનભાઈ ઠાકર, મયુર શાહ, માધવ દવે સહિતના આગેવાનો - સામાજીક આગેવાનોએ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલી અર્પી હતી.

સદ્દગત સુહાસભાઈ માતા વત્સલાબેન, ભાઈ ઉત્પલભાઈ (મો.૯૮૯૮૨ ૪૧૨૩૨) ભત્રીજી બેલા અને ભત્રીજો ઉદીત અને પંડ્યા પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે.

(3:50 pm IST)
  • સિરિયામાં પ્રચંડ : બોમ્બ ધડાકો ૨૪ના મોત : સિરિયાના ઇદબિલ ખાતે જબ્બર બોંબ વિસ્ફોટ થતા ૨૪ના મોત થયા છે અને ૫૦થી વધુ ઘવાયા છે. access_time 11:34 am IST

  • તામિલનાડુમાં પારો ૪૦ ડિગ્રી સુધી પહોંચયો સૌરાષ્ટ્રમાં શિયાળાની વિદાય સાથે ગરમીનો પ્રકોપ ધીમે-ધીમે શરૂ થયો છે ત્યારે તામીલનાડુમાં ગઇકાલે કરૂર ખાતે ૩૯.૫ ડિગ્રી સેલ્સીયસ જેવુ ભારે ઉ.માન નોંધાયુ હતુ access_time 11:35 am IST

  • બેંગ્લોરમાં એર શોમાં મોટી દુર્ધટનાઃ બે સૂર્યકિરણ વિમાન સામસામે અથડાયાઃ બંને વિમાનોના પયલોટ સુરક્ષીત access_time 12:11 pm IST