Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

સુહાસઃ મારો, તમારો, સહુનો લાડકવાયોઃ ચિર વિદાય...

રાજકોટના જાહેર જીવનનું એક એવું અનોખું પાત્ર, જેને લોકો કદી ભૂલશે નહી : તા.૨૧ના ગુરૂવારે સાંજે ૪:૩૦ થી ૬ સુધી નાગર બોર્ડીંગ, ખાતે પ્રાર્થનાસભા :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ફોન કરી પંડ્યા પરિવારને સાંત્વના આપી

યાદ રહોગે સુહાસ... અકિલા પરિવારે શ્રદ્ધાંજલી અર્પી :રાજકોટ : નિર્દોષ જીવ એવા અને સૌના વ્હાલા એવા શ્રી સુહાસ પંડ્યાનું ગઈકાલે બપોરે ૭૦ વર્ષની વયે દુઃખદ નિધન થયુ હતું. આ વાતની જાણ થતાં શોકનું મોજુ ફેલાઈ ગયું હતું. ''અકિલા'' પરિવાર સાથે સુહાસભાઈને દિલથી નાતો હતો. ''અકિલા''ના એકિઝકયુટીવ એડીટર શ્રી નિમીષભાઈ ગણાત્રાએ સદ્દગત સુહાસભાઈને ફુલહાર કરી શ્રદ્ધાંજલી અર્પી હતી. તસ્વીરમાં સુહાસ પંડ્યાને શ્રદ્ધાસુમન અર્પણ કરી તેમના પરીવારજનોને સાંત્વના આપી રહેલા નિમીષભાઈ ગણાત્રા નજરે પડે છે. સ્મશાનયાત્રામાં દેવાંગ માંકડ, જૈમીન ઠાકર વિ. જોડાયા હતા. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ : આજે કોઈની પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે પછી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથેની પોતાની તસ્વીર હોય તો એ ગૌરવભરી યાદગીરી ગણાય. પણ રાજકોટમાં એક વ્યકિત એવી હતી જેની દેશના  વડાપ્રધાનોથી માંડી લગભગ દરેક મોટા નેતા,ફિલ્મી કલાકારો, સંગીતકારો, ગાયકો, રમતવીરો અને કલા, સંસ્કૃતિ, સમાજજીવન અને જાહેરજીવનના મહારથીઓ સાથે ગણી ગણાય નહીં એટલી તસવીરો હશે. એ વ્યકિતનું નામ સુહાસ. સુહાસ પંડ્યા.એ સુહાસ પંડ્યા જેને આખું રાજકોટ ઓળખે. એ સુહાસ પંડ્યા જે આખા રાજકોટનો લાડકો. રાજકોટનાએ લાડકવાયા સુહાસભાઈ ગઈકાલે૭૦ વર્ષની વયે ટૂંકી બીમારી બાદ મૃત્યુની ચીરનિંદ્રામાં પોઢી ગયા,પોતાની સુવાસ અને અનેક સંભારણાઓ મૂકીને.

સુહાસભાઈના પિતા ઉપેન્દ્રભાઈ અતિ વિદ્વાન શિક્ષણવીદ અને સાહિત્યકાર હતા. રાજકોટમાં વિદ્યાર્થીઓની અનેક પેઢીઓને ઉપેન્દ્રભાઈની એ જ્ઞાન સરિતાનો લાભ મળ્યો હતો. એવા એ ઉપેન્દ્રભાઈના પુત્ર રૂપે સુહાસનો જન્મ થયો. પણ કુદરતે સુહાસ પ્રત્યે થોડી કંજુસાઈ દાખવી. નાનું-દુબળુ કદ અને થોડો અનાકર્ષક ચહેરો. બીજો કોઈ માણસ હોત તો લઘુતાગ્રંથીથી પીડાવા લાગ્યો હોત. સમાજથી વિમુખ થઈ ઘરના ખૂણે બેઠો રહેતો હોત. પણ,એમ શારીરિક માનસિક નબળાઈઓથી હારી જાય એ બીજા, સુહાસ નહીં.

દુબળા પાતળા સુહાસનો આત્મવિશ્વાસ પ્રચંડ હતો.તેણે બે શોખ ડેવલપ કર્યા. એક ફોટોગ્રાફી અને બીજો રાજકોટમાં યોજાતા નાના મોટા દરેક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અને એ કાર્યક્રમમાં આવેલા મહાનુભાવોની તસ્વીર લેવાનો અને તેમની સાથે તસ્વીર ખેંચાવવાનો.

 સુહાસ દરરોજ સવારે તમામ અખબારો વાંચી જાય. કઇ જગ્યાએ,કેટલા વાગ્યે,કયો કાર્યક્રમ છે તેની નોંધ કરી લે અને પછી કેમેરો લઈને નીકળી પડે. ધીમે ધીમે સુહાસ ની ઓળખ મજબૂત થતી ગઈ. કાર્યક્રમના આયોજકોને પણ ખબર હોય કે સુહાસભાઈ તો આવશે આવશે ને આવશે જ. સુહાસનું વ્યકિતત્વ બાળક જેવું. રમકડાં જેવો સુહાસ બધાનો પ્રિય બનવા લાગ્યો.સુહાસનું આગમન પણ ધૂમધડાકા ભેર થાય. દૂરથી એનો અવાજ સંભળાવા લાગે.જો આયોજકે સુહાસને આમંત્રણ ન આપ્યું હોય તો સુહાસ ધોખો પણ કરે,અરે ખખડાવી પણ નાખે. પણ એના એ ધોખમાં નાના બાળક જેવી નિર્દોષ રીસ હોય.સુહાસનું કોઈને ખરાબ ન લાગે.સુહાસનું કોઈને માઠું ન લાગે. સુહાસ વટભેર, અધિકારથી સ્ટેજ ઉપર પણ પહોંચી જાય અથવા પ્રથમ હરોળમાં આસન જમાવી દે.ફોટા પાડે, ફોટા ખેંચાવે,કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી હાજર રહે અને ત્યાર પછીના અન્ય સ્થળે યોજાનારા કાર્યક્રમની તૈયારીમાં લાગી જાય.

    સાડા પાંચ દાયકા સુધી સુહાસનો આ જીવનક્રમ રહ્યો. ઈન્દિરાજી કે રાજીવ ગાંધી રાજકોટ આવ્યા હોય કે પછી અટલજી કે અડવાણી કે નરેન્દ્રભાઈની સભા હોય,ગમે તેટલી ટાઈટ સિકયોરિટી હોય તો પણ સુહાસ એ મહારથીઓ પાસે પહોંચી જ ગયો હોય. ટોચના બધા અધિકારીઓ સુહાસનો ઓળખે. સુહાસનો જુસ્સો એવો હોય કે તેને રોકવાનું કોઈ સાહસ ન કરે.ગમે તે સ્તરના નેતા હોય, સેલિબ્રિટી હોય કે ગમે તે સ્તરનો કાર્યક્રમ હોય તેમાં ''ઘૂસ મારવાની''કુદરતી કુનેહ સુહાસમાં હતી. સુહાસ કહેતો, 'મને કોઈ રોકે નહીં, મને કોઈ ના ન પાડી શકે.'

અને એવું જ થતું. કોઈ પણ પ્રસંગ હોય, સુહાસની ત્યાં હાજરી હોય જ.સુખનો પ્રસંગ હોય કે દુઃખનો,રાજકીય કાર્યક્રમ હોય કે સામાજિક, સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે રમત ગમતની સ્પર્ધા હોય,મુશાયરો હોય કે સંગીતનો જલસો હોય. એ બધા પ્રસંગોએ એક કોમન ફેકટર ઉપસ્થિત હોય તો એ સુહાસ.

    સુહાસની એ જ તો ઓળખ હતી અને એટલેજ સુહાસને આખું રાજકોટ ઓળખતું.સુહાસ રસ્તા પર નીકળે તો અનેક લોકો તેને બોલાવે,તેની સાથે મજાક મસ્તી કરે. સુહાસ પણ એ સંબંધોને ભરપૂર માણે. સુહાસ જયાં હોય ત્યાં વાતાવરણ હળવું ફૂલ થઈ જાય. જીવંત થઈ જાય.

અનેક વિષમતાઓ વચ્ચે પણ કોઈ પણ જાતની ફરિયાદ કર્યા વગર,પોતાની જાતને કે નસીબને કોસ્યા વગર સુહાસે જેવી મળી તેવી જિંદગીને આખેઆખી સ્વીકારી, ભરપૂર માણી. સુહાસ માટે આખું રાજકોટ તેનું હતું. રાજકોટે પણ સુહાસનો પોતાનો માની વધાવી લીધો હતો.

   આજે સુહાસભાઈ આપણી વચ્ચે નથી. પોતાની પાછળ તેઓ મુકતા ગયા હજારો તસવીરો.એ તસવીરોમાં રાજકોટના જાહેર જીવનના અમૂલ્ય સંભારણા સચવાયેલા છે. સુહાસ ના નાનકડા દુબળા પાતળા શરીરમાં એક અતિ પ્રેમાળ હૃદય હતું.એના અનાકર્ષક ચહેરમાંથી બાળકની નિદોષતા છલકતી.એના પ્રેમભર્યા અને દંભ વગરના નેઇસરગિક વ્યકિતત્વએ તેને રાજકોટનો લાડકવાયો બનાવ્યો. સુહાસના મૃત્યુ સાથે રાજકોટના જાહેર જીવનનું એક હસતું રમતું,બોલકું, સદા આનંદ, ઉલહાસથી ધબકતું પાત્ર કાળની ગર્તામાં વિલીન થઈ ગયું.પણ એ અનોખું વ્યકિતત્વ, એ અનોખો સુહાસ,એ સહુનો સુહાસ રાજકોટવાસીઓની સ્મૃતિમાં સદા અમર રહેશે. સુહાસ કદી વીસરાશે નહીં.

(3:48 pm IST)