Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

સ્પાના ઓઠા તળે બે માસથી ધમધમતું કૂટણખાનુ પકડાયું: એક રૂમમાં દારૂની મહેફીલ પણ જામી'તી

એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટનો દરોડોઃ બિગ બાઝાર પાસે પર્પલ ઓર્ચિડ સ્પા એન્ડ સલૂનના સંચાલક જયરાજસિંહ ગોહિલ સામે વેશ્યાવૃતિનો ગુનોઃ બે શખ્સ જયરાજસિંહ જાડેજા અને વિવેક વેગડ પીધેલા, દારૂ સાથે પકડાયા

રાજકોટ તા. ૧૯: એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટે થોડા દિવસો પહેલા કિસાનપરામાં સ્પાના ઓઠા તળે ધમધમી રહેલા કૂટણખાના પર દરોડો પાડી કાર્યવાહી કરી હતી. ત્યાં વધુ એક આવો ગોરખધંધો સામે આવ્યો છે. બીગ બાઝાર પાસે પેન્ટાલૂન્સના ગ્રાઉન્ડ ફલોરમાં ૧૦૧ નંબરની દૂકાનમાં આવેલા પર્પલ ઓર્ચિડ સ્પા એન્ડ સલૂનમાં સ્પાના ઓઠા તળે કૂટણખાનુ ચાલતું હોવાની બાતમી પરથી દરોડો પાડી સંચાલકની ધરપકડ કરી હતી. અહિ લખનોૈ અને બંગાળની બે યુવતિઓ પાસે સંચાલક દેહવેપલો કરાવતો હોવાનું ખુલ્યું હતું. બીજા રૂમમાંથી બે શખ્સ દારૂની મહેફીલ માણતા મળતાં તેની સામે અલગથી ગુનો નોંધી દારૂની અડધી બોટલ પણ કબ્જે કરાઇ હતી. બે માસથી ગોરખધંધા ચાલતાં હોવાનું સામે આવ્યું હતું.

સ્પા સેન્ટરમાં મસાજ કરાવવાના રૂ. ૧૦૦૦ અને શરીર સંબંધ બાંધવાના ૨૦૦૦ વસુલી કૂટણખાનુ ચલાવવામાં આવે છે તેવી બાતમીકોન્સ. મહમદઅઝહરૂદ્દીન અને સોનાબેન મુળીયા તથા ભુમિકાબેન ઠાકરને મળતાં પોલીસે ડમી ગ્રાહક મોકલ્યો હતો. એ ગ્રાહકે મસાજ કરાવી લીધા બાદ શરીર સંબંધ બાંધવા સમયે વ્હોટ્સએપથી મેસેજ કરી દેતાં જ બહાર વોચમાં રહેલી પોલીસ અંદર પહોંચી ગઇ હતી.

કાઉન્ટર બેઠેલા શખ્સે પુછતાછમાં પોતાનું નામ જયરાજસિંહ સહદેવસિંહ ગોહિલ (ઉ.વ.૩૦-રહે. અમરનગર-૨, કુળદેવી કૃપા) જણાવ્યું હતું. પોલીસે તેને રેડ અંગેની સમજ આપી હતી. કાઉન્ટર સામે સોફા પર બેઠેલી યુવતિએ પોતે હનુમાન મઢી પાસે રહેતી હોવાનું અને મુળ લખનોૈ યુપીની હોવાનું કહ્યું હતું. એ પછી રૂમ નં. ૧માં તપાસ કરતાં તેમાંથી એક યુવતિ અને પુરૂષ કઢંગી હાલતમાં મળ્યા હતાં. યુવતિએ પોતે રૈયા રોડ સુભાષનગર પાસે રહેતી હોવાનું અને મુળ બંગાળની હોવાનું કહ્યું હતું. યુવતિએ કહ્યું હતું કે કાઉન્ટર બેઠેલા વ્યકિત કસ્ટમર દીઠ ૩૦૦૦ વસુલી પોતાને ૧ હજાર આપે છે અને ૨ હજાર પોતે રાખી લે છે. સ્પાના ૧૦૦૦ અને શરીર સંબંધના ૨૦૦૦ વસુલે છે. સોફા પાસે ઉભેલી યુવતિએ પણ આવી જ વાત પોલીસને કરી હતી.

આથી પોલીસે જયરાજસિંહ ગોહિલ વિરૂધ્ધ ધ ઇમ્મોરલ પ્રિવેન્શન એકટ હેઠળ કાર્યવાહી કરી તેની ધરપકડ કરી હતી. યુવતિઓને સાહેદ બનાવી હતી. પોલીસે રૂમ નં. ૩ ખોલીને જોતાં અંદર બે શખ્સો દારૂ પીતા મળ્યા હતાં. અડધી બોટલ પણ હતી. પુછતાછમાં પોતાના નામ જયરાજસિંહ વનરાજસિંહ જાડેજા (ઉ.વ.૨૯-રહે. વિષ્ણુવિહાર-૨) તથા વિવેક મનિષભાઇ વેગડ (ઉ.વ.૨૧-રહે. ગોપાલનગર ભુમિ એપાર્ટમેન્ટ-૪૦૧) જણાવ્યા હતાં. આ બંને સામે દારૂ રાખવાનો, પીવાનો અલગથી ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. સંચાલકનું પણ દારૂના ગુનામાં નામ સામેલ કરાયું હતું. 

પોલીસે રોકડા રૂ. ૧૦ હજાર, ચાર મોબાઇલ ફોન, ડીવીઆર અને રૂ. ૨૦૦નો દારૂ કબ્જે કરાયો હતો. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી.વી. બસીયાની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. અંસારી, હેડકોન્સ. બકુલભાઇ વાઘેલા, ઝહીરખાન ખફીફ, કોન્સ. મ.અઝહરૂદ્દીન, જયુભા પરમાર, સોનાબેન મુળીયા, ભુમિકાબેન ઠાકર અને હરિભાઇ બાલાસરાએ આ કામગીરી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ બે માસથી આવા ગોરખધંધા સ્પાની આડમાં ચાલતાં હતાં. તાલુકા પીઆઇ જે. વી. ધોળા વધુ તપાસ કરે છે.

(3:10 pm IST)