Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

પુનિતનગર પાસે 'હિટ એન્ડ રન': ખાનગી હોસ્પિટલની કલાર્ક છાયા રૈયાણીનું મોત

નોકરીએ જતી હતી ત્યારે અજાણ્યો વાહન ચાલક એકટીવાને ટક્કર મારી ભાગી ગયો : છ મહિના પહેલા જ છાયાના પિતાનું અવસાન થયું હતું: પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૯: ગોંડલ રોડ પર પુનિતનગર પાણીના ટાંકા નજીક 'હિટ એન્ડ રન'ની ઘટનામાં ખાનગી હોસ્પિટલમાં કલાર્ક તરીકે નોકરી કરતી ૧૯ વર્ષિય યુવતિનું મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. હજુ છ મહિના પહેલા જ આ યુવતિના પિતાનું અવસાન થયું હતું.

જાણવા મળ્યા મુજબ કોઠારીયાના ધનલક્ષ્મી પેટ્રોલ પંપ નજીક આદર્શ શિવાલય  રેસિડેન્સીમાં રહેતી છાંયા વજુભાઇ રૈયાણી (ઉ.વ.૧૯) સવારે પોતાનું એકટીવા હંકારી  ઘરેથી નોકરીએ જવા નીકળી હતી. તે જલારામ હોસ્પિટલમાં કલાર્ક તરીકે નોકરી કરતી હતી. પુનિતનગર પાણીના ટાંકા પાસે પહોંચી ત્યારે અજાણ્યા વાહનનો ચાલક એકટીવાને ઉલાળીને ભાગી જતાં તેણીને ગંભીર ઇજા થતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કર્યુ હતું.

બનાવની જાણ થતાં છાંયાના પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યા હતાં. તેણી બે બહેન અને એક ભાઇમાં નાની હતી. તેના પિતા વજુભાઇનું છ મહિના પહેલા જ અવસાન થયું હતું. ઘરના મોભીને ગુમાવનારા પરિવારે ટુંકા ગાળામાં યુવાન અને આધારસ્તંભ દિકરીને અકસ્માતમાં ગુમાવતાં રૈયાણી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. આ પરિવાર મુળ ગોંડલનો વતની છે અને છએક માસથી કોઠારીયામાં ભાડેથી રહે છે. માલવીયાનગરના હેડકોન્સ. અશ્વિનભાઇ અને રવિરાજસિંહે જરૂરી કાર્યવાહી કરી જીવલેણ અકસ્માત સર્જી ભાગી ગયેલા વાહન અંગે તપાસ શરૂ કરી છે.

(3:10 pm IST)