Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

બિમાર હાલતમાં હોસ્‍પિટલમાં ખસેડાયેલી યુવતિનું મોતઃ માતા-બહેનનું આક્રંદ, અમે કોઇ ગુનો નથી કર્યોઃ સારવાર ચાલુ જ હતી

બહેનને ચારેક દિવસથી ઉલ્‍ટીઓ થતી હતી અને તેની દવા પણ કરાવતાં હતાં: ધરાર સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ અને અમને સતત ધમકાવવામાં, બીવડાવવામાં આવ્‍યાઃ મદદની આ તે કેવી રીત હતી એ અમને ખબર જ ન પડી?

મૃત્‍યુ પામનાર લાડકવાયીને છેલ્લે ઇન્‍જેક્‍શન વાટે પાણી પાઇ રહેલા વયોવૃધ્‍ધ પિતા મહેન્‍દ્રભાઇ સેજપાલ અને કાકા સુરેશભાઇ સેજપાલ તથા આક્રંદ કરી પોતાની સાથે થયેલા ખરાબ વર્તનની વિગતો જણાવી રહેલા મૃતક અલ્‍પાબેનના માતા હર્ષાબેન અને બહેન પરિન્‍દાબેન નજરે પડે છે.

રાજકોટ તા. ૧૯: સાધુ વાસવાણી રોડ પર ગોલ્‍ડન સુપર માર્કેટ પાસે અંબિકા નગર-૩માં ભાડાના મકાનમાં રહેતી અલ્‍પાબેન મહેન્‍દ્રભાઇ સેજપાલ નામની યુવતિને બિમાર હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. અહિ આજે સવારે તેણીએ દમ તોડી દીધો હતો. ઘરના ઓરડામાં આ યુવતિને બદતર હાલતમાં રાખવામાં આવી હોવાના હોબાળા આક્ષેપો સાથે સેવાનું કામ કરતી સંસ્‍થાના લોકોએ આ યુવતિને સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડી હતી. દરમિયાન મૃત્‍યુ પામનારના માતા હર્ષાબેન અને બહેન પરિન્‍દાબેને આક્રંદ સાથે જણાવ્‍યું હતું કે અલ્‍પાબેન બિમાર હતી, ચારેક દિવસથી ઉલ્‍ટીઓ થતી હોઇ અમે તેની દવા સારવાર પણ કરાવતાં હતાં. અમારે વધુ સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં લઇ જવી હોઇ જેથી અમે આર્થિક મદદ માટે પ્રયાસ કરતાં હતાં. એ દરમિયાન અલ્‍પાબેનને ધરાર સિવિલ હોસ્‍પિટલે લઇ આવવામાં આવી હતી. અમે કોઇ ગુનો કર્યો નથી, છતાં અમને સતત ડરાવવા, ધમકાવવામાં આવ્‍યા હતાં.

વિગત એવી છે કે અલ્‍પાબેન નામની યુવતિ કેટલાક સમયથી ઘરમાં પુરાયેલી હાલતમાં હોવાની માહિતી મળતાં સેવા સંસ્‍થાના લોકો ત્‍યાં પહોંચ્‍યા હતાં. ત્‍યારે યુવતિ બિમાર જેવી હાલતમાં મળી આવી હતી. બાજુમાં યુરીન ભરેલુ હતું. યુવતિનું નામ અલ્‍પાબેન મહેન્‍દ્રભાઇ સેજપાલ હોવાનું અને તેણે સીએ તેમજ એમબીએનો અભ્‍યાસ કર્યાનું તેના પરિવારજનોએ કહ્યું હતું. તે એમબીએના છેલ્લા વર્ષમાં હતી અને બે એટીકેટી આવી હોઇ સોલ્‍વ કરવાની બાકી હતી. કેટલાક દિવસોથી તે બિમાર હોવાનું તેના પરિવારજનોએ કહ્યું હતું. તેણીને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. અહિ સારવાર દરમિયાન આજે સવારે દમ તોડી દીધો હતો.

બિમારીથી મૃત્‍યુ થયાનું તેમના સ્‍વજનોને જણાવાયું હતું. આમ છતાં તબિબે પાછળથી કોઇ સવાલો ઉભા ન થાય તે માટે એમએલસી કેસ જાહેર કરી મૃતદેહને પોસ્‍ટ મોર્ટમ માટે ખસેડવા તજવીજ કરી પોલીસને જાણ કરી હતી. હોસ્‍પિટલ ચોકીના હેડકોન્‍સ. રાજુભાઇ ગીડાએ યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં હેડકોન્‍સ. કૃપાલસિંહ કાર્યવાહી માટે પહોંચ્‍યા હતાં.

મૃત્‍યુ પામનાર અલ્‍પાબેન બે બહેનમાં નાની હતી. તેના પિતા મહેન્‍દ્રભાઇ સેજપાલ અને કાકા સુરેશભાઇ સેજપાલ નાના મવા સર્કલ પાસે અલગ અલગ સ્‍થળે સિક્‍યુરીટી ગાર્ડ તરીકે કામ કરી ગુજરાન ચલાવે છે. મૃતકના બહેન પરિન્‍દાબેન વિમાનું કામ કરે છે. તેણે અને માતા હર્ષાબેને આક્રંદ સાથે જણાવ્‍યું હતું કે અલ્‍પાબેને એમકોમ, એમબીએનો અભ્‍યાસ કર્યો હતો. છેલ્લા વર્ષમાં એટીકેટી આવી એ સોલ્‍વ કરવાની હતી. ચારેક દિવસથી અલ્‍પાબેનની તબિતય બગડી હતી. એના શરીરનો બાંધો પહેલેથી જ એકલવડીયો હતો. ઉલ્‍ટીઓ થતી હોઇ અમે નજીકના દવાખાનેથી જ દવા લીધી હતી અને સારવાર ચાલુ કરાવી હતી. તે ઉભી થઇ શકતી ન હોઇ યુરીન અમે ડિસ્‍પોઝેબલ પ્‍લેટમાં લઇ એકઠો કરી પછી ફેંકી આવતાં હતાં. અમારે તેને સારુ ન થાય તો ખાનગી હોસ્‍પિટલમાં લઇ જવાની હતી. આ માટે અમે આર્થિક મદદ માટે પ્રયાસ કરતાં હતાં અને સગાએ પણ મદદ કરવા તૈયારી બતાવી હતી.

પરિન્‍દાબેને વધુમાં કહ્યું હતું કે અમારી બહેન ભણેલી ગણેલી અને અમારા માટે આધારસ્‍તંભ બનવાની હતી. એને અમે શા માટે જાણી જોઇને બદતર હાલતમાં ધકેલીએ?  અમારી સાથે એવું વર્તન કરાયું હતું કે જાણે અમે ગુનેગાર હોઇએ, ડરાવી ધમકાવીને અમને ધરાર અલ્‍પાબેનને સિવિલ હોસ્‍પિટલમાં લઇ જવા અને હોસ્‍પિટલે આવ્‍યા પછી પણ સતત અમને અમે ખોટુ કર્યુ છે એવું સ્‍વીકારી લેવા દબાણ કરવામાં આવ્‍યું હતું. અમે જો ખોટુ કર્યુ હોય તો અમને જે સજા મળે એ મંજુર છે. આટલી વાત કરી પરિન્‍દાબેને પોક મુકી હતી. તેમના માતા હર્ષાબેને કહ્યું હતું કે મદદ કરવાની એ લોકોની કેવી રીત હતી એ અમને ખબર જ ન પડી. અમારે હોસ્‍પિટલમાં જુદા જુદા રિપોર્ટ કરાવવામાં અમુક રકમ ખર્ચવી પડી હતી. ખરેખર એમાં એ લોકોએ મદદ કરવાની જરૂર હતી. અમારી સાથે ખુબ જ ખરાબ રીતે વર્તન કરી સતત ડરાવવામાં અને ધમકાવવામાં આવ્‍યા હતાં.

કોઇના ઘરમાં કોઇ વ્‍યક્‍તિ બિમાર હોઇ તો તેની સાથે મદદના નામે આવું વર્તન કરવું અને હોબાળો મચાવવો એ કેટલો વાજબી છે? તેવો વસવસો દિકરી ગુમાવનાર માતા હર્ષાબેને વ્‍યક્‍ત કર્યો હતો.

(11:36 am IST)
  • ' ખેતી કા ખૂન ' : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુકલેટ લોન્ચ કરી : નવા કૃષિ કાનૂનથી સમગ્ર દેશની ખેતી ઉપર ચારથી પાંચ કોર્પોરેટ ક્ષેત્રોનો કબજો આવી જશે : પત્રકાર પરિષદમાં સંબોધન કર્યું access_time 8:58 pm IST

  • પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય મિનિસ્ટર દેબાશ્રી ચૌધરીના રોડ શો દરમિયાન ભાજપ કાર્યકરો ઉપર પથ્થરમારો : ભાગદોડ અને તનાવ વચ્ચે ચૂંટણી વાતાવરણ ગરમાયુ : હુમલાખોરો ના હાથમાં ટીએમસીના ધ્વજ હોવાનો આક્ષેપ access_time 6:49 pm IST

  • દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૦૦૬૪ દર્દી આવ્યાઃ ૧૩૭ના મોતઃ કુલ કેસ થયા ૧ કરોડ ઉપરઃ ૧,૫૨,૫૫૬ મોત : નવી દિલ્હીઃ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૧૦૦૬૪ નવા દર્દી સામે આવ્યા છે અને એ દરમ્યાન ૧૩૭ના મોત થયા છેઃ દેશમાં કુલ કેસ ૧,૦૫,૮૧,૮૩૭ થયા છે, જેમાં ૨૦૦૫૨૮ એકટીવ કેસ છે જ્યારે ૧ કરોડ ૦૨ લાખથી વધુ રીકવર થયા છેઃ કુલ મૃત્યુ ૧૫૨૫૫૬ના થયા છેઃ ગઈકાલે ૭,૦૯,૭૯૧ ટેસ્ટ કરાયા હતાઃ આ સાથે કુલ ટેસ્ટીંગ ૧૮,૭૮,૦૨,૮૨૭ થયા છે access_time 11:35 am IST