Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

પ્રજાસતાક દિનની ઉજવણીનો ધમાકેદાર પ્રારંભઃ ૨૬મીએ રંગારંગ ધ્વજવંદન

આજથી મુખ્યમંત્રીની હાજરીમાં ૨૬મી સુધીમાં ૧૬ ભવ્ય કાર્યક્રમોઃ આજે અશ્વ શો અને બપોર બાદ રોમાંચક એર-શોઃ ૨૬મીએ ધ્વજવંદનમાં ૨૫ હજાર લોકો ઉમટી પડશેઃ ૨૫મીએ સાંજે એટ હોમઃ શહેર જીલ્લામાં ૧૧૦૦ કરોડના ૪૩૦ લોકાર્પણઃ ખીરસરામાં નવી GIDCમાં ૪૭૧ પ્લોટનો ડ્રોઃ સૂચિત સોસાયટીના ૧૫૦૦ લોકોને સનદ વિતરણઃ વિચરતી જાતીના ૧૫૦ પરિવારોને પ્લોટ અર્પણ

રાજકોટ તા. ર૦ : ૭૧ મા પ્રજાસત્તાક પર્વની આ વખતની રાજય કક્ષાની ઉજવણી રાજકોટ ખાતે રાખવામાં આવી છે. ર૬ જાન્યુઆરીએ સવારે ૯ વાગ્યે મુખ્યમંત્રી અને ગવર્નરની હાજરીમાં રેસકોર્સ ખાતે ધ્વજ વંદન રાખવામાં આવ્યું છે. જેમાં રપ હજારની મેદની હાજર રહે એવો અદાજ છે. એ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગર પાલિકા દ્વારા ૩૮ જેટલા વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે તેનો આરંભ રાષ્ટ્રીય પર્વના આ રાજય સ્તરના ઉત્સવમાં રંગીલું રાજકોટ શહેર દેશપ્રેમીના રંગે રંગાઇ જશે. શહેરમાં ઠેર ઠેર રોશનીની ઝળહળાટ જોવા મળશે. આ કાર્યક્રમો દરમ્યાન શહેર અને જિલ્લામાં કુલ મળીને રુ.૧૧૦૦ કરોડના ૪૩૦ વિકાસ કામોના લોકાર્પણ ખાતમુર્હુત પણ કરવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ૧૬ જેટલા કાર્યક્રમો યોજાશે આજે કાર્યક્રમ છે સવારે ૯ થી ૧૦ વાગ્યે પોપટપરા માઉન્ટેડ પોલીસ દ્વારા અશ્વ શો, પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે સુચિત સોસાયટીના ધારકો તથા વિચરતી જાતિના ખિરસરા જીઆઇડીસી સાઇટના પ્લોટ એલોટમેન્ટનો ડ્રો. અને સાંજે ૪ થી ૪-૪પ વાગ્યે ન્યુ રેસકોર્સ ખાતે એર શો રાખવામાં આવ્યો છે.

તા.ર૪ ના ત્રણ કાર્યક્રમોમાં સાંજે ૬ થી ૬-૪પ વાગ્યે ચૌધરી હાઇસ્કુલના મેદાનમાં શસ્ત્ર પ્રદર્શન તથા મશાલ પીટી કાર્યક્રમનું ઉદ્દઘાટન રાખવામાં આવ્યું છે બાદમાં રેસકોર્સ રિંગ રોડ ખાતે લાઇટીંગ પ્રોજેકટનું લોકાર્પણ તથા સેલ્ફ ફાઇનાન્સ સ્કુલોના કાર્નિવલનું ઉદ્દઘાટન કરવામાં આવશે.

તા.રપ ના બપોરે આત્મીય કોલેજ ખાતે યુવા સંમેલન તથા સરકારની વિવિધ યુવાલક્ષી યોજનાઓના લાભોનું વિતરણ ૧ર-૩૦ થી ૧-૧પ વાગ્યે ગોંડલના બીએસપીએસ મંદિર ખાતે મહિલા સંમેલન, ૩ વાગ્યા દરમ્યાન રાજકોટના નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ બાદમા શાસ્ત્રી મેદાનમાં હસ્તકલા પર્વનું ઉદ્દઘાટન, સાંજે મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે ગવર્નરની હાજરીમાં એટહોમ કાર્યક્રમ જયારે સાંજે ૭ થી ૯ વાગ્યા દરમ્યાન રેસકોર્સના ક્રિકેટ ગ્રાઉન્ડમાં મેગા ઇવેન્ટ નામે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એ જ દિવસે બપોરે ૩ થી ૩-૪પ દરમ્યાન હેમુ ગઢવી હોલમાં કિસાન સંમેલન તથા જૈવિક ખેતી અંગે વર્કશોપ પણ રાખવામાં આવી છે.

(11:27 am IST)